રાજગરા અને શિંગોડાના લોટથી બનાવો સોફ્ટ, ટેસ્ટી અને સરળ કપકેક. દહીં, ડ્રાયફ્રૂટ્સ અને ઇલાયચીના સ્વાદથી ભરપૂર આ કપકેક ઘરે સરળતાથી બનાવી શકાય છે.
આજની રેસિપી : ફરાળી કપકેક
સામગ્રી : આઠથી ૧૦ કપકેક, રાજગરાનો લોટ એક કપ, શિંગોડાંનો લોટ અડધો કપ, પાઉડર ખાંડ પોણો કપ, દહીં અડધો કપ, તેલ / ઘી અડધો કપ, દૂધ અડધો કપ જેટલું, બેકિંગ પાઉડર એક ટીસ્પૂન, બેકિંગ સોડા અડધો ટીસ્પૂન, વૅનિલા એસેન્સ એક ટીસ્પૂન, ઇલાયચી પાઉડર અડધો ટીસ્પૂન, કાજુ-બદામના ટુકડા બે ટેબલસ્પૂન
બનાવવાની રીત : એક બાઉલમાં દહીં, પાઉડર ખાંડ અને તેલ સારી રીતે ફેંટી લો. એમાં વૅનિલા એસેન્સ અને ઇલાયચી પાઉડર ઉમેરો. હવે રાજગરાનો લોટ અને શિંગોડાંનો લોટ ચાળીને થોડો-થોડો ઉમેરો. એમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો. જરૂર મુજબ દૂધ ઉમેરીને ઘટ્ટ પરંતુ સ્મૂધ બેટર બનાવો. એમાં કાજુ-બદામ ઉમેરો. કપકેકના પેપરકપમાં બેટર પોણો ભાગ સુધી ભરો. ઉપર થોડાં ડ્રાયફ્રૂટ્સ નાખો. અવનને ૧૭૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર ૧૦ મિનિટ
પ્રી-હીટ કરો. કપકેકને ૧૭૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર લગભગ ૧૮થી બાવીસ મિનિટ બેક કરો. એમાં ટૂથપિક નાખીને ચેક કરો. સાફ
બહાર આવે તો કપકેક તૈયાર છે. સંપૂર્ણ ઠંડી થયા પછી એને સર્વ કરો.
