આજે વર્લ્ડ કૉટન ડેના દિવસે જાણીએ કે કઈ રીતે એક સમયે સાડીના નામે નાકનું ટીચકું ચડાવતી યુવાન છોકરીઓ કૉટન સાડીના ટ્રેન્ડને આવકારી રહી છે
પ્રતીકાત્મક તસવીર
એક સમય હતો જ્યારે મોટી ઉંમરની સ્ત્રીઓ કૉટનની સાડીઓ પહેરતી, પણ આજકાલ યુવાન છોકરીઓ આ કૉટન સાડીઓ પર ઓવારી ગઈ છે. એક સમયે કૉટનની સાડીઓ ચોળાઈ જવાને લીધે અને કરચલીઓ દેખાતી હોવાને કારણે કોઈ પહેરતું નહીં; જ્યારે નવી પ્રિન્ટ, વાઇબ્રન્ટ કલર્સ અને મલ કૉટન જેવા મટીરિયલના ફેરફારોને કારણે એ આજકાલ ઘણી ટ્રેન્ડી બની ગઈ છે. આજે વર્લ્ડ કૉટન ડેના દિવસે જાણીએ કે કઈ રીતે એક સમયે સાડીના નામે નાકનું ટીચકું ચડાવતી યુવાન છોકરીઓ કૉટન સાડીના ટ્રેન્ડને આવકારી રહી છે...
૨૦૧૫ની માન્યતા : સુતરાઉ સાડી તો બા પહેરે. ઘરમાં તેમને હળવી રહે અને કામ કરવામાં ફાવે. ક્યાંક બહાર જવું હોય તો સુતરાઉ થોડી સારી લાગે? એક તો ચોળાઈ જાય, કરચલીઓ દેખાય અને સાવ ઘરનાં કપડાં પહેરીને આવી ગયાં હોઈએ એમ લાગે. બહાર જઈએ ત્યારે તો સિલ્ક, શિફોન, જ્યૉર્જેટની સાડીઓ પહેરીએ તો સારાં લાગીએ. સુતરાઉ સાડી તો ગામડાંના લોકો પહેરે. શહેરી લોકોને એવું ન ગમે. તોય જો પહેરવી જ હોય તો સ્ટાર્ચ કરી લેવાની. એકદમ કડક દેખાવી જોઈએ સાડી. શિક્ષક, રાજનીતિજ્ઞ અને સમાજસેવા કરતી બહેનો સુતરાઉ સાડી પહેરે; બાકી કોઈને એ ન ગમે.
ADVERTISEMENT
૨૦૨૫નો બદલાવ : ૧૮ વર્ષની છોકરીઓ પોતાના જુનિયર કૉલેજના ફેરવેલમાં કૉટન સાડી પહેરીને જાય છે. કૉટન સાડી કેટલી કૂલ લાગે છે! એ ઑફિસમાં પણ પહેરાય અને પાર્ટીમાં પણ. એને ટ્રેકિંગ કરીએ ત્યારે પણ પહેરાય અને બાઇક ચલાવીએ ત્યારે પણ. ઉપર ટી-શર્ટ કે સ્પગેટી ટૉપ પહેર્યું અને સાડી લપેટી લીધી, નીચે જીન્સ પહેર્યું અને કૉટન સાડીને સ્ટાઇલ કરી લીધી, એની સાથે બેલ્ટ પણ જાય અને ડેનિમ જૅકેટ પણ. એને પાટલી વાળીને પહેરવાની પણ જરૂર નહીં, બસ પાલવ નાખી દીધો અને યુ આર ગુડ ટુ ગો... ૧૮-૩૮ સુધીની દરેક સ્ત્રી જે પહેલાં સાડીના નામે નાક ચડાવતી હતી કે ગભરાઈ જતી હતી તે આજે હોંશે-હોંશે કૉટન સાડીઓથી પોતાનો વૉર્ડરોબ સજાવી રહી છે.
ઘણા લોકો આ બદલાવને ફૅશન ઇન્ડસ્ટ્રીના બદલાવ તરીકે જુએ છે. જે કૉટન સાડીની કોઈ વૅલ્યુ નહોતી છેલ્લાં દસ વર્ષથી એનો ગજબ ટ્રેન્ડ વધી રહ્યો છે. ઘણા એને એક જરૂરી બદલાવની નજરે જુએ છે કે જો એ બહાને પણ યુવાન છોકરીઓ સાડી પહેરતી હોય તો તેઓ ખુશ છે, કારણ કે સાડી ભારતીય પરંપરાની ઝાંકી કરાવે છે. નવી પેઢી સુતરાઉ સાડીની ફૅન બની રહી છે એનાથી રૂડું શું હોઈ શકે? કારણ કે સુતરાઉ તો એ કાપડ છે જેના ફૅન્સ અંગ્રેજો પણ બની ગયા હતા. ભારતમાં એનું નિર્માણ ખૂબ વધારે પ્રમાણમાં થાય છે અને એટલે જ કૉટન અને સાડી બન્નેનો બ્લેન્ડ જ્યારે ટ્રેન્ડ બને ત્યારે હરખાવા જેવું તો ખરું. પણ આ ટ્રેન્ડ બન્યો કઈ રીતે? એવું શું થયું કે સમાજમાં અચાનક કૉટન સાડીની બોલબાલા યુવાન સ્ત્રીઓમાં વધી ગઈ એ આજે જાણીએ વર્લ્ડ કૉટન ડેના દિવસે.
સાડીનું નવું રૂપ
આજે માર્કેટમાં અમુક સાડીની બ્રૅન્ડ્સ પ્રખ્યાત છે જેણે કૉટન સાડીને નવાં રૂપ-રંગ અને માર્કેટિંગ સાથે યુવાનો સુધી પહોંચાડી. કૉટન સાડીનો જે નવો અવતાર છે એનું શ્રેય આ બ્રૅન્ડ્સને અને એના ઑનલાઇન માર્કેટિંગને જાય છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. એમાંની એક બ્રૅન્ડ એટલે ‘સુતા’. મુંબઈ બેઝ્ડ સુજાતા અને તાનિયા બે બહેનોને લાગતું હતું કે યુવાન છોકરીઓને જો સાડી પહેરતી કરવી હોય તો સાડીને એક કૂલ અવતાર આપવો જરૂરી છે. એટલે ૨૦૧૬માં તેમણે જુદા પ્રકારની કૉટન સાડીઓ બનાવી. એ વિશે વાત કરતાં ‘સુતા’ની ફાઉન્ડર સુજાતા બિસ્વાસ કહે છે, ‘યુવાનોને ક્વર્કી ડિઝાઇન, પ્રિન્ટ્સ, વાઇબ્રન્ટ કલર ગમે છે. જો આ વસ્તુ તમે કૉટન સાડી પર લાવી આપો તો તેઓ હોંશે-હોંશે પહેરે. સાડીને હંમેશાંથી બોરિંગ રીતે જોવામાં આવી છે, એમાં પણ ખાસ કરીને કૉટન સાડીને. પણ આજે એ ફન સાડીમાં બદલાઈ ગઈ છે. બીજું એ કે આજની સાડી આજની મૉડર્ન સ્ત્રીનું પ્રતિબિંબ બની ગઈ છે. જેમ ટી-શર્ટમાં લોકો મેસેજ કે વિચારો પ્રિન્ટ કરાવે છે, સાડી પર પણ થઈ શકે. કૉટન સાડીની ડિઝાઇન થીમ પ્રમાણે કરી શકાય છે. અમારે ત્યાં ઍનિમલ લવર્સ માટે પૅન્થર પ્યાર, જંગલી બિલ્લી તો બીજી બાજુ ચટપટી છોકરીઓ માટે કચ્ચી ઇમલી, ઝિલમિલ જામુન, નિમ્બુ મિર્ચ જેવી સાડીઓ છે. અલગ-અલગ મૂડને દેખાડતી સાડીઓ છે જેમ કે બેબાક, રુમાની. નવી પેઢી માટે તેમનાં કપડાં તેમની પર્સનાલિટીનું પ્રતિબિંબ હોય છે. તો પછી એમાં સાડી પાછળ કઈ રીતે રહી જાય?
કૉટન કેમ ગમે છે?
કૉટન એક એવું કાપડ છે જે ભારતના હવામાન પ્રમાણે બેસ્ટ ગણાય છે. યુવાનો ફૅશનમાં કમ્ફર્ટ શોધતા હોય છે જે કૉટન આપી શકે એમ છે. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં કૉટન સાડીઓમાં એક નવું ફેબ્રિક ઈજાદ થયું, જે છે મલ કૉટન. મલમલનું કાપડ મુલાયમ હોય અને બધાને ગમે પણ સાડીમાં એ કાપડ કઈ રીતે ચાલ્યું એનો જવાબ આપતાં સુજાતા કહે છે, ‘અમે નાનાં હતાં ત્યારે મમ્મીનો ઘસાઈ ગયેલો સાડલો અમને ખૂબ ગમતો. એ પાતળા સુતરાઉ કપડામાં માની ફીલ છે. જ્યારે પહેલાં અમે એ કાપડ મમ્મીને બતાવ્યું તો તેમણે કહ્યું કે આ તો અસ્તરનું કાપડ છે. આટલું પાતળું કાપડ? ખૂબ પહેલાં કોઈ એમ્બ્રૉઇડરી સાડી બનાવડાવતું તો સાડીમાં ખૂબ વજન ન થઈ જાય એટલે મલનું કાપડ લેતા અને એને સ્ટાર્ચ કરાવીને પહેરતા. હકીકતે મલ કૉટન સાડી તમારા શરીરને વીંટળાઈને રહે છે અને પાતળી હોવાને લીધે શિફોન જેવી ફીલ આપે છે. જે છોકરીઓ સાડી પહેરવાનું શરૂ જ કરી રહી છે તેમના માટે મલ કૉટન સાડી બેસ્ટ ઑપ્શન બની જાય છે કારણ કે એ હળવી છે અને એને સાચવવી પડતી નથી.’
સાડી એક ઇમોશન
બીજી એક બ્રૅન્ડ છે ઇન્ડિયન ઍથ્નિક કંપની જેની શરૂઆતમાં તેમણે કૉટન સાડીઓનું માર્કેટિંગ ખૂબ જુદી રીતે કરેલું. ઇન્સ્ટાગ્રામ પર કૉટન સાડી પહેરીને યુવાન છોકરીઓ ખૂબ જ સુંદર ડાન્સની રીલ્સ બનાવતી. એ રીલ્સ લોકોને ખૂબ જ ગમી અને એનાથી આકર્ષાઈ યુવાન છોકરીઓ કૉટન સાડીઓ પહેરવા લાગી. આ બ્રૅન્ડનાં ફાઉન્ડર મુંબઈસ્થિત હેતલ દેસાઈ અને લેખિની દેસાઈ છે. બન્ને મા-દીકરીએ મળીને શરૂ કરેલું આ સ્ટાર્ટ-અપ આજે કરોડો રૂપિયા રળનારી ઇન્ટરનૅશનલી વિખ્યાત બ્રૅન્ડ બની ગઈ છે. પોતાની ઇન્સ્ટાગ્રામ રીલ્સથી કૉટન સાડીઓને યુવાન છોકરીઓમાં ફેવરિટ કરવાની આ સ્ટ્રૅટેજી સૂઝી કઈ રીતે? આ પ્રશ્નનો જવાબ આપતાં ફાઉન્ડર લેખિની દેસાઈ કહે છે, ‘સાચું કહું તો આ કોઈ સ્ટ્રૅટેજી નહોતી. મારી મમ્મીની સાડી પહેરીને મ્યુઝિક ચાલુ કર્યું અને અમે એટલાં ખુશ હતાં કે નાચ્યાં. એ માર્કેટિંગ નહોતું, એક પ્રકારનું સ્ટોરીટેલિંગ કહી શકો તમે; જે એટલું સાચું હતું કે એ લોકોને સ્પર્શી ગયું. મને નથી લાગતું કે રીલ્સમાં અમને ડાન્સ કરતા જોઈને બીજી છોકરીઓને અમારી સાડી ગમી ગઈ પણ હકીકતે તેમણે ખુદની છબી અમારામાં જોઈ અને તેમને કૉટન સાડી ગમી ગઈ. એક વખત ફરી સાબિત થયું કે ડેટા અને ટ્રેન્ડમાંથી ક્યારેય કોઈ બિઝનેસ કરનારી વ્યક્તિને આત્મવિશ્વાસ મળતો નથી. સચ્ચાઈ અને લાગણી એ બન્ને કોઈ પણ ઍડ કૅમ્પેન કરતાં વધુ ઝડપથી લોકો સુધી પહોંચે છે.’
ઉંમર અને દેખાવ
યુવાન છોકરીઓને ગમતી કૉટન સાડી વિશે વાત કરતાં લેખિની દેસાઈ કહે છે, ‘મને લાગે છે કે આજની છોકરીઓને ઑથેન્ટિસિટી સાથે લેવાદેવા છે. દરરોજ બદલતી ફૅશનથી તેમને થાક લાગે છે અને કૉટન સાડી તેમને એક નવીન અપ્રોચ સાથે તેમના મૂળથી જોડે છે. સાડીની ખાસિયત એ છે કે એને તમે પહેરો એટલે એ તમારી બની જાય છે. ૧૮ વર્ષની છોકરી જ્યારે કૉટન સાડી એવી રીતે પહેરી શકે છે કે તે ૧૮ની જ લાગે. સામાન્ય રીતે છોકરીઓ સાડી પહેરે તો મોટી લાગે એવી માન્યતા છે. કૉટન ટ્રેન્ડી સાડીઓ આજની છોકરીઓ એવી સ્ટાઇલ સાથે પહેરે છે કે તે મોટી નથી લાગતી, તે તેની જ ઉંમરની અને અત્યંત સુંદર લાગે છે એટલે છોકરીઓમાં એ વધુ પૉપ્યુલર થઈ રહી છે.’
આવતી કાલ
કૉટન સાડીનું ભવિષ્ય તેઓ કઈ રીતે જુએ છે? આ પ્રશ્નનો જવાબ આપતાં લેખિની દેસાઈ કહે છે, ‘કૉટન સાડી હતી, છે અને રહેશે. ઊલટું એનો ટ્રેન્ડ સતત વિકસી રહ્યો છે. યુવાન છોકરીઓને એવી સાડી જોઈએ છે જે પોતાનામાં એક વાર્તા હોય, જે અતિ કમ્ફર્ટેબલ હોય. જેમ એક સફેદ શર્ટ અને બ્લુ જીન્સ દરેક વ્યક્તિ પાસે હોય જ છે એમ દરેક છોકરી પાસે એક કૉટન સાડી હોવી જ જોઈએ એવો ટ્રેન્ડ ફૂલ્યો-ફાલ્યો છે. કૉટન સાડીઓને લીધે એ સાડી મમ્મીઓનું પહેરણ નહીં, દરેક સ્ત્રીનું પહેરણ બની ગઈ છે જે એની સિદ્ધિમાંનું એક ગણાય. એમાં નવા પ્રયોગો થતા રહેશે. નવી પ્રિન્ટ્સ, નવા કલર, નવા બ્લૉક્સ, નવી સ્ટાઇલ આવતાં જ રહેશે અને સ્ત્રીઓ એને પહેરતી રહેશે.’


