બોરીવલીની જાંબલી ગલીના કૉર્નર પર જવાનું અને ત્યાં જઈને સેવપૂરી ટ્રાય કરવાની. ગૅરન્ટી, એક પ્લેટ સેવપૂરીમાં જ તમને સંતોષ થઈ જશે
ઠાંસી-ઠાંસીને સ્ટફિંગ ભરેલી સેવપૂરી ખાવાનું બેસ્ટ ઍડ્રેસ કયું?
હમણાં મારા નાટકનો શો બોરીવલીમાં હતો અને બોરીવલીનો શો હતો એટલે હું વહેલો રવાના થઈ ગયો કારણ કે મારે ત્યાં એક જગ્યાએ સ્ટ્રીટ-ફૂડ ખાવું હતું. એ સ્ટ્રીટ-ફૂડની મને ઇચ્છા કેવી રીતે થઈ એની વાત પહેલાં કરું.
થોડા સમય પહેલાં હું બોરીવલીની જાંબલી ગલીમાં સાઉથ ઇન્ડિયન ફૂડ ખાવા ગયો હતો, જેનો આસ્વાદ મેં તમારા સુધી પહોંચાડી દીધો છે. એ સાઉથ ઇન્ડિયન ફૂડ ખાઈને હું ત્યાંથી નીકળ્યો અને મારું ધ્યાન જાંબલી ગલીના નાકા પર ઊભેલા એક ભેળવાળા પર ગયું અને હું જોતો જ રહી ગયો. ખાવા માટે જબરદસ્ત ભીડ અને ભીડ પણ પાછી શાંતિથી પોતાનો ટર્ન આવે એની રાહ જોતી ઊભી હતી. એક વાત યાદ રાખજો, અજાણી જગ્યાએ ફૂડ સારું મળતું હશે એની પહેલી નિશાની એટલે ત્યાં એકઠી થયેલી ગિરદી અને બીજી નિશાની પોતાનો ટર્ન આવે એની રાહ જોઈને ઊભેલા લોકો. બાકી, તમને ને મને બન્નેને ખબર છે કે પૈસા દઈને ખાતા હોઈએ એવા સમયે રાહ જોવા થોડા ઊભા રહેવાનું હોય... પણ હા, ઊભા રહેવાનું હોય; જો સારું ખાવું હોય તો થોડુંક તપ કરવું પડે.
ADVERTISEMENT
એ દિવસે મેં નક્કી કર્યું કે હું એક વખત આ જગ્યાએ ખાવા માટે આવીશ અને બસ, મને તક મળી ગઈ.
બોરીવલી પહોંચીને મેં મારા અસિસ્ટન્ટ ડિરેક્ટર ચિંતન મહેતાને સાથે લીધો અને કહ્યું કે ચાલો આપણે જાંબલી ગલીના નાકે ભેળપૂરી ખાઈ આવીએ. અમે આ જગ્યાએ ખાવા માટે જઈએ છીએ એવું જાણીને નાટકોનો જાણીતો નિર્માતા ભરત ઠક્કર પણ જોડાયો અને મને ખબર પડી કે તેને પણ એ જગ્યાની પાણીપૂરી-ભેળપૂરી બહુ ભાવે છે. અમે તો પહોંચ્યા એ જગ્યાએ. ગિરદી કહે મારું કામ, પણ થોડી વારમાં અમારો વારો આવી ગયો અને મેં સૌથી પહેલાં પાણીપૂરી મગાવી.
હાર્ટ-સર્જરી પછી મેં બહારનું ખાવાનું ઓછું કર્યું છે એ તમારી જાણ ખાતર તો સાથોસાથ એ પણ કહેવાનું કે થોડાં વર્ષોથી મારું ફૂડ પણ ઘટી ગયું છે. એક સમય હતો કે હું એક પ્લેટ પાણીપૂરી, ભેળ અને એક પ્લેટ સેવપૂરી ખાઉં પછી મને લાગે કે હવે કંઈક મેં નાસ્તો કર્યો. પણ ઠીક છે, બહારનું ખાવાનું ઓછું થાય એમાં કંઈ ખોટું નથી. હવે દરેક વરાઇટી ટ્રાય કરવા માટે મને કંપની જોઈએ અને એ બહાને વાતો પણ થતી રહે.
મેં પાણીપૂરી મગાવી. પાણીપૂરીનું પાણી એકદમ તીખું હતું. ટિપિકલ મુમ્બૈયા પાણીપૂરી હતી. સિસકારા મારતાં મેં ત્રણ પૂરી ખાધી અને પછી મેં ઑર્ડર કર્યો ભેળનો. અહીં મારે તમને એક વાત કહેવી છે. મારી ભેળ ખાવાની સ્ટાઇલ જરા જુદી છે. મને લાગે છે કે ભેળ એટલે હળદરમાં શેકેલા મમરા હોય, એમાં થોડી સેવ હોય, થોડા કાંદા નાખ્યા હોય અને લીલી તીખી ચટણી, લસણની ચટણી અને ખજૂર-આંબલી-ગોળની મીઠી ચટણી. ભેળમાં તોડીને નાખેલા પૂરીના બે ટુકડા, ઉપર કોથમીરનું ગાર્નિશિંગ. બસ, આ મારી ભેળ અને ભેળ આવી જ હોવી જોઈએ. ભેળમાં ટમેટા ને કાકડી ને તળેલી ચણાની દાળ ને દાડમના દાણા ને ખારી સીંગ કંઈ નાખવાનાં હોય!
સવાલ જ નથી.
ભેળ તો એવી જ હોવી જોઈએ જેવી મેં તમને કહી. ગુજરાતમાં અને હવે તો આપણે ત્યાં પણ કેટલાક ભેળવાળા ભેળમાં સફરજનના ટુકડા પણ નાખે ને દ્રાક્ષ પણ નાખે. પણ ના, હું એવી ભેળ નથી ખાતો. મેં મારા ટેસ્ટ મુજબની ભેળ પેલા ભાઈને વર્ણવી અને તેણે અસ્સલ એવી જ ભેળ બનાવીને મને આપી. મને હતું કે હવે આ માણસની સાચી પરીક્ષા થશે, કારણ કે આ ભેળમાં ચટણીઓની પરીક્ષા થઈ જતી હોય છે. મેં ભેળનો પહેલો કોળિયો મોઢામાં મૂક્યો અને આફરીન. મજા પડી ગઈ.
ભેળ પછી મેં કહ્યું કે હવે મારા માટે સેવપૂરી બનાવો. સેવપૂરી બનવાની શરૂ થઈ અને હું સમજી ગયો કે આ માણસને પોતાનું કામ આવડે છે. એકદમ સ્ટફી કહેવાય એવી સેવપૂરી હતી. જોખી-જોખીને આઇટમ પૂરીમાં નાખવાને બદલે એ ઠાંસી-ઠાંસીને એમાં બધું સ્ટફિંગ ભરતો હતો. સેવપૂરીના ત્રણ પીસ ખાઈને મારે જાતને રોકવી પડી, કારણ કે મને ડર હતો કે હું આખી પ્લેટ ખાઈ જઈશ અને મારે કન્ટ્રોલ કરવાનો હતો તો સાથોસાથ મારે શો પણ કરવાનો હતો. મિત્રો, શો પહેલાં ક્યારેય કલાકારોએ પેટ ભરીને ખાવું ન જોઈએ. સ્ટેજ પર ડકાર આવે તો એનો સાઉન્ડ માઇકમાં બહુ ખરાબ રીતે બહાર આવે. આ વાત દરેક ઍક્ટરને ખબર જ હોય એટલે અમે હંમેશાં આનું ધ્યાન રાખીએ.
આ જગ્યાએ ફરીથી આવવાનું નક્કી કરી અમે ત્યાંથી રવાના થયા. હું તો બીજી વાર ત્યાં જઈશ પણ તમે જો પહેલી વાર પણ ન ગયા હો તો જઈ આવો. જાંબલી ગલીના કૉર્નર પર. જલસો પડી જશે.


