Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > દાબેલીનો સાચો સ્વાદ માણવો હોય તો જોષીની દાબેલી ટ્રાય કરજો

દાબેલીનો સાચો સ્વાદ માણવો હોય તો જોષીની દાબેલી ટ્રાય કરજો

Published : 28 November, 2026 11:02 AM | IST | Kutch
Sanjay Goradia | sangofeedback@mid-day.com

અફકોર્સ એના માટે તમારે ભુજ કે માંડવી જવું પડે, પણ એ ધક્કો ત્યારે વસૂલ થાય જ્યારે તમે દાબેલીનો અસલી આસ્વાદ માણો, રોજ આજુબાજુનાં ગામમાં જવાનું અને પછી ત્યાંથી નીકળીને ભુજ આવવાનું.

દાબેલીનો સાચો સ્વાદ માણવો હોય તો જોષીની દાબેલી ટ્રાય કરજો

દાબેલીનો સાચો સ્વાદ માણવો હોય તો જોષીની દાબેલી ટ્રાય કરજો


અત્યારે મારી ફિલ્મનું શૂટિંગ કચ્છમાં ચાલે છે. ભુજ સિટીમાં પણ અને એની આજુબાજુમાં ગામોમાં પણ અમારે શૂટિંગ આવે પણ અમારે રહેવાનું ભુજમાં જ છે. રોજ આજુબાજુનાં ગામમાં જવાનું અને પછી ત્યાંથી નીકળીને ભુજ આવવાનું. હવે તમે કચ્છ ગયા હો અને કચ્છ જઈને તમે દાબેલી ન ખાઓ તો પછી ભુજ ગયાનો અર્થ શું? 
એવું સહેજ પણ નથી કે ભુજમાં દાબેલી સિવાય કંઈ મળતું જ નથી, બીજું ઘણું બધું મળે છે એટલે હું તમને આગામી દિવસોમાં એ બધી આઇટમનો આસ્વાદ પણ કદાચ કરાવીશ, પણ ભુજની વાત આવે એટલે મને તો સૌથી પહેલાં ત્યાંની પૉપ્યુલર દાબેલી જ યાદ આવે અને દાબેલી યાદ આવે એટલે મારા કરતાં પણ મારી અંદર રહેલા બકાસુરના પેટમાં ગલૂડિયાં બોલવા માંડે. આ અગાઉ મેં તમારા સુધી કચ્છની અલગ-અલગ દાબેલીનો આસ્વાદ પહોંચાડ્યો છે, પણ એ સિવાય પણ ખૂબ બધી જગ્યાઓ છે જ્યાં સરસ-સરસ દાબેલી મળે છે.
બન્યું એવું કે અમારે માંડવીથી આગળ નાની ખાખર ગામમાં શૂટિંગ માટે જવાનું હોય તો રોજ હું જાઉં ત્યારે જોઉં કે રસ્તામાં જોષી દાબેલીવાળાની લારી આવે અને તેને ત્યાં ટ્રાફિક જૅમ થઈ જાય. પછી ખબર પડી કે એ ટ્રાફિક જૅમ હતો એ જોષી દાબેલીવાળાને કારણે જ હતો. ત્યાં ગાડીઓની કતાર લાગી જતી, જેને લીધે ટ્રાફિક હતો એટલે પછી મને થયું કે આ જોષીવાળાને ત્યાં જવું જોઈએ અને તમને આપણી તો ખબર જ છે, ખાવાની વાત આવે અને મનમાં વિચાર આવે એટલે તરત અમલ કરવાનો.
હું, મારો સાથી કલાકાર ઓજસ રાવલ અને ચેતન દૈયા અમે ત્રણેય જણ ઊતર્યા. એ લોકો મારા જેટલા ફૂડી નહીં, પણ ફૂડી બનવા માટે પણ પાછા બિલકુલ તૈયાર હોય એવા. અમે તો પહોંચ્યા આ જોષીવાળાને ત્યાં.
હવે ત્યાં છેને જોષી દાબેલીમાં બે પ્રકારની દાબેલી મળે છે. એક સાદી દાબેલી અને બીજી ગરમ દાબેલી, જે પેલા બટરમાં બનાવે અને તવા પર ગરમ કરીને તમને આપે. આ જોષીવાળાની જે સીંગ હતી એ મસાલા સીંગની એક અલગ જ મજા છે મિત્રો. એની દાબેલી બહુ ગળી નહીં, આજકાલ છેને બધી દાબેલીમાં ગળપણ બહુ આવે છે. આમાં બિલકુલ ઓછું, કહો કે નામ પૂરતું જ ગળપણ હતું અને સહેજ તીખાશ હતી એટલે ખાવાની એવી મજા આવી કે ન પૂછો વાત. 
પહેલી દાબેલીનો આસ્વાદ માણી મેં તો મેનુ પર નજર કરી તો હું તો આભો રહી ગયો. દાબેલીની દસ-બાર આઇટમો હતી, જેમાં બટર દાબેલી, સાદી દાબેલી અને પછી ચીઝવાળી દાબેલી ને પછી જૈન દાબેલી ને ચીઝવાળી જૈન દાબેલી ને એવા તો અનેક પ્રકારો હતા. મજાની વાત એ હતી કે એની દુકાન હતી, પણ દાબેલીનો ધંધો જે છે એ લારી પર થાય એટલે એ લોકોએ બહાર એક સરસ મજાની લારી રાખી હતી, એકદમ ચોખ્ખીચણાક લારી, અને જે દુકાન હતી એમાં એ લોકો સીંગ, મસાલાવાળી સીંગનાં પૅકેટો પણ લોકોને વેચતા હતા અને દાબેલીનો મસાલો પણ વેચાતો હતો. મેં તો દુકાનમાં જઈને બધાના એક-એક પૅકેટ પણ લીધાં અને પછી એ લોકોને ખબર પડી કે ભાઈ આ તો કલાકારો છે બધા, એટલે ફોટો પડાવ્યા અને પૈસા પણ નહીં લીધા. જોકે સાચું કહું તો આવું બધું મને ગમતું નથી. જો મને મારા ‘મિડ-ડે’ના એડિટર ખાવા-પીવાના પૈસા આપતા હોય તો હું શું કામ કોઈને ત્યાં જઈને મફતમાં ખાઉં? પણ હવે આ લોકોનો પ્રેમ હતો એની સામે હું લાચાર હતો એટલે આ વખતે વાત મારે નાછૂટકે માનવી પડી. પણ એનો અર્થ એ નથી કે એ લોકોના સ્વાદની હું ખોટી તરફેણ કરું છું, ના, સહેજ પણ નહીં. એ લોકોનો સ્વાદ અદ્ભુત હતો અને એટલે જ તમને કહું છું કે જો મિત્રો, ક્યારેય પણ તમે ભુજ બાજુએ જાઓ તો ભુજથી માંડવી તરફ જતા રસ્તા પર માંડવી આવે એટલે તરત જ ત્યાં જોષીની દાબેલી આવે છે, એનો આસ્વાદ માણવાનું ભૂલતા નહીં. 
એટલો અદ્ભુત અને નૅચરલ સ્વાદ કે તમે આરામથી બે-ત્રણ દાબેલી તો ખાઈ જ લો અને ધારો કે એ તક ચૂકી ગયા તો ચોક્કસપણ અફસોસ પણ કરો. નામ યાદ રાખજો, જોષીની દાબેલી.


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2026 11:02 AM IST | Kutch | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK