ત્વચાને સૂર્યનાં હાનિકારક કિરણોથી બચાવવા માટે સનસ્ક્રીન લગાવતી વખતે એના પ્રમાણનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે
પ્રતીકાત્મક તસવીર
ઉનાળો હોય કે શિયાળો, સનસ્ક્રીન લોશન દરેક સીઝનમાં લગાવવું જરૂરી હોય છે. સનસ્ક્રીન લોશન ત્વચા પર એક પ્રોટેક્ટિવ લેયર બનાવે છે જેનાથી ચહેરો સૂર્યનાં હાનિકારક કિરણોથી બચેલો રહે છે અને સ્કિન ડૅમેજ થવાનું જોખમ ઘટી જાય છે. સનસ્ક્રીન લગાવીને બહાર નીકળવાથી સન-ટૅનિંગ એટલે કે તડકાથી ત્વચા કાળી નથી પડતી. એજિંગ-પ્રોસેસ ધીમી પડે છે એટલે કે ચહેરા પર કરચલીઓ જલદીથી પડતી નથી. સનસ્ક્રીન લોશન લગાવવાના ફાયદા આપણને બધાને જ ખબર છે તેમ છતાં ઘણા લોકોને એ ખબર હોતી નથી કે કેટલા પ્રમાણમાં સનસ્ક્રીન લગાવવું જોઈએ. આ જાણવું ખૂબ જરૂરી છે, નહીંતર સનસ્ક્રીન લગાવ્યા છતાં પણ એનો ફાયદો તમને નહીં થાય અને તમારી સ્કિન ડૅમેજ થઈ જશે.
ADVERTISEMENT
સામાન્ય રીતે આપણે હથેળીમાં એક દાણા જેટલું સનસ્ક્રીન લોશન લઈને એને ચહેરા પર લગાવી દેતા હોઈએ છીએ, પણ એનાથી ત્વચાને હાનિકારક અલ્ટ્રાવાયલેટ કિરણો સામે રક્ષણ નહીં મળે. એ માટે ઓછામાં ઓછા ૧/૪ અથવા તો ૧/૩ ટીસ્પૂન જેટલા સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને ભરબપોરે તડકામાં રખડવાનું હોય ત્યારે ૧/૩ ટીસ્પૂન જેટલું સનસ્ક્રીન લોશન લગાવવું પર્ફેક્ટ ગણાય. દર વખતે આપણા માટે એ શક્ય નથી કે ચમચીથી માપીને ક્રીમ લગાવી શકાય. એટલે એવું કહેવાય કે હાથની બે આંગળીઓની લંબાઈ જેટલું સનસ્ક્રીન ફેસ પર લગાવવું જોઈએ.
સનસ્ક્રીન લગાવવાને લઈને બીજી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે સનસ્ક્રીનને હંમેશાં તડકામાં બહાર નીકળવાનું હોય એની ૧૫થી ૩૦ મિનિટ પહેલાં લગાવવું જોઈએ. એટલે એને ત્વચામાં સરખી રીતે ઍબ્સૉર્બ થવાનો સમય મળે અને એ તમારી ત્વચાને પ્રોટેક્ટ કરી શકે. એવી જ રીતે SPF 30 અને એનાથી વધુની વૅલ્યુ હોય એવા સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. ઉનાળાના ધોમધખતા તડકામાં તમારી સ્કિનને પ્રોટેક્શન મળી રહે એ માટે SPF 50નો યુઝ કરો તો સારું કહેવાય. એવી જ રીતે દિવસમાં એક વાર સનસ્ક્રીન લગાવવાથી કામ થઈ ગયું એવું નથી. તમારે સતત તડકામાં રહેવાનું હોય તો દર બે કલાકે સનસ્ક્રીન લોશન ફેસ પર લગાવવું જોઈએ.

