આજકાલના યુવાનોમાં સૌથી વધુ ચર્ચા જે વિષય ઉપર થાય છે એ છે ફૅશન. દરેક એવો પ્રયાસ કરીએ છીએ કે જેથી લોકો આપણા તરફ આકર્ષિત થાય.
પ્રતીકાત્મક તસવીર
આજકાલના યુવાનોમાં સૌથી વધુ ચર્ચા જે વિષય ઉપર થાય છે એ છે ફૅશન. દરેક એવો પ્રયાસ કરીએ છીએ કે જેથી લોકો આપણા તરફ આકર્ષિત થાય.સૌંદર્ય ખરાબ વસ્તુ નથી પરંતુ કેવળ શરીરની સુંદરતા પાછળ પોતાનાં સમય, શક્તિ અને ધન રેડી નાખવાં એ તો જાણે મડદાને શૃંગાર કરવા સમાન છે. આપણું સ્થૂળ શરીર એક દીપક સમાન છે, રથ છે અને આની શોભા આત્માને કારણે છે જે એનો ચાલક છે, રથી છે. અતઃ આત્માને જ્ઞાન, ગુણ, શક્તિઓ તેમ જ ઈશ્વરીય આધ્યાત્મિક પ્રકાશથી પ્રકાશિત કર્યા વગર માત્ર કલેવરને શણગારવું શું મૂર્ખતાની બધી સીમા પાર કરવા સમાન નથી? આ શરીરનું અંતિમ પરિણામ એક મુઠ્ઠી રાખના રૂપમાં થવાનું છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ. અતઃ મૃત્યુ બાદ એ મહત્ત્વનું નથી કે એ વ્યક્તિ પગથી માથા સુધી કેટલા બનાવટી રંગો, સાધનો, પ્રસાધનોનો બોજ લઈને બેઠી છે અપિતુ એ વાતને મહત્ત્વ આપવામાં આવશે કે જીવનભર તેણે બીજાની ભલાઈ કેટલી કરી, આંસુ કેટલાનાં લૂછ્યાં, હસાવ્યા કેટલાને, દુવાઓ કેટલા લોકોની લીધી, પોતાના ભાગનું ભોજન કેટલા લોકોને ખવડાવ્યું અને પોતાની ઇચ્છાઓ સમાપ્ત કરીને પણ કેટલાઓની શુભ ઇચ્છાઓ પૂર્ણ કરી. એટલે પોતાનો અમૂલ્ય સમય, શક્તિ ને ધન શરીરને શણગારવા પાછળ વ્યર્થ ગુમાવવાને બદલે ‘સાદું જીવન, ઉચ્ચ વિચાર’ની ધારણા દ્વારા આત્મોન્નતિમાં લગાવો. આ જ્ઞાનયુક્ત વાતોને સાંભળ્યા બાદ પ્રવૃત્ત લોકોનો પહેલો પ્રશ્ન એ હોય છે કે ‘શું સાદગીને ધારણ કરવાને માટે અમે અમારી બધી ભૌતિક સંપત્તિ, ઘર અને કુટુંબીઓનો ત્યાગ કરીને સાધુ બની જઈએ? જરાય નહીં. દરેક જીવાત્માનું પોતાનું શરીર તેની પહેલી ભૌતિક સંપત્તિ છે જેમાં આત્મા વસવાટ કરે છે. પરંતુ આપણે ન સ્વયંનાં ભૌતિક, વિનાશી, શારીરિક વસ્ત્રના અભિમાનમાં ફસાવાનું છે અને ન કોઈ અન્યના આવા જ વસ્ત્રના મોહમાં અટકવાનું છે. આપણી બીજી ભૌતિક સંપત્તિ એટલે આપણું મકાન-નિવાસસ્થાન જે પાંચ તત્ત્વોનું બનેલું જડ માળખું છે પરંતુ એમાંથી ‘મારું મકાન’વાળી ભાવનાનો ત્યાગ કરીને સેવા અર્થે માત્ર સાધન માનીને એમાં રહેવાનું છે.
આપણી ત્રીજી ભૌતિક સંપત્તિ એટલે પૈસા, ઘરેણાં વગેરે જેને આપણે કબાટની અંદર તિજોરીમાં અથવા તો બૅન્કમાં સાચવીને રાખીએ છીએ. જોકે એની આવશ્યકતાઓ તો થોડાક પૈસા દ્વારા જ પૂરી થઈ જાય છે, પરંતુ સારી સમજ કે સદવિવેકના અભાવે ભેગી કરેલી અખૂટ સંપત્તિના કારણે તે ઊંધાંચત્તાં કર્મોનો હિસાબ બનાવી બેસે છે, જેનું પરિણામ તેને ભવિષ્યમાં પીડા અને દુઃખના રૂપમાં ભોગવવું પડે છે. આની સરખામણીએ એક સાદગી સંપન્ન મનુષ્ય ‘અખૂટ વિનાશી સંપત્તિ’ને બદલે પરમાત્માના સાંનિધ્યની અખૂટ અવિનાશી સંપત્તિનો લાભ લે છે.
ADVERTISEMENT
-રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી

