બધું જ આર્ટિફિશ્યલ બની રહ્યું છે ત્યારે ફરી એક વાર લોકો પ્રકૃતિ તરફ વળ્યા છે. ઇન્ટીરિયર ડિઝાઇનિંગની દુનિયામાં અત્યારે ટેરાકોટા રંગ અને ટેક્સ્ચરનો ટ્રેન્ડ પાછો આવ્યો છે ત્યારે તમે પણ કઈ રીતે પોતાના ઘરમાં એને સ્થાન આપી શકો એ જાણી લો
ટેરાકોટા પોતે એક ડૉમિનન્ટ રંગ છે
ગ્લૅમરસ અને ચળકતા મટીરિયલના યુગ બાદ હવે લોકો પોતાના ઘરને બાયોફિલિક ટચ આપી રહ્યા છે. ટેરાકોટા એટલે કે શેકેલી માટીનો એ સૌમ્ય કેસરી-બ્રાઉન રંગ અત્યારે કન્ટેમ્પરરી હોમ્સ માટે પહેલી પસંદ બની ગયો છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં આ ટ્રેન્ડ વધુ લોકપ્રિય થવાનું કારણ એની અર્ધી ફીલ અને વિઝ્યુઅલ સૂધિંગ ઇફેક્ટ છે. ઉનાળામાં જ્યારે બહાર સખત તાપ અને અકળામણ હોય ત્યારે ટેરાકોટા શેડ્સ ઘરની અંદર માનસિક શાંતિ આપે છે. એ તીવ્ર સૂર્યપ્રકાશના રિફ્લેક્શનને ઘટાડીને રૂમમાં સૉફ્ટ લાઇટ ફેલાવે છે. ટેરાકોટાની સૌથી મોટી ખાસિયત એ છે કે એ ક્યારેય આઉટ ઑફ ફૅશન થતો નથી. એ લાકડા, સ્ટોન અને મેટલ આ ત્રણેય સાથે સુંદર રીતે ભળી જાય છે. એ ઘરને લક્ઝરી આપે છે.
ફર્નિચર અને ફૅબ્રિક્સ
ADVERTISEMENT
જો તમે ઘરનું ફર્નિચર બદલવાનું વિચારી રહ્યા હો તો ટેરાકોટા રંગની પસંદગી એક માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે. લિનન કે વેલ્વેટ મટીરિયલમાં ટેરાકોટા કલરના સોફા કે આર્મ-ચૅર સફેદ કે ગ્રે દીવાલો સાથે અદ્ભુત કૉન્ટ્રાસ્ટ ઊભો કરે છે. આછા બેજ કે ક્રીમ કલરના પડદા સાથે ટેરાકોટા રંગનાં કુશન્સ કે રગ્સ પાથરવાથી રૂમમાં લક્ઝરી ફીલ થાય છે.
વૉલ અને લાઇટિંગ
લિવિંગ રૂમ કે બેડરૂમની કોઈ એક દીવાલ પર પ્લાસ્ટર વગરની ઈંટોનું ફિનિશ રાખવાથી રૂમને રૉ અને ઇન્ડસ્ટ્રિયલ લુક મળે છે જે અત્યારે ખૂબ ફૅશનમાં છે. જો આવું ન ગમે તો આ પ્રકારનું ટેક્સ્ચર-વર્ક પણ કરાવી શકો. માટીના ટેક્સ્ચરવાળા લૅમ્પશેડ્સ કે લાઇટિંગ ફિક્સચર્સ રાત્રે આખા રૂમમાં એક રોમૅન્ટિક અને શાંત ગ્લો ફેલાવે છે.
હોમ ઍક્સેસરીઝ
ટેરાકોટા એક એવો વર્સેટાઇલ રંગ છે જે બ્લૅક ઍન્ડ વાઇટ, સેજ ગ્રીન, નેવી બ્લુ અને મસ્ટર્ડ યલો જેવા કલર-કૉમ્બિનેશનમાં સૌથી વધુ નિખરે છે. સિરૅમિક ડિનર સેટ્સ કે સર્વિંગ બાઉલ્સમાં ટેરાકોટા ફિનિશ ટેબલ પર એક અલગ જ ક્લાસ ઊભો કરે છે. દીવાલ પર ટેરાકોટાનાં ઍબ્સ્ટ્રેક્ટ સ્કલ્પ્ચર્સ કે પ્લેટ્સ લગાવીને ઘરને આર્ટ-ગૅલરી જેવો લુક આપી શકાય છે. જો તમારા ઘરનું ઇન્ટીરિયર મૉડર્ન હોય તો ટેરાકોટાને સફેદ અને ગોલ્ડન ઍક્સેસરીઝ સાથે મિક્સ કરો. આ કૉમ્બિનેશન તમારા ઘરને એકસાથે રિચ અને નૅચરલ લુક આપશે.
આટલું ધ્યાન રાખો
ઘરને રીડેકોરેટ કરતી વખતે ટેરાકોટાનો ઉપયોગ જેટલો આકર્ષક છે એટલો જ પડકારજનક પણ હોઈ શકે છે. ટેરાકોટામાં પણ ઘણા શેડ્સ હોય છે. અમુક વધુ પડતા લાલ હોય છે તો અમુક પીળાશ પડતા બ્રાઉન. જો તમારી રૂમમાં કુદરતી પ્રકાશ ઓછો આવતો હોય તો લાઇટ પીચ કે રોઝી ટેરાકોટા પસંદ કરો. ઈંટ જેવો રંગ નાની રૂમને વધુ સાંકડી બતાવી શકે છે.
લાઇટિંગની પસંદગી કાળજીપૂર્વક કરવી. જો તમે સાંજે રૂમમાં હૂંફાળું વાતાવરણ ઇચ્છતા હો તો ટેરાકોટાની આસપાસ વૉર્મ વાઇટ LEDનો જ ઉપયોગ કરો.
જો તમે ડેકોરેશનમાં અસલી માટીનાં પીસ કે ટાઇલ્સ વાપરતા હો તો યાદ રાખો કે એ પાણી શોષી લે છે. એના પર ડાઘ ન પડે એ માટે ‘મેટ સીલર’નો ઉપયોગ કરવો જરૂરી છે, જેથી એનો નૅચરલ લુક જળવાઈ રહે અને સફાઈ પણ સરળ બને.
ટેરાકોટા પોતે એક ડૉમિનન્ટ રંગ છે એટલે એની સાથે વપરાતું ફર્નિચર સાગના લાકડાનું હોય તો એ બેસ્ટ લાગશે. વધુ પડતા કાળા કે ડાર્ક બ્રાઉન ફર્નિચર સાથે ટેરાકોટા મિક્સ કરવાથી રૂમનું ઇન્ટીરિયર બોરિંગ થઈ જશે.
