લગ્નની સીઝન આવે એટલે લોકોનું સોશ્યલ કૅલેન્ડર એક પછી એક ફંક્શનથી ભરેલું જ હોય છે ત્યારે દર વખતે અલગ આઉટફિટ પહેરવાની મથામણમાંથી છુટકારો મેળવવો હોય તો એક જ ચોલીને અલગ-અલગ રીતે સ્ટાઇલ કરવાની ટિપ્સ લઈ લો
ચોલીને અલગ-અલગ રીતે સ્ટાઇલ કરો
વેડિંગ સીઝન ચાલે છે એટલે છાશવારે કોઈના ને કોઈના ફંક્શન્સમાં જવાનું હોય જ છે અને દરેક વખતે લુકને યુનિક રાખવો અને હટકે દેખાવું યુવતીઓને પસંદ હોય છે. નજીકના સંબંધીઓનાં લગ્ન હોય તો જોઈએ એવા આઉટફિટની ખરીદી થઈ જાય પણ દૂરનાં ફંક્શન્સ હોય ત્યારે કયાં કપડાં પહેરવાં એની મૂંઝવણ રહેતી હોય છે. આ કન્ફ્યુઝનને દૂર કરી નાખો અને તમારા વૉર્ડરોબમાં પડેલાં ચણિયાચોળીને અલગ-અલગ રીતે સ્ટાઇલ કરીને દરેક વાર ફ્રેશ લુક કઈ રીતે મેળવી શકાય છે એ જાણી લો.
મિક્સ-મૅચ લેહંગા
ADVERTISEMENT
એક જ ચણિયાચોળી વારંવાર પહેરીને મોનોટોનસ ફીલ થાય એટલે એને નવો અને ફ્રેશ લુક આપવા માટે બ્લાઉઝનો કલર હોય એના કરતાં કૉન્ટ્રાસ્ટ કલરના લેહંગા સાથે પેર કરીને મિક્સ ઍન્ડ મૅચ મૅજિક ક્રીએટ રચી શકાય. હેવી એમ્બ્રૉઇડરીવાળું બ્લાઉઝ હોય તો કૉન્ટ્રાસ્ટ કલરના ટેક્સ્ચરવાળા કે સિલ્ક ફૅબ્રિકના સ્કર્ટ સાથે પેર કરી શકાય. જો એ જ લેહંગો પહેરવો હોય તો દુપટ્ટાને અલગ રીતે ડ્રેપ કરીને લુકને થોડો ચેન્જ કરી શકાય. ગુજરાતી સ્ટાઇલનું ડ્રેપિંગ વેડિંગ-ફંક્શન અટેન્ડ કરવા કરી શકો છો. ફૅશન-ફૉર્વર્ડ દેખાવા અને સ્લીક લુક અપનાવવા માટે કેપ સ્ટાઇલ ડ્રેપિંગ વધુ સારું લાગશે. જો ચોલીમાં ગોલ્ડન વર્ક હોય તો મેટલ કે એમાં સૂટ થાય એવો એમ્બ્રૉઇડરીનો બેલ્ટ બાંધીને આખા લુકને બદલી શકાય. આનાથી પૉલિશ અને સ્ટ્રક્ચર્ડ લુક મળશે.
લેહંગા સ્ટાઇલ સાડી
તમારે હટકે લુક જોઈએ છે પણ તૈયાર થવાનો વધુ સમય ન હોય તો શિફૉન, જ્યૉર્જેટ કે સૉફ્ટ સિલ્કની સાડી જે ચણિયાચોળીના બ્લાઉઝ સાથે મેળ ખાતી હોય એને લેહંગાની જેમ પ્લીટ કરીને કમરની આસપાસ ફિટ કરો. સાડીનો જ લેહંગો બનાવશો તો નવો અને ફ્રેશ લુક મળશે. આના પર તમે ક્રૉપ જૅકેટ પહરી શકો છો. બ્લાઉઝનું ગળું ડીપ હોય તો એની સાથે મૅચ થતો દુપટ્ટો પેર કરી શકાય.
