Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > કાનની રેડ કાર્પેટથી સ્ટ્રીટ-સ્ટાઇલ સુધી છવાયો હૅન્ડ-પેઇન્ટેડ ફૅશનનો ક્રેઝ

કાનની રેડ કાર્પેટથી સ્ટ્રીટ-સ્ટાઇલ સુધી છવાયો હૅન્ડ-પેઇન્ટેડ ફૅશનનો ક્રેઝ

Published : 21 May, 2026 12:01 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

આજની જેન-ઝી અને મિલેનિયલ્સ યુવતીઓમાં માસ-પ્રોડક્શનને બદલે ફ્લોલેસ, મિનિમલિસ્ટ લુક માટે હેન્ડ-પેઇન્ટેડ ગાર્મેન્ટ્સનો વધી રહ્યો છે ટ્રેન્ડ

આલિયાનો લુક

આલિયાનો લુક


મશીન પ્રિન્ટ્સ અને ફૅક્ટરી-મેડ આઉટફિટ્સનું માર્કેટ ઓવરફ્લો થઈ રહ્યું છે ત્યારે ફૅશનવર્લ્ડમાં ફરી એક વાર પર્સનલ ટચ અને ઓરિજિનલ આર્ટની બોલબાલા વધી છે. આ બદલાતા ટ્રેન્ડનું સૌથી તાજું ઉદાહરણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળ્યું, જ્યાં બૉલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટ હૅન્ડ-પેઇન્ટેડ ગાઉન પહેરીને રેડ કાર્પેટ પર ઊતરી હતી. આ લુક વાઇરલ થતાં જ હૅન્ડ-પેઇન્ટેડ આઉટફિટ્સનો ક્રેઝ વધી ગયો છે. હૅન્ડ-પેઇન્ટેડ ફૅશનની સૌથી મોટી ખાસિયત એ છે કે એ માત્ર એક કપડું નથી, વેરેબલ આર્ટ છે. કાપડ પર આર્ટિસ્ટના હાથથી થતું કલર બ્લેન્ડિંગ દરેક ડ્રેસને વધુ યુનિક અને પર્સનલાઇઝ્ડ બનાવે છે એટલે કે આ ડિઝાઇનની બીજી કોઈ કૉપી હોઈ શકે જ નહીં. આજની જેન-ઝી અને મિલેનિયલ્સ યુવતીઓ માસ-પ્રોડક્શનને બદલે ફ્લોલેસ, મિનિમલિસ્ટ અને પ્રીમિયમ લુક પસંદ કરે છે. સાડી અને લેહંગા જેવા પરંપરાગત વેઅરથી શરૂ કરીને હવે કન્ટેમ્પરરી ગાઉન્સ અને કેપ્સ પર અત્યારે હૅન્ડ-પેઇન્ટિંગનો ક્રેઝ બહુ વધી રહ્યો છે.

કલર્સ અને ફૅબ્રિક



પરેલમાં રહેતાં અનુભવી ફૅશન-ડિઝાઇનર નિધિ કોઠારીએ પણ કસ્ટમાઇઝ્ડ હૅન્ડ-પેઇન્ટેડ પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે. આ ટ્રેન્ડ લોકોની પસંદ કેમ બની રહ્યો છે એ વિશે તે કહે છે, ‘આ ફૅશન અત્યારે ચાલી રહેલી સ્લો ઍન્ડ સસ્ટેનેબલ ફૅશન તરફના ઝુકાવ સાથે પણ સુંદર રીતે બંધ બેસે છે, જ્યાં લોકો ફાસ્ટ ટ્રેન્ડ્સ પાછળ દોડવાને બદલે કારીગરી, ઝીણવટભરી વિગતો અને અર્થપૂર્ણ ડિઝાઇનને વધુ મહત્ત્વ આપે છે જે તેમના વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે. અત્યારે પિછવાઈ પેઇન્ટિંગ્સ, દેવી-દેવતાઓનું આર્ટવર્ક, ફ્લોરલ, ઍબ્સ્ટ્રૅક્ટ કન્સેપ્ટ્સ, હેરિટેજ પેઇન્ટિંગ્સ અને મહારાણી-મહારાજાથી પ્રેરિત મોટિફ્સ ખૂબ જ ટ્રેન્ડમાં છે. મારા મતે હૅન્ડ-પેઇન્ટિંગ સિલ્ક, ઑર્ગન્ઝા, લિનન સિલ્ક, ચંદેરી, સૅટિન અને કૉટન સિલ્ક જેવા પ્રીમિયમ કાપડ પર બહુ સારું લાગે છે; કારણ કે આ ફૅબ્રિક્સ રંગોને સારી રીતે ઍબ્સૉર્બ કરે છે અને આઉટફિટને લક્ઝરી ફિનિશિંગ આપે છે. કલર્સની વાત કરીએ તો સૉફ્ટ પેસ્ટલ્સ, આઇવરી ટોન્સ, અર્ધી શેડ્સ, મ્યુટેડ મેટાલિક્સ, જેલ ટોન્સ અને રિચ ફેસ્ટિવ શેડ્સ અત્યારે પૉપ્યુલર છે. આ રંગો ડ્રેસમાં એલિગન્સ ઉમેરે છે અને એના પર કરેલા આર્ટવર્કને સુંદર રીતે ઉપસાવી લાવે છે.’


નવો બદલાવ

કેવી ડિઝાઇન અત્યારે વધુ પસંદ કરવામાં આવી રહી છે એની માહિતી આપતાં નિધિ કહે છે, ‘ડિઝાઇન મોટિફ્સમાં ફ્લોરલ અને ઍબ્સ્ટ્રૅક્ટ આર્ટ સદાબહાર છે; પરંતુ આજકાલ ક્લાયન્ટ્સ હેરિટેજથી પ્રેરિત પેઇન્ટિંગ્સ, સીનિક સ્ટોરીટેલિંગ, પરંપરાગત ભારતીય કલાનાં વિવિધ સ્વરૂપો અને આધ્યાત્મિક થીમ્સ તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે. આ ડિઝાઇન ભાવનાત્મક અને સાંસ્કૃતિક જોડાણ બનાવે છે.
હૅન્ડ-પેઇન્ટેડ ટ્રેન્ડમાં બીજો સુંદર બદલાવ એ આવ્યો છે કે હવે પેઇન્ટિંગની સાથે ઝીણવટભરી હૅન્ડ-એમ્બ્રૉઇડરીનું ફ્યુઝન કરવામાં આવે છે. ડિઝાઇનર્સ હવે પેઇન્ટ કરેલા ભાગોને વધુ હાઇલાઇટ કરવા, એમાં ટેક્સ્ચર ઉમેરવા અને 3D લુક આપવા માટે સીક્વન્સ, ઝરદોશી, બીડવર્ક, પર્લ્સ અને થ્રેડ એમ્બ્રૉઇડરીનો ઉપયોગ કરે છે જે કપડાને વેરેબલ આર્ટનું એક માસ્ટરપીસ બનાવી દે છે.’


પેઇન્ટ બ્લીડિંગ

હૅન્ડ-પેઇન્ટેડ કલેક્શનને જે બાબત ખરેખર લક્ઝરી બનાવે છે એ છે એની મેકિંગ પ્રોસેસ. હૅન્ડ-પેઇન્ટેડ આઉટફિટ બનાવવામાં ઘણી ટેક્નિકલ ચૅલેન્જિસ પણ આવે છે જેમાં ભારે ચોકસાઈની જરૂર પડે છે ત્યારે ડિઝાઇનર્સ કઈ રીતે આ પડકાર પર ખરા ઊતરે છે એ વિશે નિધિ કહે છે, ‘સૌથી મોટો પડકાર પેઇન્ટ બ્લીડિંગ એટલે રંગ ફેલાઈ જવાનો હોય છે. ખાસ કરીને સિલ્ક અને ઑર્ગન્ઝા જેવા ફૅબ્રિક પર જો પેઇન્ટની થિકનેસ કે બ્રશ પરનો કન્ટ્રોલ સહેજ પણ ચૂકી જવાય તો રંગો તરત જ ફેલાઈને આખી ડિઝાઇન બગાડી શકે છે. કાપડનું ટેક્સ્ચર પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. સ્મૂધ ફૅબ્રિક પર સૉફ્ટ બ્લેન્ડિંગ સરળ બને છે, જ્યારે ટેક્સ્ચરવાળા કાપડ પર વધુ કન્ટ્રોલ્ડ સ્ટ્રોક્સ અને લેયરિંગ ટેક્નિકની જરૂર પડે છે.

