ગ્લાસ સ્કિનના ટ્રેન્ડ બાદ હવે દૂધ જેવી ક્લીન સ્કિન મેળવવાનો ક્રેઝ અત્યારે યુવતીઓમાં જોવા મળી રહ્યો છે ત્યારે ગ્લોઇંગ ફિનિશને પાછળ છોડીને નૅચરલ અને સૉફ્ટ મૅટ લુકનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે
પ્રતીકાત્મક તસવીર
ગ્લોઇંગ અને ડ્યુઈ એટલે કે ચમકતી ભીનાશ ધરાવતી સ્કિનનો ટ્રેન્ડ લાંબા સમયથી બ્યુટી-વર્લ્ડમાં છવાયેલો હતો. જોકે હવે ઓવર-ગ્લો અને સ્ટિકી ફિનિશને બદલે નૅચરલ, હેલ્ધી અને સૉફ્ટ મૅટ સ્કિનનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મિલ્કી સ્કિન અને સૉફ્ટ મૅટ ફિનિશ યુવતીઓમાં પૉપ્યુલર બની રહી છે. આ લુકમાં ત્વચા પર કુદરતી હાઇડ્રેશન જળવાઈ રહે છે, પરંતુ વધારાની ઑઇલી શાઇન દેખાતી નથી.
મિલ્કી અને સૉફ્ટ મૅટ સ્કિન એટલે શું?
ADVERTISEMENT
મિલ્કી સ્કિનનો અર્થ દૂધ જેવી સફેદ ત્વચા એવો નથી; ત્વચા સ્વચ્છ, સ્મૂધ, હાઇડ્રેટેડ અને એકસરખી દેખાય એવો બ્યુટી-લુક છે. બીજી તરફ સૉફ્ટ મૅટ સ્કિનમાં ચહેરા પર ઑઇલી કે સ્ટિકિનેસ રહેતી નથી, અને એ ડ્રાય પણ નથી લાગતી. આવી સ્કિન અંદરથી હાઇડ્રેટેડ અને બહારથી સૉફ્ટ વેલ્વેટ જેવી મૅટ ફિનિશવાળી સ્કિન હોય છે, એને સૉફ્ટ મૅટ સ્કિન કહેવાય છે. આ લુકનો ફાયદો એ છે કે એ મેકઅપ વિના પણ નૅચરલ લાગે છે અને મેકઅપ સાથે અપનાવવામાં આવે તો કૅમેરા સામે પણ ક્લીન અને એલિગન્ટ ફિનિશ આપે છે.
સ્કિનકૅર રૂટીનમાં શું સામેલ કરવું?
સૉફ્ટ મૅટ સ્કિન મેળવવા માટે ત્વચામાં ભેજ જાળવવો જરૂરી છે. ઑઇલી સ્કિન હોય તો હળવી જેલ અથવા વૉટર-બેઝ્ડ મૉઇશ્ચરાઇઝર ઉપયોગી રહી શકે છે, જ્યારે ડ્રાય સ્કિન માટે થોડું રિચર મૉઇશ્ચરાઇઝર જરૂરી બની શકે છે.
આ ટ્રેન્ડ સાથે મિલ્કી ટેક્સચરવાળાં ટોનર્સ પણ બ્યુટી-રૂટીનમાં ચર્ચામાં છે. સામાન્ય રીતે આવાં ટોનર્સમાં હાઇડ્રેટિંગ અને સ્કિન-સૉફ્ટનિંગ ઘટકો હોય છે, જે ત્વચાને સૉફ્ટ અને પ્લમ્પ દેખાવામાં મદદ કરી શકે છે. ટોનર પસંદ કરતી વખતે માત્ર ‘મિલ્કી’ નામ કે ટેક્સચર કરતાં એમાં રહેલા ઘટકો અને પોતાની સ્કિન-ટાઇપને ધ્યાનમાં લેવાનું વધુ મહત્ત્વપૂર્ણ છે.
ચહેરા પરથી ધૂળ, પરસેવો અને વધારાનું ઑઇલ દૂર કરવા માટે હળવા ક્લેન્ઝરનો ઉપયોગ કરવો. ખૂબ જ સ્ટ્રૉન્ગ ક્લેન્ઝરથી ત્વચાનું કુદરતી ઑઇલ વધારે દૂર થઈ શકે છે અને ડ્રાયનેસ અથવા ઇરિટેશન થઈ શકે છે.
