આજકાલ સ્લોગનવાળાં ટી-શર્ટ ફૅશનની દુનિયામાં પોતાની નવી જગ્યા બનાવી રહ્યાં છે. હવે લોકો ટી-શર્ટને ફક્ત ફૅશન માટે નહીં પણ પોતાના વિચાર રજૂ કરવા, કોઈ સંદેશો આપવા કે પોતાનો ઍટિટ્યુડ દર્શાવવા માટે કરે છે
સ્લોગન લખેલાં ટી-શર્ટ
આર્યન ખાન દિગ્દર્શિત ‘The Ba***ds of Bollywood’ સિરીઝના પ્રીમિયરમાં ભાગ લેવા માટે ગયેલા કૉમેડિયન સમય રૈનાના ટી-શર્ટે બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. તેણે તેના બ્લૅક ટી-શર્ટ પર ‘સે નો ટુ ક્રૂઝ’ એવું સ્લોગન લખ્યું હતું. ક્રૂઝ-ડ્રગ મામલા બાબત આર્યન ખાનને રોસ્ટ કરવાના હેતુથી સમયે આ ટી-શર્ટ પહેર્યું હતું. એ અગાઉ ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ પણ ધનશ્રી વર્મા સાથેના છૂટાછેડા બાદ કોર્ટની બહાર ‘બી યૉર ઓન શુગરડૅડી’ લખેલા ટી-શર્ટમાં દેખાયો હતો. એ દર્શાવે છે કે આજકાલ ફૅશન ફક્ત દેખાવ પૂરતી સીમિત નથી રહી પરંતુ હવે એ પોતાની જાતને વ્યક્ત કરવાનું માધ્યમ બની ગઈ છે. આ વિચારે જ સ્લોગનવાળાં ટી-શર્ટ્સના ટ્રેન્ડને વેગ આપ્યો છે. આ ટી-શર્ટ્સ પર લખેલા શબ્દો હવે ફક્ત કપડાનો હિસ્સો નથી પણ એને પહેરનારના મૂડ, વિચાર અને ઍટિટ્યુડનો અરીસો બની ગયા છે.
સોશ્યલ મીડિયાના આ જમાનામાં દરેક પોતાની વાત અનોખી રીતે રજૂ કરવા ઇચ્છે છે એવામાં સ્લોગન લખેલાં ટી-શર્ટ પોતાના વિચારોને રજૂ કરવાનું એક માધ્યમ બની ગયાં છે. ‘મૈં અપની ફેવરિટ હૂં’, ‘ગુડ વાઇબ્સ ઓન્લી’, ‘વર્ક હાર્ડ’, ‘ડ્રીમ બિગ’ જેવાં સ્લોગન યુવાનો વચ્ચે ઘણાં લોકપ્રિય છે. આ નાનાં વાક્યો કંઈ બોલ્યા વગર પણ ઘણુંબધું કહી જાય છે. ખાસ વાત એ છે કે સ્લોગનવાળાં ટી-શર્ટમાં દેસી ટચ પણ જોડાઈ ગયો છે. હિન્દી, હિંગ્લિશ એટલે હિન્દી અને ઇંગ્લિશ તેમ જ લોકલી જાણીતા ડાયલૉગવાળી ડિઝાઇન લોકોને વધારે આકર્ષિત કરે છે. જેમ કે ‘બૉમ્બે મેરી જાન’, ‘ભાઈ કા સ્વૅગ’, ‘આજ મૂડ ફિલ્મી હૈ’, ‘થક ગયા રે બાબા’ જેવી લાઇન્સ ફૅશન માર્કેટમાં છવાયેલી છે. સ્લોગનવાળાં ટી-શર્ટની ખાસિયત એ છે કે એ દરેક ઉંમર અને દરેક વર્ગના લોકોને પસંદ આવે છે. ભલે એ કૉલેજ જનાર સ્ટુડન્ટ હોય કે ઑફિસમાં કામ કરતો યુવાન, દરેક માટે કોઈ ને કોઈ સ્લોગન ફિટ બેસતું જ હોય છે. સાથે જ આ ટી-શર્ટ સસ્તાં, આરામદાયક અને સરળતાથી ઉપલબ્ધ છે. એટલે ફની, બોલ્ડ, મોટિવેશનલ કે સોશ્યલ દરેક પ્રકારનાં સ્લોગન આજના યુવાનોના ડ્રૉઅરમાં જગ્યા બનાવી રહ્યાં છે.

