આ વાનગી બાળકોના ટિફિન-બૉક્સ માટે અથવા સાંજે સ્કૂલથી આવ્યા પછીની નાની ભૂખ માટે ઉત્તમ અને પૌષ્ટિક વિકલ્પ છે.
ચીઝ કૉર્ન વૉફલ્સ
સામગ્રી : ૧ કપ રવો, ૧ મોટી ચમચી બેસન, ૧/૨ કપ દહીં, ૧ મોટી ચમચી ઝીણી સમારેલી ડુંગળી (ઑપ્શનલ), ૧/૨ કપ બાફેલા સ્વીટકૉર્ન અધકચરા પીસેલા, ૧ મોટી ચમચી આખા બાફેલા સ્વીટકૉર્ન, ૧ નાની ચમચી આદું-મરચાની પેસ્ટ, સ્વાદ અને પસંદગી મુજબ લીલા ધાણા, સ્વાદ અનુસાર મીઠું, બે નંગ ખમણેલું ચીઝ ક્યુબ્સ, એક પાઉચ ફ્રૂટ સૉલ્ટ (ઇનો), ૧/૨ નાની ચમચી ઑરેગૅનો, ૧/૨ નાની ચમચી ચિલી ફ્લેક્સ, વૉફેલ મેકરમાં લગાવવા માટે બટર બનાવવાની રીત : એક મોટા બાઉલમાં ફક્ત ફ્રૂટ સૉલ્ટ (ઇનો) સિવાયની ઉપર જણાવેલી બધી જ સામગ્રી એકસાથે ઉમેરી દો. બધું બરાબર મિક્સ કરી લો અને ઢોકળાંના ખીરા જેવું મિશ્રણ બનાવવા માટે જરૂર મુજબ પાણી ઉમેરો. આ ખીરાને ઓછામાં ઓછી વીસથી ૩૦ મિનિટ માટે ઢાંકીને એક બાજુ રાખી દો. જ્યારે વૉફલ્સ બનાવવા હોય ત્યારે વૉફલ-મેકરને પ્રી-હીટ (ગરમ) કરવા મૂકો અને એની બન્ને બાજુએ બ્રશની મદદથી બરાબર બટર લગાવી લો. ૩૦ મિનિટ પછી ખીરાને ફરી ચેક કરી લો. જો રવો પાણી પી ગયો હોય અને ખીરું ઘટ્ટ થઈ ગયું હોય તો થોડું પાણી ઉમેરીને ઢોકળાં જેવું જ સરળતાથી પડે એવું ખીરું તૈયાર કરી લો. હવે છેલ્લે એમાં ઇનો ઉમેરીને બરાબર હલાવી લો. વૉફલ-મેકરની ટ્રેમાં એક મોટો ચમચો ભરીને ખીરું રેડો અને એને સરખી રીતે ફેલાવી દો. વૉફલ-મેકર બંધ કરીને એને પાંચથી ૭ મિનિટ માટે ચડવા દો. વચ્ચે એક વાર ચેક કરી લો. વૉફલ સરસ બ્રાઉન અને ક્રિસ્પી થઈ જાય એટલે એને બહાર કાઢી લો. આ ગરમાગરમ ચીઝ કૉર્ન વૉફલ્સને લીલી ચટણી અને ટમૅટો કેચપ સાથે સર્વ કરો. આ વાનગી બાળકોના ટિફિન-બૉક્સ માટે અથવા સાંજે સ્કૂલથી આવ્યા પછીની નાની ભૂખ માટે ઉત્તમ અને પૌષ્ટિક વિકલ્પ છે.
- વૈશાલી ત્રિવેદી
