ગાયકવાડ ટ્રસ્ટે શરૂ કરેલી ગજરા રેસ્ટોરાંમાં મને વર્ષો પછી દિલ ખુશ થઈ જાય એવું ઝુણકા ભાકર ખાવા મળ્યું
સુરસાગર તળાવ પાસે ગજરા (મરાઠીઓ ગઝરા બોલે) નામની રેસ્ટોરાં શરૂ કરી છે
હું હમણાં વડોદરામાં શૂટિંગ પર ગયો ત્યારે મને ખબર પડી કે સુરસાગર તળાવ પાસે ગાયકવાડ ટ્રસ્ટની ઘણી પ્રૉપર્ટી છે. આ ગાયકવાડ એટલે સયાજીરાવ ગાયકવાડ, વડોદરાના રાજા. આજે પણ તેમના વંશજો વડોદરામાં જ રહે છે અને સયાજીરાવ ગાયકવાડનાં વંશજ એવાં રાજકુમારી રાધિકા ગાયકવાડ આ ગાયકવાડ ટ્રસ્ટ ચલાવે છે. આ ટ્રસ્ટે થોડા વખત પહેલાં સુરસાગર તળાવ પાસે ગજરા (મરાઠીઓ ગઝરા બોલે) નામની રેસ્ટોરાં શરૂ કરી છે એવી મને ખબર પડી. મેં તો ઑનલાઇન એનું મેનુ શોધ્યું. મેનુ જોયું તો મને જલસો પડી ગયો અને એક આઇટમ વાંચીને તો હું ગદ્ગદ થઈ ગયો. એ આઇટમ હતી ઝુણકા ભાકર. આ ઝુણકા ભાકર સાથે મારો ૬૦ વર્ષ જૂનો સંબંધ છે.
અત્યારે તો મુંબઈમાં ઠેર-ઠેર ઝુણકા ભાકર સેન્ટર છે જેમાં ઝુણકા ભાકર સિવાય બધું જ મળે છે. વર્ષો પહેલાં વીટી સ્ટેશનની સામે આવું જ ઝુણકા ભાકર સેન્ટર હતું જ્યાં પચ્ચીસ પૈસામાં ઝુણકા ભાકર મળતું જે મેં ખાધું છે. લોકોને કિફાયતી ભાવે ખાવાનું મળે એવા હેતુથી મહારાષ્ટ્ર સરકારે એ શરૂ કર્યું હતું. ત્યાં મરાઠીઓને ભાવે એવી બધી આઇટમ મળે અને સસ્તી મળે.
ADVERTISEMENT
એ સમયે અમે રવિવારે સ્ટ્રીટ-પ્લે કરતા. સ્ટ્રીટ-પ્લેનો અમારો શો પૂરા થયા પછી અમે ઝુણકા ભાકર ખાવા માટે ત્યાં જતા. ઝુણકા ભાકર એટલે શું એ હું કહી દઉં.
જુવારની જાડી રોટલી અને એની સાથે આપણે મુંબઈના ગુજરાતીઓ જેને પીઠું કહે એ પીઠું. આપણે એમાં છાશ નાખીએ અને સહેજ ગળપણ પણ હોય, જ્યારે મરાઠીઓના ઝુણકામાં સહેજ તીખાશ હોય. ઍનીવે, હું તો ઝુણકા ભાકર ખાવા માટે રવાના થયો અને મારી સાથે લીધો મારા સાથી કલાકાર નીલેશ પંડ્યાને. શું છે બે જણ હોય તો હું વધારે આઇટમ ટ્રાય કરી શકુંને?
ગજરાનો મારો ધક્કો બિલકુલ વસૂલ થયો એવું કહું તો જરા પણ ખોટું નહીં કહેવાય. ત્યાંનું ઍમ્બિયન્સ અને ત્યાંની આઇટમોનો સ્વાદ બિલકુલ ઑથેન્ટિક હતો. બે જણ હતા એટલે ખાવાની બાબતમાં મને જલસો પડી ગયો.
લીંબુશરબતથી માંડીને અમે પુણેરી મિસળ-પાંઉ મગાવ્યાં તો કોપરાની પેટીસ પણ મગાવી અને મારા ફેવરિટ ઝુણકા ભાકર તો ખરા જ. બધાનો સ્વાદ એવો કે આપણે જાણે મહારાષ્ટ્રમાં જ ખાઈ રહ્યા છીએ. મજાની વાત એ છે કે આ ગજરામાં અલગ-અલગ બીજી પણ ઘણી વરાઇટી હતી. રાજકોટનાં ચાપડી-ઊંધિયું પણ હતાં તો ભૂંગળા-બટાટા પણ હતા. પારસી માવા કેક પણ હતી અને વડોદરાનું ટમટમ પણ હતું. બધી આઇટમો સરસ હતી. મજા આવી ગઈ.
ઍમ્બિયન્સની વાત કરું તો આ રેસ્ટોરાં સુરસાગર તળાવના કિનારે જ છે. રેસ્ટોરાંની બહાર મસ્તમજાના ખાટલા મૂક્યા છે. તમે ત્યાં બેસો એટલે એયને સરસ મજાની સુરસાગર તળાવની હવા આવે અને એ હવા કાં તો તમારી ભૂખ ઉઘાડી નાખે અને કાં તો તમારું ખાવાનું પચાવી દે. એ જ હવા વચ્ચે મને થયું કે તમને કહી દઉં કે વડોદરા જવાનું થાય તો ગજરામાં અચૂક જજો.
