અત્યારના લોકો હવે મૅક્સિમલિઝમ તરફ પાછા ફર્યા છે ત્યારે મેકઅપ અને ઍક્સેસરીઝમાં કલરફુલ સ્ટોન્સનો ઉપયોગ વધુ થઈ રહ્યો છે
પર્સમાં સ્ટોન્સ.
સોશ્યલ મીડિયાના યુગમાં ફૅશન અને બ્યુટીના ટ્રેન્ડ્સ બદલાતા રહે છે. તાજેતરમાં ડિજિટલ પ્લૅટફૉર્મ્સ પર એક નવો શાઇની અને ચમકદાર ટ્રેન્ડ ધૂમ મચાવી રહ્યો છે જેને ‘જેમમૅક્સિંગ’ નામ આપવામાં આવ્યું છે. આ ટ્રેન્ડે ફૅશનપ્રેમીઓને ઘેલા કર્યા છે. જેમમૅક્સિંગ શું છે, એનો ઉદ્ભવ કેવી રીતે થયો અને શા માટે લોકો એના તરફ આટલા આકર્ષાઈ રહ્યા છે એ વિશે જાણીએ.
જેમમૅક્સિંગ એટલે શું?
ADVERTISEMENT
જેમમૅક્સિંગ શબ્દ મૂળભૂત રીતે જેમ એટલે સ્ટોન્સ અને મૅક્સિમાઇઝિંગના સંયોજનથી બન્યો છે. સોશ્યલ મીડિયાની ભાષામાં કહીએ તો પોતાના દેખાવ, મેકઅપ, આઉટફિટ તેમ જ રોજિંદા વપરાશની વસ્તુઓમાં શક્ય એટલી વધુ ચમક, ગ્લિટર અને રંગબેરંગી પથ્થરોનો ઉપયોગ કરવાની આર્ટ એટલે જેમમૅક્સિંગ. આ ટ્રેન્ડ અંતર્ગત નાના-મોટા શાઇની સ્ટોન્સ, ક્રિસ્ટલ્સ, રાઇનસ્ટોન્સ અને નકલી કે કુદરતી રત્નોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટ્રેન્ડ માત્ર દાગીના પહેરવા પૂરતો સીમિત નથી, પરંતુ પોતાના લુકને વધુમાં વધુ બોલ્ડ અને આકર્ષક બનાવવાનો એક પ્રયાસ છે.
લાઇફસ્ટાઇલમાં ચમકનો જાદુ
જેમમૅક્સિંગનો ક્રેઝ હવે બ્યુટી અને ફૅશનના દરેક પાસામાં જોવા મળી રહ્યો છે. આંખોના ખૂણા પર, આઇલાઇનરની જગ્યાએ કે ગાલ પર નાના-નાના ચમકતા ક્રિસ્ટલ્સ ચોંટાડીને યુનિક લુક મેળવવામાં આવી રહ્યો છે. ફેસ જેમ્સનો આ ઉપયોગ પાર્ટીઓ અને ફેસ્ટિવલ્સમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પ્લેન નેઇલપૉલિશને બદલે નૂડ કે ડાર્ક બેઝ પર રાઇનસ્ટોન્સ, ગ્લિટર અને 3D સ્ટોન્સ લગાવીને નખને રૉયલ અને ચમકદાર લુક આપવામાં આવે છે. હેરસ્ટાઇલિંગમાં પણ આ ટ્રેન્ડ પ્રવેશી ચૂક્યો છે. હેરપિન્સ, હેડબૅન્ડ્સ અને વાળની લટોમાં નાના ક્રિસ્ટલ્સ ચોંટાડીને ગ્લૅમરસ લુક તૈયાર કરવામાં આવે છે. આ ટ્રેન્ડ ફક્ત શરીર કે કપડાં સુધી સીમિત નથી રહ્યો. લોકો પોતાના મોબાઇલ કવર, વૉટર બૉટલ, પર્સ, હેડફોન, સનગ્લાસિસ અને શૂઝ પર પણ ચમકતા પથ્થરો ચોંટાડીને એને પર્સનલાઇઝ કરી રહ્યા છે.
મૅક્સિમલિઝમનો ક્રેઝ
છેલ્લા કેટલાક સમયથી મિનિમલિઝમનો દબદબો હતો જેમાં આછા રંગો અને સાદાં આઉટફિટ્સ પસંદ કરવામાં આવતાં હતાં, પરંતુ જેમમૅક્સિંગે આ ખ્યાલને સંપૂર્ણપણે બદલી નાખ્યો છે. આ ટ્રેન્ડને ડિજિટલ વર્લ્ડમાં ચાલતા વિમ્સિમૅક્સિંગ મૂવમેન્ટનો એક ભાગ ગણવામાં આવે છે. વિમ્સિમૅક્સિંગ એટલે પોતાની જિંદગીમાં વધુ રંગો, મજા, મસ્તી અને અનોખાપણું ઉમેરવું. લોકો હવે કંટાળાજનક અને ન્યુટ્રલ લુકથી કંટાળીને પોતાના વ્યક્તિત્વને વધુ બોલ્ડ અને રંગીન રીતે વ્યક્ત કરવા માગે છે.
નૉસ્ટાલ્જિક કમબૅક
૧૯૯૦ના દાયકાના અંતમાં અને ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં પૉપસ્ટાર્સ અને સેલિબ્રિટીઝ બૉડી જેમ્સ, રાઇનસ્ટોન્સ અને ચમકતાં આઉટફિટ્સ પહેરતા હતા. જેમમૅક્સિંગ એ જ જૂના ફૅશનટ્રેન્ડનું નવું અને આધુનિક સ્વરૂપ છે. પૅરિસ હિલ્ટન અને કાઇલી જેનર જેવી ગ્લોબલ સેલિબ્રિટીઝે સોશ્યલ મીડિયા પર ચમકતા ક્રિસ્ટલ્સ સાથેના લુક્સ અને ઍક્સેસરીઝ શૅર કરતાં જ આ ક્રેઝ વૈશ્વિક સ્તરે વાઇરલ થઈ ગયો છે. પોતાનાં જૂનાં જૅકેટ, જૂનાં ફોનકવર કે સાદાં કપડાં પર થોડાક સસ્તા રાઇનસ્ટોન્સ કે સ્ટોન્સ ચોંટાડીને એને એકદમ નવો અને બ્રૅન્ડેડ લુક આપી શકાય છે. આ ઓછા ખર્ચે ફૅશનેબલ દેખાવાનો અને ક્રીએટિવિટી દર્શાવવાનો ઉત્તમ રસ્તો બન્યો છે.
સેલ્ફ-એક્સપ્રેશન અને ગ્લૅમરનું કૉમ્બિનેશન
જેમમૅક્સિંગ માત્ર દેખાડો નથી, એ સેલ્ફ એક્સપ્રેશનનો ભાગ છે. દરેક વ્યક્તિ પોતાની પસંદગી મુજબ રંગો અને ડિઝાઇનની પસંદગી કરીને કંઈક અનોખું બનાવી શકે છે. જો તમે આ ટ્રેન્ડ અપનાવવા માગતા હો તો આખા લુકને ચમકથી ભરી દેવાને બદલે કોઈ એક ચોક્કસ હાઇલાઇટ પૉઇન્ટ - જેમ કે માત્ર નેઇલ્સ, માત્ર આંખો અથવા કોઈ એક સ્ટેટમેન્ટ જ્વેલરી પસંદ કરો જેથી તમારો લુક ઓવર-ધ-ટૉપ લાગવાને બદલે એલિગન્ટ લાગે.
