Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > બોરીવલીનાં આ ઠેચા વડાપાંઉની મજા જે ખાય એ જ જાણે

બોરીવલીનાં આ ઠેચા વડાપાંઉની મજા જે ખાય એ જ જાણે

Published : 08 August, 2026 09:07 PM | IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

ઠેચા અને વડાપાંઉ સાથે ખાવાની જે મજા છે એનું વર્ણન શબ્દોમાં ક્યારેય ન થઈ શકે, ચોમાસાના દિવસો વચ્ચે અમુક-અમુક વરાઇટી ખાવાનું મને બહુ મન થાય. મને જ શું, બધાને એની ઇચ્છા થાય. ધોધમાર વરસાદ હોય અને એની વચ્ચે જો મસ્તમજાની ગરમ અને તીખી આઇટમ મળી જાય તો જલસો

બોરીવલીનાં આ ઠેચા વડાપાંઉની મજા જે ખાય એ જ જાણે

બોરીવલીનાં આ ઠેચા વડાપાંઉની મજા જે ખાય એ જ જાણે


ચોમાસાના દિવસો વચ્ચે અમુક-અમુક વરાઇટી ખાવાનું મને બહુ મન થાય. મને જ શું, બધાને એની ઇચ્છા થાય. ધોધમાર વરસાદ હોય અને એની વચ્ચે જો મસ્તમજાની ગરમ અને તીખી આઇટમ મળી જાય તો જલસો-જલસો પડી જાય. 
અત્યારે અમારા નવા નાટક ‘માગું વીસ આપે ત્રીસ જય દ્વારકાધીશ’નાં રિહર્સલ્સ ચાલે છે. આ નાટકના મારા અસિસ્ટન્ટ ડિરેક્ટર ચિંતન મહેતા મને કહે, ‘સંજયભાઈ, મારે તમને બોરીવલીના આપણા પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમની સામે જ મળતાં ઠેચા વડાપાંઉ ખવડાવવાં છે.’ 
મને થયું કે એમાં શું નવું છે એટલે મેં કંઈ ચિંતનની વાત પર ખાસ ધ્યાન આપ્યું નહીં. થોડાક દિવસ તો તેણે જવા દીધા અને પછી એક દિવસ તેણે કંટાળીને રિહર્સલ્સમાં જે નાસ્તો આવે એમાં જ આ ઠેચા વડાપાંઉ મગાવી લીધાં. મને તો મજા આવી ગઈ, પણ સાચું કહું તો રિહર્સલ્સમાં નાસ્તો થોડોક ઠંડો પણ થઈ જાય. શું છે, કોઈ એક સીનનું બ્લૉકિંગ ચાલતું હોય તો આપણે એ સીન પહેલાં પૂરો કરીએ. પણ હા, મને એ ઠેચા વડાપાંઉનો સ્વાદ પકડાઈ ગયો અને મેં નક્કી કર્યું કે હવે આપણે આ ઠેચા વડાપાંઉ ખાવા રૂબરૂ જવું, ગરમાગરમ ખાવાં અને પછી ત્યાં ફોટો પડાવવો. આ ફોટો પણ આપણી કૉલમ માટે જરૂરી છેને?
વાત આગળ વધારતાં પહેલાં હું તમને આ ઠેચાની વાત કરું. ઠેચાને ઘણા લોકો મહારાષ્ટ્રિયન ચટણી કહે છે, પણ એવું નથી. ઠેચા એ ઠેચા જ છે. ચટણી એકદમ ક્રશ થઈ ગઈ હોય. ઠેચામાં એવું ન હોય. ઠેચા બનાવવા માટે તીખાં લીલાં મરચાંને ઝીણાં સમારી લેવાનાં અને પછી એમાં સહેજ મીઠું અને મગફળીના દાણા નાખીને એને દસ્તાથી છૂંદી નાખવાનાં. દસ્તાથી છૂંદો એટલે બધું અધકચરું થઈ જાય, પણ ચટણીની જેમ ક્રશ ન થયું હોય. આ જે ઠેચા છે એમાં ઘણા લોકો લસણ નાખે છે, પણ ઓરિજિનલ ઠેચામાં લસણ ન હોય. જોકે તમને એ ભાવતું હોય તો તમે નાખો એમાં વાંધો પણ નથી. ઓરિજિનલ ઠેચા એકદમ તીખુંતમતમતું હોય.
હું તો પહોંચ્યો ઠેચા વડાપાંઉ ખાવા. એકદમ ગરમાગરમ વડું, એના પર સૉફ્ટ પાંઉ અને સાથે ૩ ચટણી. મીઠી ચટણી, વડાપાંઉ સાથે આપે એ તીખી ચટણી અને એની સાથે ઠેચા. વડાપાંઉનું બાઇટ લેતાં પહેલાં એમાં સહેજ ઠેચા લેવાનું અને પછી એ બટકું ભરવાનું. ઠેચાની તીખાશ આવે એટલે તરત સહેજ મીઠી ચટણીમાં વડાપાંઉ બોળી એનું બાઇટ લેવાનું. તીખાશ પર ઉમેરાતી ખજૂર-આમલીની ચટણીની મીઠાશ અને એ સ્વાદ.
આહાહાહા...
જલસો-જલસો પડી ગયો સાહેબ. મને તો થયું કે મહારાષ્ટ્રિયનના ઘરમાં ઠેચા બનતું જ હોય તો પછી શું કામ બધા વડાપાંઉવાળા આ ઠેચા નહીં રાખતા હોય, પણ હશે. જો બધા રાખતા હોત તો આપણે એની વાત ન કરતા હોય. આ જે ઠેચા વડાપાંઉવાળો છે તે પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમની સામે જે સર્કલ છે એની ડાબી બાજુએ ઊભો રહે છે. સવારે સાતથી સાંજ ૭ વાગ્યા સુધી જ મળે. શ્રી સ્વામી સમર્થ એવું એ જગ્યાનું નામ છે, પણ તમે આજુબાજુમાં ઠેચા વડાપાંઉનું પૂછો તો તરત જ તમને જગ્યા દેખાડી દે. જો બોરીવલી જવાનું બને કે પછી બોરીવલીમાં જ રહેતા હો તો આ ઠેચા વડાપાંઉ અચૂક ટ્રાય કરજો.


Whatsapp-channel Whatsapp-channel

08 August, 2026 09:07 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK