Mumbai CNG Price Hike: મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં ૧ સપ્ટેમ્બરથી સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો; એનજીના ભાવમાં પ્રતિ કિલો ૨ રુપિયા અને ઘરગથ્થુ પીએનજીના દરમાં પ્રતિ SCM રુપિયા ૧ નો વધારો; પશ્ચિમ એશિયાની કટોકટી વચ્ચે વધી કિંમતો
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
મહાનગર ગેસ લિમિટેડ (Mahanagar Gas Limited) દ્વારા મુંબઈ મેટ્રોપોલિટન રીજન (Mumbai Metropolitan Region)માં દર સુધારાની જાહેરાત કરાઈ છે. એટલે આજથી, ૧ સપ્ટેમ્બરથી વાહનચાલકો અને ઘરગથ્થુ ગ્રાહકોના ખિસ્સા પર ભાર વધશે. સીએનજી (CNG)ના દરમાં પ્રતિ કિલો રુપિયા ૨ નો વધારો કરાતાં તેનો નવો ભાવ રુપિયા ૮૮ પ્રતિ કિલો થયો છે, જ્યારે રસોઈ માટે વપરાતા પીએનજી (PNG)ના ભાવમાં પણ પ્રતિ રુપિયા ૧ નો વધારો થયો છે. કંપનીએ વૈશ્વિક સ્તરે ગેસ પુરવઠા પર વધી રહેલા દબાણ અને કાચા ગેસની ખરીદીના ખર્ચમાં થયેલા વધારાને આ નિર્ણય માટે (Mumbai CNG Price Hike) જવાબદાર ગણાવ્યા છે.
સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપની મહાનગર ગેસ લિમિટેડ (MGL) એ ૧ સપ્ટેમ્બરની મધ્યરાત્રિથી મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR) અને આસપાસના જિલ્લાઓમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (Compressed Natural Gas) અને ઘરગથ્થુ પાઈપ્ડ નેચરલ ગેસ (Piped Natural Gas) ના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. વૈશ્વિક ઉર્જા બજારમાં અનિશ્ચિતતાને કારણે વધેલા ખર્ચને ટાંકીને કંપનીએ સીએનજીના રિટેલ ભાવમાં પ્રતિ કિલો રુપિયા ૨ અને ઘરગથ્થુ પીએનજીના ભાવમાં પ્રતિ સ્ટેન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) રુપિયા ૧ નો વધારો કર્યો છે.
ADVERTISEMENT
મુંબઈમાં ગેસના નવા સુધારેલા દરો
ભાવ વધારા બાદ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સીએનજીનો રિટેલ ભાવ પ્રતિ કિલો રુપિયા ૮૮ થયો છે. આ સાથે જ ઘરગથ્થુ ગ્રાહકો માટે પીએનજીના દરમાં પ્રતિ SCM રુપિયા ૧ નો વધારો નોંધાયો છે.
ભાવમાં કરવામાં આવેલા આ સુધારાથી ઓટો-રિક્ષા, કાળી-પીળી ટેક્સીઓ, ખાનગી કાર અને કોમર્શિયલ વાહનો સહિત આશરે ૧૩ લાખ સીએનજી વાહન માલિકો અસરગ્રસ્ત થશે.
આ ઉપરાંત એમજીએલ (MGL) ના નેટવર્ક પર નિર્ભર લગભગ ૩૦ લાખ ઘરગથ્થુ પીએનજી ગ્રાહકોને પણ આ વધારાની (Mumbai CNG Price Hike) અસર પડશે. કંપનીનું નેટવર્ક મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગિરી, લાતુર અને ધારાશિવ સહિત કર્ણાટકના ચિત્રદુર્ગ અને દાવણગેરે જિલ્લાઓમાં ફેલાયેલું છે.
પશ્ચિમ એશિયાની કટોકટી અને વધતો ઉત્પાદન ખર્ચ કારણભૂત
સોમવારે બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં, એમજીએલે મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) માં ચાલી રહેલી ભૂ-રાજકીય કટોકટીને (Middle East Crisis) ભાવ વધારાનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. કંપનીના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં તણાવને કારણે કાચા ગેસના ભાવમાં ઉછાળો આવ્યો છે.
એમજીએલે સ્પષ્ટતા કરી હતી કે, સીએનજીની વધતી માંગને પહોંચી વળવા માટે સ્થાનિક ગેસનો પુરવઠો અપૂરતો છે. પરિણામે, કંપનીએ આ તફાવતને પહોંચી વળવા માટે આયાતી સ્પોર્ટ રીગેસિફાઇડ લિક્વિફાઇડ નેચરલ ગેસ (RLNG) પર આધાર રાખવો પડે છે. સ્પોર્ટ RLNG ના ભાવમાં નોંધપાત્ર વધારો થતાં ખરીદી ખર્ચ વધી ગયો છે. ગ્રાહકોને અવિરત પુરવઠો મળતો રહે તે હેતુથી ગેસના વધેલા ખર્ચને આંશિક રીતે સરભર કરવા માટે આ ભાવવધારો કરવામાં આવ્યો છે.
દેશભરના મેટ્રોપોલિટન ગેસ વિતારકોમાં ભાવવધારાનો ટ્રેન્ડ
એમજીએલ દ્વારા કરવામાં આવેલો આ ભાવવધારો દિલ્હી-એનસીઆર (Delhi - NCR) માં ગેસ વિતરણ કરતી ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (Indraprastha Gas Limited - IGL) દ્વારા કરવામાં આવેલા તાજેતરના વધારાને અનુરૂપ છે. આઈજીએલે પણ તાજેતરમાં વધેલા ખરીદી ખર્ચને કારણે દિલ્હીમાં સીએનજીના દરમાં પ્રતિ કિલો રુપિયા ૩.૮૯ નો વધારો કરીને ભાવ રુપિયા ૮૬.૯૮ પ્રતિ કિલો કર્યો હતો.
મુંબઈના ટ્રાન્સપોર્ટ યુનિયનો અને પ્રવાસી સંગઠનોએ આ વધારા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને ચેતવણી આપી છે કે, બળતણના ભાવ વધવાથી સમગ્ર વિસ્તારમાં ઓટો-રિક્ષા અને ટેક્સીના ભાડા વધારવાનું દબાણ ઊભું થઈ શકે છે.
