ટેમ્પલ જ્વેલરી ફરી એક વાર ફૅશન-ચાર્ટમાં ટૉપ પર છે. દેવી-દેવતાઓની પ્રતિકૃતિ ધરાવતાં આ ઘરેણાં સ્ત્રીની સુંદરતાને નિખારે છે ત્યારે બદલાતા ટ્રેન્ડમાં કઈ ડિઝાઇન છે ઇન અને કઈ રીતે કરશો એનું પર્ફેક્ટ સ્ટાઇલિંગ એની ગાઇડ આ રહી
પ્રતીકાત્મક તસવીર
પૅરિસના એક ફૅશન વીકમાં મૉડલ્સે દક્ષિણ ભારતની પ્રાચીન કળાનું પ્રદર્શન કરતી પરંપરાગત ટેમ્પલ જ્વેલેરી પહેરીને વૉક કર્યું હતું. ફૅશન શોમાં વેસ્ટર્ન આઉટફિટ પર ટેમ્પલ જ્વેલરીનું ફ્યુઝન ગ્લોબલ ટ્રેન્ડ બન્યું છે ત્યારે એક વાત સાબિત થઈ ગઈ છે કે દક્ષિણ ભારતનાં મંદિરો શાસ્ત્રીય નૃત્યો પૂરતાં મર્યાદિત હતાં એ આજે મૉડર્ન વુમનની પહેલી પસંદ બની ગયાં છે. અત્યારે આવી જ્વેલરીના ચાલી રહેલા ટ્રેન્ડને ડીકોડ કરીએ.
શું છે ટ્રેન્ડ?
ADVERTISEMENT
આજે ટેમ્પલ જ્વેલરીમાં ભારે અને વજનદાર ડિઝાઇનની સાથે-સાથે કન્ટેમ્પરરી ટચ પણ જોવા મળી રહ્યો છે. નકશીકામવાળા પેન્ડન્ટ જેમાં ભગવાન ગણેશ, લક્ષ્મીજી અથવા મોર અને કમળની આકૃતિઓ હોય એ અત્યારે સૌથી વધુ ટ્રેન્ડમાં છે. ગટ્ટુપુસાલુ હાર એટલે હારમાં નીચે નાનાં મોતીનાં ઝૂમખાં લટકતાં હોય છે અને દેખાવમાં પણ એ રૉયલ ફીલિંગ આપે છે. મેઘધનુષી રંગના નેકલેસ પણ ટેમ્પલ જ્વેલરીમાં બહુ લોકપ્રિય થઈ રહ્યા છે. એમાં પરંપરાગત રીતે લાલ અને લીલા પથ્થરો વપરાતા પણ હવે અનકટ ડાયમન્ડ અને પેસ્ટલ શેડના પથ્થરો પણ ટ્રેન્ડમાં છે. ટેમ્પલ જ્વેલરી માત્ર નવવધૂ માટે જ નથી. યુવતીઓ લાઇટવેઇટ ટેમ્પલ ઇઅર-રિંગ્સ અથવા ચોકર પહેરી શકે છે. ગ્રેસફુલ અને રૉયલ લુક જોઈતો હોય તો ફુલ સેટ અથવા લૉન્ગ હાર સાથે ગ્રેસફુલ લુક મેળવી શકાય. જો તમને ક્લાસિક અને ઍન્ટિક લુક ગમતો હોય તો ઉંમરના કોઈ પણ તબક્કે આ જ્વેલરી તમને આકર્ષક લુક આપશે.
કયા પ્રસંગે પહેરશો?
જો તમે દુલ્હન છો અથવા નજીકના સંબંધી છો તો હેવી ટેમ્પલ સેટ બેસ્ટ છે. દિવાળી, નવરાત્રિ કે ઘરમાં સત્યનારાયણની કથા હોય ત્યારે આ જ્વેલરી આધ્યાત્મિક અને સોબર લુક આપે છે. તમે વેસ્ટર્ન ગાઉન સાથે એક સ્ટેટમેન્ટ ટેમ્પલ નેકલેસ પહેરીને પૅરિસ ફૅશન શો જેવો ઇન્ડો-વેસ્ટર્ન લુક ક્રીએટ કરી શકો છો.
સ્ટાઇલિંગ ટિપ્સ
- સિલ્કની કાંજીવરમ કે બનારસી સાડી સાથે ટેમ્પલ જ્વેલરીનું કૉમ્બિનેશન ક્યારેય ફેલ નથી જતું.
- પ્લેન સૉલિડ કલરના કુરતા સાથે માત્ર ટેમ્પલ ડિઝાઇનની ઝૂમખી પહેરવાથી લુક નિખરી ઊઠશે.
- બ્લૅક ડ્રેસ અથવા વાઇટ શર્ટ સાથે મોટું ટેમ્પલ પેન્ડન્ટ પહેરીને જુઓ, તમે ભીડમાં અલગ તરી આવશો.
- આ જ્વેલરી પોતે જ ખૂબ આકર્ષક હોય છે, તેથી મેકઅપને થોડો સટલ રાખવો અને વાળમાં ગજરો અચૂક નાખવો.
- જો તમારો ચહેરો ગોળ હોય તો લાંબા હાર પહેરો જે ચહેરાને લંબાઈ આપે.
- ઓવલ શેપનો ચહેરો હોય તો ટૂંકાં ચોકર અથવા રાઉન્ડ નેકલેસ તમારા પર વધુ સારાં લાગશે.
- જો તમારી ઊંચાઈ ઓછી હોય તો બહુ ભારે ઘરેણાં પહેરવાને બદલે સ્લિમ અને ડીટેલિંગવાળી ડિઝાઇન પસંદ કરવી.


