જો તમે નવરાત્રિમાં ભપકાદાર ચણિયાચોળી પહેરવા નથી માગતા, પરંતુ પરંપરાગત અને મૉડર્ન સ્ટાઇલના સમન્વય સાથે કમ્ફર્ટેબલ અને યુનિક સ્ટાઇલિંગ કરવા માગતા હો તો ટ્રેડિશનલ સાડીમાંથી ફ્યુઝન લુક મેળવો
જૂની સાડીઓમાંથી બનાવો ટ્રેન્ડી ગરબા-લુક
નવરાત્રિ આવતાં જ ચણિયાચોળી અને નવાં આઉટફિટ્સનું શૉપિંગ મોટો ખર્ચ બની જાય છે. જો તમે ચણિયાચોળી અને હેવી કૉસ્ચ્યુમ પહેરવાનો કંટાળો આવતો હોય તો કંઈક હળવું અને ફ્યુઝન ટ્રાય કરી શકો. તમારા અથવા મમ્મીના વૉર્ડરોબમાં પડેલી જૂની સિલ્ક, બાંધણી કે પટોળા સાડીનો ઉપયોગ કરીને યુનિક, એલિગન્ટ અને મૉડર્ન એથ્નિક લુક તૈયાર કરી શકો છો. આ રીતે રીસાઇકલ કરેલાં આઉટફિટ્સ માત્ર બજેટ જ નથી બચાવતાં, ગરબા ગ્રાઉન્ડ પર તમને સૌથી અલગ પણ દર્શાવે છે.
ADVERTISEMENT
સાડીના ફૅબ્રિકનો ઉપયોગ કરીને સીવ્યા વગર અથવા ઓછા ખર્ચે ચણિયાચોળી બનાવી શકાય છે. જો ઘરમાં જૂનાં પટોળાં, કાંજીવરમ્ કે બનારસી સાડી હોય તો એમાંથી નાની-નાની પ્લીટ્સ લઈને ઘેરદાર ચણિયો બનાવી શકાય છે. સાડીની હેવી બૉર્ડર ચણિયાના નીચેના ભાગમાં આવશે, જે એને એકદમ રૉયલ લુક આપશે. સાડીનો જે પલ્લુનો ભાગ હોય છે એનો ઉપયોગ દુપટ્ટા તરીકે કરો. સાડીમાંથી બચેલા ફૅબ્રિકમાંથી સિમ્પલ બ્લાઉઝ બનાવો. આ હેવી પલ્લુને ક્રૉસમાં ડ્રેપ કરો.
જો સાડીને કાપવી ન હોય તો માત્ર ડ્રેપિંગની નવી ટેક્નિકથી નવરાત્રિનો લુક તૈયાર કરી શકાય છે. બાંધણી કે ગજી સિલ્કની સાડીને લેગિંગ્સ કે પલાઝો પર ધોતી સ્ટાઇલમાં ડ્રેપ કરો. આ લુકમાં ગરબા રમતી વખતે મૂવમેન્ટ પણ સરળ રહે છે. આ ઉપરાંત સાડીને ટ્રેડિશનલ રીતે પહેરીને પલ્લુને પ્લેટ્સમાં સેટ કરો અને ઉપર કમરપટ્ટો કે ચામડાનો બેલ્ટ પહેરો. એના પર કચ્છીવર્ક કે મિરરવર્કવાળું શૉર્ટ શ્રગ અથવા જૅકેટ પેર કરવાથી મૉડર્ન લુક મળે છે.
અત્યારે નવરાત્રિમાં ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ્સનો ભારે ક્રેઝ છે. જૂની સિલ્ક કે જ્યૉર્જેટ સાડીઓ આ માટે બેસ્ટ ઑપ્શન છે. ચંદેરી કે પ્રિન્ટેડ સાડીમાંથી લૉન્ગ શ્રગ સિવડાવી લો. એને તમે કોઈ પણ સિમ્પલ પ્લેન ક્રૉપ ટૉપ અને / અથવા જીન્સ સાથે પેર કરી શકો છો. જ્યૉર્જેટ કે શિફોનની બાંધણી સાડીમાંથી ફ્રી-સાઇઝ કફ્તાન કુરતી બનાવી શકાય છે. એના પર મિરરવર્ક કે ગોટાપટ્ટીની લેસ લગાવીને ટ્રેડિશનલ ટચ આપી શકાય છે.
સાડીની બૉર્ડરનો રી-યુઝ
જો સાડી જૂની કે થોડી ખરાબ હોય પણ એની બૉર્ડર સારી હોય તો ઘરમાં પડેલા કોઈ પણ પ્લેન લેહંગા કે પ્લેન દુપટ્ટા પર આ બૉર્ડર લગાવડાવી લેવાથી લુક ઇન્સ્ટન્ટ એલિવેટ થઈ જશે. સાડીની હેવી બૉર્ડરનો ઉપયોગ બ્લાઉઝની સ્લીવ્ઝ, ગળાની ડિઝાઇન કે કમરપટ્ટા પર કરીને સાદા આઉટફિટને પણ બજેટમાં નવરાત્રિ માટે રેડી બનાવી શકાય છે.
ફ્યુઝન ચણિયો
જો સાડીનું કટિંગ કર્યા વગર ઝડપી લુક તૈયાર કરવો હોય તો સાડીના બૉટમ પાર્ટનો ઉપયોગ કરીને ચણિયો બનાવી શકાય છે. સાડીને કમરની આસપાસ સરખી પ્લીટ્સ લઈને લેહંગાની જેમ ટક કરી લો. એને કમરપટ્ટા કે દોરીથી સેટ કરો. આ ચણિયા પર કોઈ પ્લેન શૉર્ટ કુરતી કે ક્રૉપ ટૉપ પહેરો. એના પર કચ્છી કે રબારી ભરતકામવાળું હેવી આભલાવર્કનું જૅકેટ પહેરવાથી એકદમ રૉયલ ગરબા લુક તૈયાર થઈ જશે.
