નિસ્તેજ ચહેરા પાછળનું કારણ ફક્ત પૂરતી ઊંઘ જ હોય એવું જરૂરી નથી, લાઇફસ્ટાઇલમાં થતી નાની ભૂલો પણ જવાબદાર હોય છે
પ્રતીકાત્મક તસવીર
વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં સાતથી આઠ કલાકની પૂરતી ઊંઘ બહુ જરૂરી હોય છે. જો ઊંઘ સારી થાય તો સવારે ફ્રેશ ફીલ થાય છે અને એની ચમક ચહેરા પર પણ દેખાય છે એવું આપણે માનીએ છીએ; પણ જ્યારે અરીસા સામે ઊભા રહો ત્યારે ચહેરો નિસ્તેજ, બેજાન અને થાકેલો લાગે છે. પૂરતી ઊંઘ લીધા પછી પણ ચહેરા પર થાક કેમ દેખાય છે એવા પ્રશ્નો થવા લાગે છે પણ હકીકત એ છે કે ત્વચાની ચમક ફક્ત ઊંઘ પર આધારિત નથી હોતી, આપણી લાઇફસ્ટાઇલમાં થતી નાની-મોટી ભૂલો નૅચરલ રિપેરની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરે છે.
શું છે કારણો?
ADVERTISEMENT
રાત્રે ઊંઘ દરમિયાન શરીર પૂરતું હાઇડ્રેટેડ રહેવું જરૂરી છે. પાણીના અભાવે રક્તપરિભ્રમણ ધીમું પડે છે અને ઑક્સિજન ઓછો પહોંચે છે, પરિણામે ચહેરા પરની ચમક ઘટી જાય છે અને ત્વચા ડ્રાય થતી જાય છે. સવારના પહોરમાં ડલ ચહેરાનું બીજું અને સૌથી મહત્ત્વનું કારણ એ છે કે ત્વચા પર ડેડ સ્કિન સેલ્સ જમા થાય છે. સામાન્યપણે આપણી ત્વચા સતત નવા કોષો બનાવે છે અને જૂના કોષોને દૂર કરે છે. આ પ્રક્રિયા જ્યારે ધીમી પડે ત્યારે ચહેરો નિસ્તેજ થવા લાગે છે. આવું ત્યારે થાય જ્યારે રાત્રે સૂતાં પહેલાં ચહેરો ધોયો ન હોય અથવા મેકઅપ ચહેરા પર રહી ગયો હોય. આવા કેસમાં ડેડ સ્કિન સેલ્સ વધે છે અને પોર્સ બંધ થાય છે. ત્રીજું અને સૌથી મહત્ત્વનું કારણ છે ક્રૉનિક સ્ટ્રેસ. તનાવ ત્વચાના કોલૅજન નામના પ્રોટીનને તોડે છે જેને લીધે સોજાની સમસ્યા થાય છે જે ચહેરાને થાકેલો બનાવે છે. આ ઉપરાંત સાકરનું અતિસેવન અને નબળી ડાયટ પણ ચહેરો ડલ થવાનાં કારણ હોઈ શકે.
શું છે ઉપાય?
- અઠવાડિયામાં બેથી ત્રણ વાર ત્વચાના પ્રકાર મુજબ એક્સફોલિએશનની પ્રક્રિયા કરવાથી ડેડ સ્કિન સેલ્સ દૂર થાય છે અને ત્વચાને સારું ફીલ થાય છે.
- સવારની શરૂઆત પાણી પીવાથી કરો અને દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પ્રવાહી પીઓ. હાઇડ્રેશન પર ભાર મૂકવો અત્યંત આવશ્યક છે.
- સવારે તમારા સ્કિનકૅર રૂટીનમાં વિટામિન Cની સિરમ અને તડકાથી રક્ષણ મળે એ માટે બ્રૉડ સ્પેક્ટ્રમ સનસ્ક્રીનને સામેલ કરો.
- સ્ટ્રેસ-મૅનેજમેન્ટ માટે યોગ, ધ્યાન કે નિયમિત કસરત દ્વારા તનાવનું સ્તર ઘટાડો. કસરતથી રક્તપરિભ્રમણ સુધરે છે જે ત્વચાને કુદરતી ગ્લો આપે છે.
- રાત્રે સૂતાં પહેલાં મેકઅપ સંપૂર્ણપણે દૂર કરો અને હાયોલ્યુરોનિક ઍસિડ કે શામક ગુણધર્મો ધરાવતા મૉઇશ્ચરાઇઝર લગાવો.

