ગયા અઠવાડિયે હું મારા નાટકના શો માટે અમદાવાદ આવ્યો. બીજા દિવસે હું અને મારા સાથી કલાકાર નીલેશ પંડ્યા બહાર નીકળ્યા. શું છે નીલેશને મુખવાસ અને બીજી થોડી વસ્તુઓ લેવી હતી...
તીખાશ સાથે ફૂલવડી અને ઉપરથી કડક પણ અંદરથી સૉફ્ટ એવા મેથીના ગોટા
ગયા અઠવાડિયે હું મારા નાટકના શો માટે અમદાવાદ આવ્યો. બીજા દિવસે હું અને મારા સાથી કલાકાર નીલેશ પંડ્યા બહાર નીકળ્યા. શું છે નીલેશને મુખવાસ અને બીજી થોડી વસ્તુઓ લેવી હતી અને એ બધી આઇટમ માણેક ચોક, ખાડિયા અને પોળ વિસ્તારમાં વધારે સરસ મળે એટલે મેં તો કહ્યું કે ચાલો, એ બહાને બહાર કંઈક ખાતા પણ આવીશું.
હવે હું તમને જે જગ્યાનું ઍડ્રેસ સમજાવવાનો છું એ જરા ધ્યાનથી સમજી લેજો. કાળુપુર રેલવે-સ્ટેશન તરફ જતાં પાંચ કૂવા તરફ જવાનો ટર્ન આવે. એ ટર્ન લઈ થોડા આગળ જાઓ એટલે મોટો રોડ આવે, જેને સાઇકલ બજાર પણ કહે છે. આ સાઇકલ બજારથી રાઇટ લો એટલે તરત જ લેફ્ટ હૅન્ડ સાઇડ પર દુકાન છે, નામ એનું શંકર ફરસાણ માર્ટ. દુકાન પણ શું સાહેબ, નાનકડી દુકાનડી કહેવાય.
એ લોકો ત્રણ-ચાર આઇટમ જ બનાવે છે. પણ એ બધી આઇટમમાં ફૂલવડી અને ગોટા બહુ વખણાય. ફૂલવડી અને ગોટા બન્ને એકદમ લાલચટક પણ બન્ને સ્વાદમાં એકદમ જુદાં. અમે પસાર થતા હતા તો આ દુકાન પાસે ગિરદી જોઈ. જઈને જોયું તો ગરમાગરમ ફૂલવડી અને ગોટા ઊતરતાં હતાં. બપોરનો જમવાનો ટાઇમ થઈ ગયો હતો એટલે મેં નીલેશને કહ્યું કે ચાલો, ચાની દુકાન પણ બાજુમાં છે તો ટ્રાય કરીએ. ફૂલવડી ચા સાથે ખાવાની મજા જ જુદી છે.
આમ તો અમે ટ્રાય જ કરતા હતા પણ એ ટ્રાયમાં અમને જે મજા પડી ગઈ છે. ગરમાગરમ ઉતારેલી ફૂલવડી ગરમ હતી એટલે સહેજ નરમ હતી અને સ્વાદમાં સહેજ તીખી અને સહેજ ગળચટ્ટી. મેથીના ગોટાનું કહું તો એનું ઉપરનું પડ એકદમ કડક અને અંદરથી સાવ નરમ. મને સ્વાદમાં જલસો પડી જાય એટલે હું ઓનર સાથે વાતોએ વળગું. અહીં પણ મેં એ જ કર્યું અને એમાં મને ખબર પડી કે એ લોકો છેલ્લાં ત્રેપન વર્ષથી અહીં બેસે છે. લોકો આ બે આઇટમ ખાવા માટે ખાસ આવે. આ ઉપરાંત અહીં મેંદાની પૂરી, ફાફડા ને ગાંઠિયા પણ મળે પણ મેઇન એની બે આઇટમ એટલે ફૂલવડી અને મેથીના ગોટા.
મારે તમને એક વાત ખાસ કહેવી છે. આ બધી જે આપણી ઓરિજિનલ એટલે કે જમીનને અડીને તૈયારી થયેલી જે આઇટમો છે એ ખાવાની મજા જ કંઈક જુદી છે. ફૂલવડી, સુરતનાં ઇદડા, ખમણ, ગોટા કે ગાંઠિયા, ફાફડા. આ બધું મને ગુજરાતનું જેટલું ભાવે એટલું બીજે ક્યાંયનું ન ભાવે. બોરીવલી, કાંદિવલી, મલાડ કે ઘાટકોપર મિની ગુજરાત જેવાં થઈ ગયાં છે પણ એમ છતાં પાણીની ખાસિયત તો પાણીની ખાસિયત જ છે એટલે આ આઇટમ ભલે આપણે ત્યાં મળે પણ એની સાચી મજા અને સાચો સ્વાદ તો ગુજરાતમાં જ છે.
આ બધી વરાઇટીઓ સાથે એ લોકો જે ચટણી આપે એનો સ્વાદ પણ અદ્ભુત હોય છે. ફૂલવડી અને મેથીના ગોટા સાથે અહીં કઢી-ચટણી, પપૈયાનો સંભારો અને તળેલાં મરચાં આપે. વીસ રૂપિયાની ફૂલવડી સાથે જો આટલી એક્સ્ટ્રા વસ્તુ પણ મળતી હોય તો એ સહેજ પણ નાની વાત નથી.
મારે બીજી પણ એક ખાસ વાત કહેવી છે.
આખા ગુજરાતમાં અમદાવાદ પહેલું મ્યુનિસિપલ કૉર્પોરેશન છે જેણે જાહેર કર્યું છે કે આ પ્રકારની ખાવાની વરાઇટી માત્ર સફેદ કાગળ પર જ આપવાની. પ્લેન સફેદ કાગળ હોય. હવે ગુજરાતનાં બીજાં શહેરોમાં એ પ્રથા શરૂ થઈ છે, બાકી મોટા ભાગના તો હજી પણ પસ્તી તરીકે છાપાનો ટુકડો જ વાપરે છે. પણ અમદાવાદમાં તમે ક્યાંય પણ જાઓ તો તમને આ પ્રકારનાં ફરસાણ સફેદ કાગળમાં જ મળે. આ જે પહેલ છે એ ખરેખર સ્વાસ્થ્ય માટે બહુ સારી છે. ગરમાગરમ વરાઇટી ન્યુઝપેપરની પસ્તી પર મૂકી હોય તો એ આઇટમ સાથે પેલી ઇન્ક પણ તમારી બૉડીમાં જાય અને તમને નુકસાન કરે.
શંકર ફરસાણ માર્ટમાં જો તમે પાર્સલ કરાવો તો તમને સફેદ કાગળમાં પૅક કરીને આપે પણ જો તમે ત્યાં જ ખાવા માગતા હો તો સ્ટીલની પ્લેટમાં તમને મળે. મારું માનજો, આવી આઇટમ ખાવા માટે ગુજરાતમાં ફરજો. આ જે શંકર ફરસાણ માર્ટનો એરિયા છે એ આપણા કાલબાદેવી એરિયા જેવો છે, એકદમ નાની-નાની શેરીઓમાંથી નીકળવાનું હોય એટલે તમારે થોડું ચાલીને જ ફરવું પડશે પણ સારું ખાવું હોય તો એટલી તસ્દી તો લેવી પડે હં.