સાડી સાથે કરો પેર
ચણિયાચોળીના બ્લાઉઝને સ્ટાઇલ કરવાનો સૌથી સુંદર અને એલિગન્ટ રસ્તો છે કે એને સાડીના બ્લાઉઝ તરીકે વાપરવું. આ સ્ટાઇલિંગથી સાડી અને ચોલી બન્નેને નેક્સ્ટ લેવલ એલિવેશન મળે છે. જો તમારી ચણિયાચોળીનું બ્લાઉઝ બ્રૉકેડ અથવા હેવી વર્કવાળું હોય તો એને સિમ્પલ શિફૉન, જ્યૉર્જેટ કે ઑર્ગન્ઝા સાડી સાથે પૅર કરી શકાય. તમારા સાડીના લુકને ચણિયાચોળીનું બ્લાઉઝ હાઇલાઇટ કરશે. જો બ્લાઉઝ પ્લેન અથવા મિનિમલિસ્ટ ડિઝાઇનવાળું હોય તો એને બોલ્ડ, કાંજીવરમ, બનારસી કે પટોળાં જેવી રૉયલ સાડી સાથે પેર કરીને ક્લાસિક લુક મેળવી શકાય. આ કૉમ્બિનેશનને લગ્ન અથવા રિસેપ્શનમાં પહેરી શકાય.
ઇન્ડો-વેસ્ટર્ન વાઇબ
ચણિયાચોળીના બ્લાઉઝને હાઈ વેસ્ટ પૅન્ટ્સ અથવા ટ્રાઉઝર સાથે પેર કરીને મેંદી ફંક્શન, કૉકટેલ નાઇટ્સ, સગાઈના ફંક્શન અથવા કોઈ પણ બ્રન્ચ ઇવેન્ટ માટે પહેરી શકાય. આ ફ્યુઝન કૉમ્બિનેશન લુકને ક્લાસી અને કમ્ફર્ટેબલ બનાવે છે. પ્લેન ફ્લોઇંગ ટ્રાઉઝર, પલાઝો કે સ્ટ્રક્ચર્ડ ક્રેપ પૅન્ટ્સ આ લુકને આકર્ષક બનાવે છે. આની સાથે જ્વેલરીમાં ફક્ત સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ પહેરશો તો પણ તમારો લુક કમ્પ્લીટ લાગશે. મેંદી ફંક્શનમાં આવા આઉટફિટ સાથે ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી સારી લાગશે. વેડિંગ ફંક્શન માટે સ્ટાઇલ કરતા હો તો ગોલ્ડ, કુંદન અથવા પોલ્કી જ્વેલરી સરસ લાગશે. બ્લાઉઝ સાથે એક શ્રગ અથવા ક્રૉપ જૅકેટને સ્ટાઇલ કરવાથી કન્ટેમ્પરરી અને ટ્રેન્ડી લુક મળે છે.
હેવી લેહંગાને કહો બાય
બ્લાઉઝ અને લેહંગા બન્ને હેવી હોય તો વારંવાર એ ચણિયાચોળી પહેરવાનું મન નથી થતું. ખાસ કરીને દૂરના સગાંસંબંધીઓના ફંક્શનમાં જવાનું હોય તો આવાં હેવી ચણિયાચોળી નહીં, થોડું લાઇટ આઉટફિટ સારું લાગે. આવા સમયે તમે બ્લાઉઝને ફ્લોઇંગ એ-લાઇન સ્કર્ટ સાથે પેર કરશો તો તમારા લુકનું અટ્રૅક્શન બ્લાઉઝ બની જશે. ટ્યુલ સ્કર્ટ સાથે પેર કરવાથી સૉફ્ટ, રોમૅન્ટિક અને પરી જેવો લુક મળે છે. હૅન્ડલૂમ અથલા કૉટન-સિલ્કના સિમ્પલ સ્કર્ટ સાથે પેર કરીને દિવસનાં ફંક્શન્સ કે પૂજા ફંક્શન્સ માટે એલિગન્ટ લુક મેળવી શકાય છે.


