અવનવા રંગો, પૉકેટ અને પુલ-થ્રૂ ડિઝાઇન ધરાવતા આ સ્કાર્ફને ફિટેડ કપડાં સાથે સ્ટાઇલ કરીને ગુલાબી ઠંડીમાં મૉડર્ન અને બૅલૅન્સ્ડ લુક મેળવી શકાય છે
શૉલ અને મફલરને સ્થાને છવાયો હાઈ-ફૅશન પફર સ્કાર્ફ
બદલાતા સમય સાથે ભારેખમ ઊનની શૉલ હવે જૂની ફૅશન બની છે. એની જગ્યાએ હળવા વજનના, વૉટરપ્રૂફ અને ફ્યુચરિસ્ટિક લુક આપતા પૅડેડ પફર સ્કાર્ફ ગ્લોબલ ફૅશન-ટ્રેન્ડ બન્યા છે. અવનવા રંગો, પૉકેટ અને પુલ-થ્રૂ ડિઝાઇન ધરાવતા આ સ્કાર્ફને ફિટેડ કપડાં સાથે સ્ટાઇલ કરીને ગુલાબી ઠંડીમાં મૉડર્ન અને બૅલૅન્સ્ડ લુક મેળવી શકાય છે
બદલાતા સમય સાથે ફૅશન-વર્લ્ડમાં પણ દરરોજ નવા પ્રયોગો થતા રહે છે. અત્યાર સુધી શિયાળો આવતાં જ કબાટમાંથી પશ્મીના શૉલ, હૅન્ડલૂમ વુલન સ્કાર્ફ અથવા પરંપરાગત ઊનનાં મફલર બહાર આવી જતાં હતાં. સામાન્ય અને ભારેખમ ઊનની શૉલ હવે જૂની ફૅશન બની ગઈ છે. એની જગ્યાએ હવે હાઈ-ફૅશન, બોલ્ડ અને ફ્યુચરિસ્ટિક લુક આપતા પૅડેડ પફર સ્કાર્ફે એન્ટ્રી કરી છે. આ સ્કાર્ફ અત્યારે ગ્લોબલ ફૅશન-ટ્રેન્ડ બની ગયો છે.
ADVERTISEMENT
શું છે આ પફર સ્કાર્ફ?
પફર સ્કાર્ફ સામાન્ય રીતે પફર જૅકેટ બનાવવા માટે વપરાતા સિન્થેટિક, વૉટરપ્રૂફ નાયલૉન કે પૉલિએસ્ટર મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. આ સ્કાર્ફની અંદર સૉફ્ટ પૅડિંગ અથવા ઇન્સ્યુલેટેડ ફાઇબર ભરવામાં આવે છે, જેના કારણે એ ફૂલેલો દેખાય છે. આ સ્કાર્ફની સૌથી મોટી ખાસિયત એની યુટિલિટી અને સ્ટાઇલનું કૉમ્બિનેશન છે.
અલ્ટ્રા-લાઇટવેઇટ : ઊનની ભારે શૉલની સરખામણીએ આ સ્કાર્ફ વજનમાં એકદમ હળવા હોય છે. એને ગળામાં લપેટવાથી બિલકુલ ભાર નથી લાગતો.
વૉટરપ્રૂફ અને વિન્ડપ્રૂફ : શિયાળાની સવારે પડતાં ઝાકળ, હળવા વરસાદ કે ઠંડા પવન સામે આ મટીરિયલ બેસ્ટ પ્રોટેક્શન આપે છે.
ફ્યુચરિસ્ટિક લુક : આ સ્કાર્ફની ક્લીન લાઇન્સ અને કન્ટેમ્પરરી વૉલ્યુમ લુકને તદ્દન આધુનિક ટચ આપે છે.
રંગો અને ડિઝાઇનની વિવિધતા
પફર સ્કાર્ફમાં અત્યારે અનેક વેરિયેશન જોવા મળી રહ્યાં છે, જેમાં ન્યુટ્રલ કલર્સ જેવા કે બ્લૅક, બેજ, ઑલિવ ગ્રીન અને ગ્રે સદાબહાર છે. જે એ કોઈ પણ આઉટફિટ સાથે મૅચ થઈ જાય છે. જોકે ફૅશન-લવર્સમાં અત્યારે નિયોન ગ્રીન, પિન્ક અને વાઇબ્રન્ટ કલર્સનો ક્રેઝ પણ છે. આ ઉપરાંત કેટલાક પફર સ્કાર્ફ પૉકેટ સાથે આવે છે, જેમાં તમે હાથ ગરમ રાખી શકો છો અથવા ફોન-કાર્ડ્સ રાખી શકો છો. એ સિવાય પુલ-થ્રૂ ડિઝાઇનવાળા સ્કાર્ફ, જેમાં સ્કાર્ફના એક છેડે કાણું હોય છે જેમાંથી બીજો છેડો પસાર કરીને એને ગળાની આસપાસ સરળ સેટ કરી શકાય છે.
સ્ટાઇલ કઈ રીતે કરશો?
પફર સ્કાર્ફ જોવામાં થોડો હેવી અને ફૂલેલો લાગતો હોવાથી એને સાચી રીતે સ્ટાઇલ કરવો ખૂબ જરૂરી છે. જો તમે બ્લૅક, ગ્રે, વાઇટ કલરનાં ન્યુટ્રલ કપડાં પહેર્યાં હોય તો એની સાથે બ્રાઇટ ઑરેન્જ, હૉટ પિન્ક કે મેટલિક પફર સ્કાર્ફ ગળામાં પહેરો. પફર સ્કાર્ફ પોતે બહુ વૉલ્યુમ ધરાવે છે એથી નીચે સ્કિની જીન્સ, ટાઇટ્સ અથવા ફિટેડ ટ્રાઉઝર પહેરો જેથી તમારો લુક બૅલૅન્સ્ડ લાગે. આ સ્કાર્ફ પહેરતી વખતે ગળામાં મોટો હાર કે બહુ મોટાં ઇઅર-રિંગ્સ પહેરવાનું ટાળો.
