વેસ્ટર્ન કન્ટ્રીઝમાં વાઇરલ થઈ રહેલાં આ સ્કર્ટ્સને દેશી ટચ આપીને નવરાત્રિમાં સ્માર્ટ-એલિગન્ટ અને કમ્ફર્ટેબલ ફ્યુઝન લુક મેળવી શકાય
બોહો સ્કર્ટ
આજકાલ સોશ્યલ મીડિયા પર બોહો ડ્રૉસ્ટ્રિંગ સ્કર્ટ્સ ખાસ્સાં ટ્રેન્ડ કરી રહ્યાં છે. હળવું અને ઘેરદાર ફૅબ્રિક, કમર પર બાંધવા માટેની ઍડ્જસ્ટેબલ ડ્રૉસ્ટ્રિંગ એટલે કે દોરી અને બોહેમિયન વાઇબ્સને કારણે આ સ્કર્ટ્સ કૅઝ્યુઅલવેઅર તરીકે ખૂબ જ લોકપ્રિય બન્યાં છે. જોકે યોગ્ય સ્ટાઇલિંગ અને ઍક્સેસરાઇઝિંગની મદદથી કન્ટેમ્પરરી બોહો સ્કર્ટ્સને નવરાત્રિના ગરબા નાઇટ્સ માટે પર્ફેક્ટ અને કમ્ફર્ટેબલ ફ્યુઝન લુકમાં ટ્રાન્સફૉર્મ કરી શકાય છે. હેવી ચણિયાચોળીથી કંઈક અલગ, લાઇટવેઇટ પરંતુ રૉયલ લુક મેળવવા માટે બોહો ડ્રોસ્ટ્રિંગ સ્કર્ટને નવરાત્રિમાં કેવી રીતે સ્ટાઇલ કરવું અને કઈ બાબતોનું ધ્યાન રાખવું એ જાણી લેજો.
કલર, ફૅબ્રિક અને પૅટર્નની સાચી પસંદગી કઈ રીતે?
ADVERTISEMENT
બોહો સ્કર્ટને નવરાત્રિ ફ્યુઝન લુક આપવા માટે સૌથી પહેલું પગલું સાચા સ્કર્ટની પસંદગી છે. કૅઝ્યુઅલ લુક માટે વપરાતા પ્લેન કે પેસ્ટલ સ્કર્ટ્સ નવરાત્રિમાં થોડાં ઝાંખાં પડી શકે છે. નવરાત્રિ માટે કૉટન, ચંદેરી, બાંધણી પ્રિન્ટ, કલમકારી અથવા રાયોન ફ્લેર્ડ સ્કર્ટ્સ બેસ્ટ ચૉઇસ છે. સ્કર્ટમાં પૂરતો ઘેર હોવો જરૂરી છે જેથી ગરબા રમતી વખતે એનો ફ્લો સરસ આવે. કલર પેલેટની વાત કરીએ તો નવરાત્રિ માટે વાઇબ્રન્ટ કલર્સ જેવા કે ડીપ મરૂન, મસ્ટર્ડ યલો, રૉયલ બ્લુ, રાણી પિન્ક, બૉટલ ગ્રીન કે રસ્ટ ઑરેન્જ કલર પસંદ કરવો. જો સ્કર્ટ પ્લેન હોય તો એની નીચેની કિનારી પર ગોટાપટ્ટી, લટકણ કે કોડી વર્ક ઉમેરવાથી એ આપોઆપ ફેસ્ટિવ લુક આપે છે.
અપરવેઅરનું સિલેક્શન
કૅઝ્યુઅલવેઅર માટે આપણે બોહો સ્કર્ટ સાથે સિમ્પલ ટી-શર્ટ કે ટૅન્ક ટૉપ પહેરીએ છીએ, પણ નવરાત્રિ માટે અપરવેઅર વધુ એથ્નિક અને સ્ટ્રક્ચર્ડ હોવું જોઈએ. પ્લેન કે પ્રિન્ટેડ બોહો સ્કર્ટ સાથે હેવી કચ્છી એમ્બ્રૉઇડરી, મિરરવર્ક કે આરી વર્કવાળું બ્લાઉઝ અથવા ચોલી પેર કરો. આ કૉમ્બિનેશન સ્કર્ટનાં બોહો વાઇબ્સ સાથે પર્ફેક્ટ મૅચ આપે છે. જો તમારે મૉડર્ન લુક જોઈએ છે તો સિલ્ક અથવા બ્રૉકેડ ફૅબ્રિકનું ક્રૉપ ટૉપ કે કોર્સિટ પહેરી શકાય. કૅઝ્યુઅલ પ્લેન બોહો સ્કર્ટ પર ટ્રેડિશનલ કચ્છી જૅકેટ, અજરખ પ્રિન્ટનું લૉન્ગ શ્રગ કે શૉર્ટ શ્રગ ઉમેરીને લેયરિંગ કરવાથી લુક ઇન્સ્ટન્ટ ફેસ્ટિવ બની જાય છે.
ઓઢણી અને દુપટ્ટાનું સ્ટાઇલિંગ
કૅઝ્યુઅલ સ્કર્ટને નવરાત્રિના લુકમાં કન્વર્ટ કરવાનો સૌથી સરળ રસ્તો છે એક રિચ દુપટ્ટો. પ્લેન કે લાઇટ પ્રિન્ટ સ્કર્ટ સાથે અજરખ, બંધેજ, પટોળા પ્રિન્ટ અથવા ચંદેરી દુપટ્ટો ઓઢવો. દુપટ્ટાને એક સાઇડ પિન-અપ કરીને અથવા કમર પર બેલ્ટ સાથે ટક-ઇન કરીને પ્લેટિંગ કરી શકાય છે. આનાથી ગરબા રમતી વખતે કમ્ફર્ટ રહેશે અને લુક પણ ટ્રેડિશનલ લાગશે.
ઑક્સિડાઇઝ્ડ જ્વેલરીનો જાદુ
બોહો લુક અને એથ્નિક જ્વેલરી એકબીજાના પૂરક છે. નવરાત્રિ લુક પૂરો કરવા માટે ઍક્સેસરીઝ ખૂબ મહત્ત્વની છે. હેવી ઑક્સિડાઇઝ્ડ હાંસળી, મલ્ટિ-લેયર્ડ નેકલેસ કે સિલ્વર ચૉકર પહેરવો. જો ટૉપ હેવી હોય તો માત્ર મોટી ચાંદબાલી કે ઝૂમખાં અને માથાપટ્ટી-બોરલો પસંદ કરવો. કમર પર કોડી વર્ક, બોહો પૅચવર્ક કે ઑક્સિડાઇઝ્ડ કમરપટ્ટો પહેરવાથી સ્કર્ટનો કૅઝ્યુઅલ લુક ઢંકાઈ જશે અને પર્ફેક્ટ ચણિયાચોળી જેવો એમ્બિયન્સ મળશે. હાથમાં ઑક્સિડાઇઝ્ડ કડાં, ઘૂંઘરૂવાળી બંગડીઓ અને પગમાં એન્ક્લેટ ઉમેરવાં. ગરબા માટે કમ્ફર્ટ સૌથી પહેલી જરૂરિયાત છે. બોહો સ્કર્ટ સાથે એમ્બ્રૉઇડરીવાળી મોજડી, કોલ્હાપુરી ચંપલ કે બોહો ફ્લૅટ્સ બેસ્ટ રહેશે.
