બૉલીવુડના ઍક્ટરોથી માંડીને સામાન્ય યુવકોમાં નેકલેસ પહેરવાનો ક્રેઝ વધી રહ્યો છે. આ ક્રેઝ પાછળ કયાં પરિબળો જવાબદાર છે એ અગ્રણી ફૅશન-ડિઝાઇનર પાસેથી જાણીએ.
શાહરુખ ખાન અને હાર્દિક પંડયા
શું તમે નોટિસ કર્યું છે કે આજકાલ સેલિબ્રિટીઓમાં નેકલેસ પહેરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે? હજી થોડા દિવસો પહેલાં જ જયપુરમાં યોજાયેલા આઇફા અવૉર્ડ્સમાં શાહરુખ ખાનનો લુક તમે જોયો જેમાં તેણે બ્લૅક સૂટ પર ધ્યાન આકર્ષિત કરે એવો ડાયમન્ડનો નેકપીસ પહેર્યો હતો? એટલું જ નહીં, અનંત-રાધિકાના વેડિંગ સેલિબ્રેશનમાં પણ તેણે ઑલિવ કલરની શેરવાની પર ત્રણ લેયરવાળો પોલકી અને એમરલ્ડનો સુંદર હાર પહેર્યો હતો. એવી જ રીતે પોતાની અજબ ફૅશન-સેન્સ માટે જાણીતા રણવીર સિંહે પણ તેની અબુધાબીની ટ્રિપનો એક લુક શૅર કર્યો હતો, જેમાં તેણે ગોલ્ડ અને બ્લૅક શર્ટ પર ગોલ્ડન ચેઇન પેન્ડન્ટ સેટ પહેરીને લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. એવી જ રીતે યુવાન સિતારવાદક રિષબ શર્મા પણ તેના શોઝમાં પારંપરિક હાર પહેરતો હોય છે. એ સિવાય પણ ક્રિકેટર હાર્દિક પંડ્યા, સિંગર યો યો હની સિંહ વગેરેને નેકચેઇન સાથે જોયા હશે. આ બધી સેલિબ્રિટીઝથી ઇન્સ્પાયર થઈને આજના યંગસ્ટર્સ તેમની સ્ટાઇલ કૉપી કરતા હોય છે. એવામાં હવે પુરુષોમાં નેકલેસ પહેરવાનો ટ્રેન્ડ વધ્યો છે.
આ વિશે વાત કરતાં ફૅશન-ડિઝાઇનર અને નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૅશન ટેક્નૉલૉજી (NIFT)ના વિઝિટિંગ ફૅકલ્ટી મનીષ પટેલ કહે છે, ‘જેના પર હંમેશાં મહિલાઓનો ઇજારો રહ્યો છે એ જ્વેલરી હવે પુરુષો પણ પહેરતા થયા છે. આનું કારણ એ છે કે આજના પુરુષો સેલ્ફ-એક્સપ્રેશન અને પર્સનલ સ્ટાઇલમાં માને છે. ઘણા પુરુષો તેમની પર્સનાલિટી, હૉબીઝને રીપ્રેઝન્ટ કરતા નેકપીસ પહેરતા હોય છે. પુરુષો નૉર્મલ ચેઇન, પેન્ડન્ટથી લઈને ટ્રેડિશનલ હાર પહેરવાનું પસંદ કરે છે. રેગ્યુલર બેઝિસ પર પહેરવા માટે ચેઇન-પેન્ડન્ટ સારાં લાગે, જ્યારે લગ્ન જેવા પ્રસંગમાં ભારે કુરતા, શેરવાની પર એથ્નિક નેકલેસ તમારા લુકને એન્હૅન્સ કરે. આઉટફિટ સાથે નેકલેસ પહેરવામાં આવે તો એ ઓવરઑલ લુકને વધારે સારો બનાવે છે. એમાં પણ આજકાલ પુરુષોમાં સ્પોર્ટી અને કૅઝ્યુઅલ નેકલેસ વધુ ટ્રેન્ડમાં છે. પુરુષોમાં નેકલેસ પહેરવાના વધતા જતા ટ્રેન્ડ વચ્ચે હવે અનેક બ્રૅન્ડ્સ ખાસ પુરુષોની ઍક્સેસરીઝ બનાવવા પર ધ્યાન આપી રહી છે.’
અલગ-અલગ સમયે કઈ રીતે નેકલેસનો ઉપયોગ જોવા મળ્યો છે એ વિશે વાત કરતાં મનીષભાઈ કહે છે, ‘આપણાં હિન્દુ દેવી-દેવતા સોનાના મુગટ, હાર, કડાં જેવાં આભૂષણો પહેરતાં હોવાનો ઉલ્લેખ આપણા ધર્મગ્રંથોમાં મળે છે. રાજાશાહીના જમાનાની વાત કરીએ તો એમાં રાજા-મહારાજાઓ ગળામાં મોટા-મોટા હાર પહેરતા. જોકે એ લોકો શોખ માટે પહેરવા કરતાં પોતાનો દબદબો અને સંપત્તિનો દેખાડો કરવા માટે પહેરતા. કુદરતમાં પણ જોઈએ તો મૅગપાઇ નામનું એક પક્ષી છે, આ પક્ષીને ચમકીલી વસ્તુઓ કલેક્ટ કરવાની આદત હોય છે, જેથી એ મેટિંગ માટે ફીમેલ બર્ડને આકર્ષિત કરી શકે. ભૂતકાળમાં એક ડોકિયું કરીએ તો જોવા મળે કે સ્ત્રીઓ પગથી માથા સુધી ઘરેણાથી સજેલી રહેતી. એની સરખામણીમાં પુરુષોને જ્વેલરી પહેરવામાં એટલો રસ નહોતો. તેમનું કામ ફક્ત આભૂષણોનું ખરીદીને પત્નીને ખુશ કરવાનું હતું. જોકે હવે જમાનો બદલાયો છે. પુરુષો પણ ઍક્સેસરીઝમાં રસ લેતા થયા છે. બ્રેસલેટ, કડાં, રિંગ્સ સાથે નેકલેસ-ચેઇન પહેરતા થયા છે. હિપહૉપ કલ્ચર સાથે જોડાયેલા લોકો તો અગાઉથી જ જાડી ચેઇન-પેન્ડન્ટ પહેરતા આવ્યા છે, પણ છેલ્લા અમુક સમયથી સેલિબ્રિટીઝથી લઈને સામાન્ય યંગસ્ટર્સમાં એ પહેરવાનો ટ્રેન્ડ વધ્યો છે.’

