ઉનાળાની કાળઝાળ ગરમી, પરસેવો અને સૂર્યનાં હાનિકારક કિરણો ત્વચાને નિર્જીવ અને કાળી બનાવી દે છે. મોંઘી પાર્લર-ટ્રીટમેન્ટને બદલે આપણા રસોડામાં જ એવી અદ્ભુત વસ્તુઓ છુપાયેલી છે જે ત્વચાને ઠંડક આપવાની સાથે કુદરતી ચમક પણ આપે છે
પ્રતીકાત્મક તસવીર
જેમ-જેમ પારો વધે છે અને સૂર્યનો તાપ આકરો બને છે તેમ-તેમ આપણી ત્વચા માટે અનેક પડકારો શરૂ થાય છે. ઉનાળામાં માત્ર પરસેવો અને ચીકાશ જ નહીં પણ સૂર્યનાં હાનિકારક અલ્ટ્રાવાયલેટ (UV) કિરણો ત્વચાના કુદરતી સ્તરને નુકસાન પહોંચાડે છે, જેને આપણે સામાન્ય ભાષામાં સનટૅન કહીએ છીએ. સનટૅનને કારણે ત્વચા કાળી પડી જાય છે, નિર્જીવ દેખાય છે અને ક્યારેક અકાળે કરચલીઓ કે ડાઘ-ધબ્બાની સમસ્યા પણ સર્જાય છે. ઘણી વાર આપણે સનટૅન દૂર કરવા માટે મોંઘા ફેસવૉશ કે કેમિકલયુક્ત બ્લીચનો સહારો લઈએ છીએ જે ત્વચાને વધુ શુષ્ક બનાવી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી ત્વચાને ફરીથી જીવંત અને તેજસ્વી બનાવવાનું રહસ્ય તમારા રસોડામાં જ છુપાયેલું છે? પ્રકૃતિએ આપણને એવી અનેક વસ્તુઓ આપી છે જે સૂર્યથી થયેલા નુકસાનને રિપેર કરવાની સાથે ત્વચાને અંદરથી ઠંડક પણ આપે છે.
૧. કાકડી અને અલોવેરા ફેસપૅક
ADVERTISEMENT
કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે જે ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે, જ્યારે અલોવેરા સનબર્ન અને બળતરામાં રાહત આપે છે. આ ફેસપૅક બનાવવા માટે બે ચમચી કાકડીનો રસ અને એક ચમચી તાજી અલોવેરા જેલ લો. કાકડીને છીણીને એનો રસ કાઢી લો અને એમાં અલોવેરા જેલ મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર લગાવી ૧૫-૨૦ મિનિટ રહેવા દો. ત્યાર બાદ ઠંડા પાણીથી ધોઈ લો. આ પૅક થાકેલી ત્વચામાં ત્વરિત તાજગી લાવશે.
૨. દહીં અને મધનો ફેસપૅક
દહીંમાં લૅક્ટિક ઍસિડ હોય છે જે ડેડ સ્કિનને દૂર કરે છે અને મધ ત્વચાનું મૉઇશ્ચર જાળવી રાખે છે. આ ફેસપૅક માટે બે ચમચી ઠંડું દહીં અને એક ચમચી મધ લો. બન્નેને સરખી રીતે ફીણી લો જેથી સ્મૂધ પેસ્ટ બને. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો. ૨૦ મિનિટ પછી મસાજ કરતાં- કરતાં સાદા પાણીથી ધોઈ લો. આ પૅક ટૅનિંગ દૂર કરવામાં પણ મદદરૂપ છે.
૩. ટમેટા અને બેસનનો ફેસપૅક
ટમેટામાં રહેલું લાયકોપીન સન-ડૅમેજને રિપેર કરવામાં મદદ કરે છે અને બેસન ત્વચાને ઊંડાણથી સાફ કરે છે. આ ફેસપૅક બનાવવા માટે એક પાકા ટમેટાનો પલ્પ અને એક ચમચી બેસન લો. ટમેટાના પલ્પમાં બેસન ઉમેરી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. આ પૅકને ચહેરા પર લગાવો અને સુકાઈ જાય ત્યાં સુધી રાખો. ત્યાર બાદ હળવા હાથે રગડીને ધોઈ લો. આનાથી ત્વચાનો રંગ નિખરશે.
૪. મુલતાની માટી અને ગુલાબજળ
ઉનાળામાં જેમને વધુ પરસેવો થતો હોય અને સ્કિન ઑઇલી થઈ જતી હોય તેમના માટે આ બેસ્ટ છે. મુલતાની માટી વધારાનું ઑઇલ શોષી લે છે. આ ફેસપૅક બનાવવા બે ચમચી મુલતાની માટી અને જરૂર મુજબ ગુલાબજળ લો. બન્નેને મિક્સ કરી પેસ્ટ બનાવો. જો ત્વચા બહુ ડ્રાય હોય તો ચપટી હળદર ઉમેરી શકાય. આ પેસ્ટને ચહેરા પર લગાવી સુકાવા દો. આ પૅક પોર્સને સાફ કરે છે અને ખીલ થતા અટકાવે છે.
ધ્યાન રાખવા જેવું
કોઈ પણ ફેસપૅક લગાવતાં પહેલાં ચહેરાને ફેસવૉશ અથવા સાદા પાણીથી બરાબર સાફ કરી લેવો. જો તમારી સ્કિન સેન્સિટિવ હોય તો પહેલાં ગળા કે હાથના નાના ભાગ પર લગાવીને ચેક કરી લેવું કે કોઈ બળતરા તો નથી થતીને? ખાસ કરીને લીંબુ કે ટમેટાનો ઉપયોગ કરતી વખતે. ફેસપૅક લગાવ્યા પછી બહુ બોલવું નહીં, કારણ કે પૅક સુકાતી વખતે ત્વચા ખેંચાય છે જેનાથી કરચલીઓ પડી શકે છે. સારા પરિણામ માટે અઠવાડિયામાં ૨-૩ વાર આ કુદરતી પૅકનો ઉપયોગ કરવો જોઈએ.