શેડિંગ કે હેરિટેજ આર્ટ બનાવવાનું હોય ત્યારે કલરનું બ્લેન્ડિંગ કેવું થાય છે એના પર નક્કી થાય છે કે આખા ડ્રેસનો લુક પર્ફેક્ટ બનશે કે બગડશે. આર્ટવર્ક ફેલાયેલું દેખાયા વગર કલર્સ એકબીજામાં એકદમ નૅચરલ રીતે ભળી જાય એ માટે ઘણી ધીરજ જોઈએ. ડિઝાઇનર્સે આર્ટવર્ક અને કપડાના કટિંગ વચ્ચે પણ બૅલૅન્સ જાળવવું પડે જેથી પેઇન્ટિંગ કપડાના લુકને વધારે, નહીં કે એના પર હાવી થઈ જાય. અત્યારે ખરો પડકાર એ હોય છે કે પેઇન્ટિંગ અને એના પર થતી એમ્બ્રૉઇડરી બન્ને એકબીજાના પૂરક બને અને ડ્રેસ પહેરવામાં એકદમ આરામદાયક રહે.’

પાવર-સ્ટેટમેન્ટ

હૅન્ડ-પેઇન્ટેડ ડિઝાઇન્સ હવે માત્ર સાડી કે લેહંગા પૂરતી મર્યાદિત નથી રહી. એ એથ્નિકવેઅરથી આગળ વધીને મૉડર્ન અને વર્સેટાઇલ બની છે. આજના લેટેસ્ટ ટ્રેન્ડને ડીકોડ કરતાં નિધિ કહે છે, ‘ડિઝાઇનર્સ હવે પૅન્ટ-સૂટ્સ, કેપ્સ, જૅકેટ્સ, ડ્રેપ્ડ ગાઉન્સ અને ફ્યુઝન કો-ઑર્ડ સેટ્સ જેવાં આઉટફિટ્સ પર હૅન્ડ-પેઇન્ટેડ આર્ટવર્ક કરી રહ્યા છે જે લુકને ખૂબ જ આર્ટિસ્ટિક અને કન્ટેમ્પરરી ટચ આપે છે. હૅન્ડ-પેઇન્ટેડ આઉટફિટ પોતે જ એક સ્ટાઇલ-સ્ટેટમેન્ટ છે એટલે એની સાથે મિનિમલ જ્વેલરી અને મેકઅપ પણ સટલ રાખવો જેથી લુક બૅલૅન્સ રહે. ઓવરસ્ટાઇલિંગ કરશો તો હૅન્ડ-પેઇન્ટેડ આઉટફિટની બ્યુટી મરી જશે. એક હૅન્ડ-પેઇન્ટેડ કેપને સ્ટ્રેઇટ ટ્રાઉઝર્સ અને સ્ટેટમેન્ટ ઇઅર-રિંગ્સ સાથે સ્ટાઇલ કરી શકાય, જ્યારે પેઇન્ટેડ બ્લેઝરને સાદા જીન્સ અથવા સિમ્પલ ડ્રેસ સાથે પેર કરીને એક સ્માર્ટ ઇન્ડો-વેસ્ટર્ન લુક મેળવી શકાય છે.

હૅન્ડ-પેઇન્ટેડ ગાઉન્સ મિનિમલ જ્વેલરી, સ્લિક હેરસ્ટાઇલ અને મૉડર્ન હીલ્સ સાથે મસ્ત લાગશે, કારણ કે ત્યાં પેઇન્ટિંગ પોતે જ તમારું મુખ્ય પાવર-સ્ટેટમેન્ટ બની જાય છે. કૅઝ્યુઅલ લુક માટે હૅન્ડ-પેઇન્ટેડ જૅકેટ્સને સ્નીકર્સ અને મિનિમલ મેકઅપ સાથે પેર કરવાથી એક ખૂબ જ એફર્ટલેસ લક્ઝરી લુક ક્રીએટ થાય છે.

આલિયાનો કાન લુક
આલિયાએ એક સ્ટ્રક્ચર્ડ કૉર્સેટ બૉલગાઉન પહેર્યું હતું. આ ઑફ-શોલ્ડર હૅન્ડ-પેઇન્ટેડ ગાઉન પ્રતિભાશાળી અમદાવાદની ડિઝાઇનર બાંસુરી ચોકસી દ્વારા ખાસ ડિઝાઇન અને પેઇન્ટ કરવામાં આવ્યું છે. ફ્રેન્ચ રિવેરાની સુંદરતા અને દરિયાઈ મોજાંની થીમથી પ્રેરિત થઈને આ ડ્રેસનું આખું કૅન્વસ તૈયાર કરવામાં આવ્યું છે. મશીન પ્રિન્ટિંગને બદલે કાપડ પર સીધું બારીકાઈથી પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. આ ડ્રેસમાં સૉફ્ટ પેસ્ટલ અને ઓશન બ્લુ ટોન્સનું એવું અદ્ભુત શેડિંગ કરવામાં આવ્યું છે જે ફૅશન અને ફાઇન આર્ટ્સનું ક્લાસિક ફ્યુઝન દર્શાવે છે. મેકિંગ પ્રોસેસ ખૂબ જ નાજુક હોવાથી આ ગાઉન એક લક્ઝરી માસ્ટરપીસ તરીકે ઊભરી આવ્યું છે.

કાળજી કેવી રીતે રાખશો?

આવા આઉટફિટની કાળજી કઈ રીતે રાખવી એ વિશે સમજાવતાં નિધિ કહે છે, ‘હૅન્ડ-પેઇન્ટેડ આઉટફિટ બહુ ડેલિકેટ અને અને પ્રીમિયમ હોવાથી એક્સપર્ટ્સ એની લૉન્ગ લાઇફ માટે ડ્રાયક્લીનિંગની ભલામણ કરે છે, કારણ કે એ કાપડ અને આર્ટવર્ક બન્નેને સુરક્ષિત રાખે છે. જો કોઈ એને ઘરે ધોવા માગતું હોય તો એને હંમેશાં માઇલ્ડ ડિટર્જન્ટ સાથે ઠંડા પાણીમાં ખૂબ જ નરમાશથી હૅન્ડ-વૉશ કરવું જોઈએ અને પેઇન્ટ કરેલા ભાગ પર બિલકુલ બ્રશ ઘસવું જોઈએ નહીં. આ કપડાને ઇસ્ત્રી કરવા માટે આઉટફિટને હંમેશાં ઊંધું કરીને અથવા પેઇન્ટિંગની ઉપર કૉટનનું કોઈ સોફ્ટ કપડું રાખીને હળવી ગરમી પર જ પ્રેસ કરવું જોઈએ. આ આઉટફિટ્સને હંમેશાં બ્રીધેબલ ગાર્મેન્ટ બૅગ એટલે કપડાની થેલીમાં રાખવાં જોઈએ અને સીધા સૂર્યપ્રકાશ કે ભેજથી બચાવીને કબાટમાં સાચવવાં જોઈએ જેથી એના કલર્સ વર્ષો સુધી એટલા જ વાઇબ્રન્ટ અને બ્રાઇટ રહે.’

 

Whatsapp-channel Whatsapp-channel

21 May, 2026 12:01 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK