જૈનોની ડાયટનો મહત્ત્વનો હિસ્સો ગણાતાં કાચાં કેળાં પોષક તત્ત્વોનું પાવરહાઉસ અને પાકાં કેળાંની તુલનાએ વધારે હેલ્ધી મનાય છે
કચ્ચા કેલા
જૈનોની ડાયટનો મહત્ત્વનો હિસ્સો ગણાતાં કાચાં કેળાં પોષક તત્ત્વોનું પાવરહાઉસ અને પાકાં કેળાંની તુલનાએ વધારે હેલ્ધી મનાય છે. મૉડર્ન મેડિકલ સાયન્સની દૃષ્ટિએ એ ફાઇબર, પોટૅશિયમ અને મૅગ્નેનિશયમથી ભરપૂર અને આયુર્વેદની દૃષ્ટિએ એ સ્નાયુઓ માટે બળવર્ધક છે. જોકે આજે જાણીએ કે સ્વાસ્થ્યની દૃષ્ટિએ કોણે, ક્યારે અને કેટલી માત્રામાં કાચાં કેળાં ખાવાં જોઈએ
જાણીતા શેફ વિકાસ ખન્નાએ થોડાક સમય પહેલાં આપેલા એક ઇન્ટરવ્યુમાં સ્વાદ અને હેલ્થના મામલે જૈન ડાયટનાં પેટ ભરીને વખાણ કર્યાં હતાં. લસણ, કાંદા કે બટાટા વિના કાચાં કેળાંથી બનેલી જૈન પાંઉભાજીના સ્વાદના પ્રેમમાં પડેલા વિકાસ ખન્ના એકલા નથી. ઘણા લોકો બટાટા વિના બનેલી જૈન આઇટમોમાં ખરેખર બટાટા છે કે નહીં એનો અંદાજ લગાવવામાં પાછા પડતા હોય છે. આ બધી જ કમાલ છે કાચાં કેળાંની. યસ, સામાન્ય રીતે જૈન ડાયટમાં કાચાં કેળાંનું ચલણ વધારે હોય છે અને તેમના ભોજનનો સ્વાદ પણ ભલભલા આંગળાં ચાટતા રહી જાય એવો હોય છે. જોકે સ્વાદ આપવાની સાથે કાચાં કેળાં સ્વાસ્થ્ય આપવાની ક્ષમતા પણ રાખે છે. ચાતુર્માસ ચાલી રહ્યો છે અને પર્યુષણ નજીક આવી રહ્યું છે ત્યારે કાચાં કેળાંના હેલ્થ બેનિફિટ્સ પર ચર્ચા કરીએ.
ADVERTISEMENT
સૌથી બેસ્ટ પાર્ટ
આજથી લગભગ દસ હજાર વર્ષ પહેલાં કેળાંની ખેતી શરૂ થઈ હોવાનું મનાય છે. માનવ જાતે પોતાની ઉત્ક્રાન્તિના શરૂઆતના અરસામાં રોપેલાં ફળોમાંથી કેળાં હોવાનું માનવામાં આવે છે. ભારતમાં પૂર્વ એશિયાઈ દેશોમાથી કેળાં આવ્યાં હોવાનું મનાય છે. સાઉથ ઇન્ડિયા, પશ્ચિમ બંગાળ વગેરે ક્ષેત્રોમાં કાચાં કેળાં અને કેળાંનાં પાન તેમ જ અન્ય સામગ્રીનો મબલક ઉપયોગ થાય છે અને એટલે જ નારિયેળની જેમ કેટલાંક કલ્ચરમાં કેળના છોડને પણ કલ્પવૃક્ષની ઉપમા અપાઈ છે. અગ્રણી ડાયટિશ્યન અને ન્યુટ્રિશનિસ્ટ ડૉ. શુચિતા ભાનુશાલી કાચાં કેળાંના હેલ્થ બેનિફિટ્સ વિશે વાત કરતાં કહે છે, ‘બીજા કોઈ તત્ત્વમાં ભાગ્યે જ હોય એવું એક સૌથી મહત્ત્વનું તત્ત્વ જે કાચાં કેળાંમાં હોય છે એ છે રેઝિસ્ટન્સ સ્ટાર્ચ. આ એવો પદાર્થ છે જે કેળાં પાકે એટલે સાકરમાં પરિવર્તિત થાય અને કેળાંને મીઠાશ આપે છે. રેઝિસ્ટન્સ સ્ટાર્ચ એટલે કે પ્રતિરોધક સ્ટાર્ચ જે ડાયટરી ફાઇબરની જેમ કામ કરે છે અને ગટ હેલ્થ માટે અકલ્પનીય રીતે ઉપયોગી છે. આજે ગટ હેલ્થ મહત્ત્વનો પડકાર બનતો જાય છે ત્યારે હેલ્ધી આંતરડાના માઇક્રોબ્યમ એટલે કે સારા બૅક્ટેરિયાને પ્રોત્સાહન આપવા માટે ઉપયોગી છે અને બ્લડમાં ગ્લુકોઝનું પ્રમાણ મેઇન્ટેન કરવામાં પણ કારગત છે.’
પોષક તત્ત્વોનો ખજાનો
હેલ્ધી ગટની સાથે પેટની સફાઈમાં પણ કાચાં કેળાંનો મહત્ત્વનો રોલ છે એમ જણાવીને ડૉ. શુચિતા કહે છે, ‘જેમને પણ કબજિયાતની તકલીફ હોય તેમના માટે કાચાં કેળાં હેલ્ધી ફાઇબરની ગરજ સારે છે. એ સિવાય કેળાંમાં મબલક પ્રમાણમાં રહેલું પોટૅશિયમ હાઈ બ્લડપ્રેશરને મેઇન્ટેન કરવા અને ઓવરઑલ હાર્ટ માટે હેલ્ધી મનાય છે. બૉડીમાં ફ્લુઇડ મૅનેજમેન્ટમાં પણ પોટૅશિયમનો અતિમહત્ત્વનો રોલ છે. પાચન અને ન્યુરોલૉજિકલ હેલ્થ માટે જરૂરી એવા વિટામિન B અને રોગપ્રતિકારક શક્તિને વધારતા વિટામિન Cની માત્રા પણ કાચાં કેળાંમાં સારી છે. મૅગ્નેશિયમની કમી આજે ઘણા લોકોની લાઇફમાં બર્નિંગ પ્રૉબ્લેમ બની રહી છે ત્યારે એની કમી નિવારવા પણ કાચાં કેળાં મદદ કરી શકે છે. એ સિવાય શરીરમાં ઑક્સિડેટિવ સ્ટ્રેસ અને બળતરા ઓછી કરવાનું કામ કરતાં તત્ત્વો પણ કાચાં કેળામાં છે. જેમ કે ક્રૅમ્પ્સ હોય, જેમને ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમ હોય અને પેટની સમસ્યા હોય તેઓ કાચાં કેળાં ખાય તો લાભ થાય. કાચાં કેળાં તમારા પેટમાં પ્રીબાયોટિકનું કામ કરે એટલે કે આગળ કહ્યું એમ હેલ્ધી બૅક્ટેરિયાને જરૂરી વાતાવરણ બનાવી આપે. હું તો કહીશ માત્ર જૈનોએ જ નહીં પણ દરેકે બટાટાને કાચાં કેળાંથી રિપ્લેસ કરવાની જરૂર છે કારણ કે બટાટાની તુલનાએ કાચાં કેળાંના લાભ ઘણા વધારે છે.’
કોણે અવૉઇડ કરવાં?
કાચાં કેળાં આમ ભલે ન્યુટ્રિશનનો ખજાનો હોય પરંતુ કેટલીક હેલ્થ કન્ડિશનમાં એને ખાવામાં સાવધાની રાખવી જોઈએ. દાખલો આપતાં ડૉ. શુચિતા કહે છે, ‘કેળાંમાં પોટૅશિયમનું પ્રમાણ વધારે છે, જે કિડનીનો રોગ ધરાવતા લોકો માટે હેલ્ધી નથી. કાચાં કેળાંમાં રહેલા ફાઇબરનું વધુપડતું સેવન પેટના રોગોને લાભને બદલે નુકસાન કરી શકે. જો કોઈ વ્યક્તિને પેટ ફૂલવાની કે ગૅસની સમસ્યા હોય તો તેમણે લિમિટેડ માત્રામાં ખાવાં. કેળાંની ઍલર્જી હોય, કોઈ ખાસ દવા સાથે એનું કૉમ્બિનેશન બંધ ન બેસતું હોય તો પણ કાચાં કેળાં અવૉઇડ કરવાં.’
આયુર્વેદ શું કહે છે કાચાં કેળાં વિશે?
હજારો વર્ષ પહેલાં લખાયેલા આયુર્વેદના ગ્રંથોમાં કેળાના ઘણા પ્રકારનું વર્ણન મળે છે. મુખ્યત્વે શાસ્ત્રીય આયુર્વેદિક ગ્રંથોમાં કાચાં કેળાંનો ઉલ્લેખ ‘બાળ કદલી’ તરીકે મળે છે. આયુર્વેદમાં કેળાના છોડને એની સંપૂર્ણતામાં (ફળો, ફૂલો, થડ, પાંદડાં) ઔષધીય મૂલ્ય ધરાવતો માનવામાં આવે છે. આ સંદર્ભે આયુર્વેદમાં દ્રવ્યગુણ વિજ્ઞાનના નિષ્ણાત, ભૂતપૂર્વ પ્રોફેસર તેમ જ વૈદ્ય મીતા કોટેચા કહે છે, ‘આયુર્વેદની દૃષ્ટિએ કાચાં કેળાંના ગુણોનું વર્ણન ગ્રંથોમાં મળે છે. કાચું કેળું શરીરમાંથી વધારાનું પ્રવાહી શોષીને મળને ઘટ્ટ કરવામાં મદદ કરે છે. આ ગુણધર્મને કારણે એ ઝાડામાં ઉપયોગી છે. એ બળવર્ધક છે. તમારા સ્નાયુઓની સ્ટ્રેન્ગ્થ વધારે. શરીરમાં જે સૉફ્ટ ટિશ્યુઝ હોય છે એની ક્ષમતા વધારવામાં કાચાં કેળાં મદદ કરી શકે. એ પિત્તને શાંત કરે, શરીરમાં બળતરા ઘટાડે. જોકે કાચાં કેળાં કફપ્રધાન છે એટલે જેમનો કફ દોષ પહેલાંથી જ વકરેલો હોય તેમણે એના સેવનમાં ધ્યાન રાખવું. બીજું, કાચાં કેળાં પચવામાં ભારે હોય છે એટલે જેમની પાચનશક્તિ નબળી હોય તેમણે પણ સમય અને માત્રાનું ધ્યાન રાખવું. બપોરના સમયે કાચાં કેળાંનું સેવન કરી શકાય. સાંજના સમયે કાચાં કેળાંનું સેવન ઓછું કરવું. કાચાં કેળાંને બાફીને જ ખાવાં જોઈએ. આ સિવાય કેળાના ફળનો અને એના છોડના બીજા ભાગોનો (ફૂલ, પાંદડાં, થડ વગેરે) વિવિધ પ્રકારની દવા બનાવવા માટે પ્રયોગ થાય છે.’
કાચાં કેળાંનો લોટ ટ્રાય કર્યો?
આજકાલથી નહીં પણ લગભગ સો વર્ષ પહેલાથીં આફ્રિકાના કેટલાક દેશોમાં ઘઉંનો લોટ મોંઘો પડતો હોવાથી ત્યાંના લોકો દ્વારા કાચાં કેળાંનો લોટ પર્યાય તરીકે ઉપયોગમાં લેવાતો આવ્યો છે. આજે ગ્લુટનની ઍલર્જી ધરાવતા લોકો ડાયટ ટ્રેન્ડમાં બનાના ફ્લોર એટલે કે કાચાં કેળાંનો લોટ શોખથી ખાય છે. ગટ હેલ્થ માટે ઉપયોગી, હાર્ટ હેલ્થ, મેન્ટલ હેલ્થ માટે ઉપયોગી કાચાં કેળાંનો લોટ લો ગ્લાઇસીમિક ઇન્ડેક્સ ધરાવતો હોવાથી ડાયાબિટીઝના દરદીઓ માટે પણ લાભકારી છે.
કાચાં કેળાંને આ રીતે ખાઈ શકાય
ડૉ. શુચિતા ભાનુશાલીએ સજેસ્ટ કરેલી કાચાં કેળાંની કેટલીક વાનગીઓના પર્યાયો આ રહ્યા.
- કાચાં કેળાંની ઍરફ્રાય કરેલી ચિપ્સ કે કાતરી કરીને ફ્રેન્ચ ફ્રાઇસ તરીકે બાળકોને ઈવનિંગ સ્નૅક્સમાં આપી શકાય.
- પાંઉભાજીમાં બટાટાને બદલે કાચાં કેળાંનો ઉપયોગ કરીને એને હેલ્ધી વર્ઝન બનાવી શકાય.
- ડાયાબિટીઝના દરદીઓ બટાટાને બદલે કાચાં કેળાં અને કોપરાની પૅટીસ બનાવીને ખાઈ શકે.
- શેકેલી બનાના સ્ટિક્સ હમસ સાથે ખાઈ શકાય.
- આલૂ પરાઠાને બદલે કાચાં કેળાંના પરાઠા અથવા થેપલાં હેલ્ધી ઑપ્શન ગણાશે.
- ઊંધિયું જેવી સબ્જીમાં જ્યાં બટાટાનો સારો ઉપયોગ થતો હોય છે એમાં પણ સેપરેટલી કાચાં કેળાં નાખી શકાય.
- કાચાં કેળાંને અન્ય શાક સામે મેળવીને ખાઈ શકાય. કાચાં કેળાંનું અથાણું અને સ્મૂધીમાં ગોળ સાથે મિક્સી ગ્રાઇન્ડરમાં મૅશ કરીને ખાઈ શકાય.
તમને ખબર છે?
કેળાની છાલનો ઉપયોગ પરંપરાગત દવાઓમાં ઘા રૂઝાવવા માટે અને દૂષિત પાણીને શુદ્ધ કરવા અને સંભવિત ઍન્ટિ-વાઇરલ પ્રૉપર્ટીઝ માટે પણ કરવામાં આવે છે.