ડેડ સ્કિન સેલ્સને દૂર કરવા માટે સ્કિન-ટાઇપને અનુરૂપ હળવું એક્સફોલિએશન કરી શકાય છે. જોકે વારંવાર અથવા ખૂબ જ આક્રમક એક્સફોલિએશન કરવાથી ત્વચામાં ઇરિટેશન થઈ શકે છે, તેથી પ્રમાણ જાળવવું જરૂરી છે.
સનસ્ક્રીન માત્ર સ્કિનકૅરનો જ નહીં, કોઈ પણ બ્યુટી-રૂટીનનો મહત્ત્વનો ભાગ છે. જો સૉફ્ટ મૅટ ફિનિશ પસંદ હોય તો નૉન-ગ્રીસી અથવા મૅટ-ફિનિશ સનસ્ક્રીન પસંદ કરી શકાય છે. સનસ્ક્રીન પસંદ કરતી વખતે બ્રૉડ-સ્પેક્ટ્રમ પ્રોટેક્શનને પ્રાથમિકતા આપવી જોઈએ.
મેકઅપમાં પણ બદલાઈ રહ્યો છે બેઝ
મિલ્કી અને સૉફ્ટ મૅટ ટ્રેન્ડ મેકઅપમાં પણ જોવા મળે છે. ખૂબ જ હાઈ-શાઇન બેઝને બદલે સ્કિન-લાઇક અથવા સૉફ્ટ મૅટ ફાઉન્ડેશન પસંદ કરવામાં આવે છે. ચહેરાના દરેક ભાગને ભારે રીતે મૅટ કરવાની જગ્યાએ જ્યાં જરૂરી હોય ત્યાં જ પાઉડરનો ઉપયોગ કરવાથી વધુ નૅચરલ ફિનિશ મેળવી શકાય છે. આ લુકમાં હેવી કવરેજ કરતાં સ્કિનનું નૅચરલ ટેક્સચર જાળવી રાખતો લાઇટ અથવા મીડિયમ કવરેજ બેઝ વધુ યોગ્ય લાગે છે.
ડાયટ અને લાઇફસ્ટાઇલ પણ એટલાં જ જરૂરી
સારી સ્કિન માત્ર બહારથી લગાવવામાં આવતી પ્રોડક્ટ્સથી નક્કી થતી નથી. પૂરતું પાણી પીવું, બૅલૅન્સ્ડ ડાયટ અને પૂરતી ઊંઘ લેવી પણ મહત્ત્વપૂર્ણ છે. આહારમાં ફળો, શાકભાજી, પ્રોટીન અને અન્ય પોષક તત્ત્વોનો સમાવેશ કરવો જોઈએ. બીજી તરફ, વધુ પડતો અલ્ટ્રા-પ્રોસેસ્ડ અથવા શુગરયુક્ત ખોરાક નિયમિત રીતે લેવાનું ટાળવું વધુ સારું છે. પૂરતી ઊંઘના અભાવે ચહેરો થાકેલો અને નિર્જીવ દેખાઈ શકે છે. તેથી સ્કિનકૅર રૂટીનની સાથે નિયમિત ઊંઘ અને સ્વસ્થ લાઇફસ્ટાઇલને પણ પ્રાયોરિટી આપવી જરૂરી છે.
ટ્રેન્ડ કરતાં સ્કિન-હેલ્થ વધુ મહત્ત્વની
મિલ્કી કે સૉફ્ટ મૅટ સ્કિનનો ટ્રેન્ડ અપનાવવો હોય તો દરેક વ્યક્તિએ પોતાની સ્કિન-ટાઇપ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખવી જોઈએ. કોઈ એક પ્રોડક્ટ કે રૂટીન દરેક વ્યક્તિને સમાન પરિણામ આપે એ જરૂરી નથી. ત્વચાને સંપૂર્ણ રીતે મૅટ બનાવવા કરતાં એને સ્વસ્થ, હાઇડ્રેટેડ અને બૅલૅન્સ્ડ રાખવી વધુ ઇમ્પોર્ટન્ટ છે.
