અંધેરી-ઈસ્ટમાં મળતાં લતાઝ વડાપાંઉનો સ્વાદ એવો તે અદ્ભુત અને વરાઇટીઓનો તો જાણે રીતસરનો ઢગલો
સંજય ગોરડિયા
હમણાં મારે અંધેરી-ઈસ્ટમાં થોડું કામ હતું તો હું લોખંડવાલાની મારી ઑફિસથી નીકળીને રવાના થયો. રિટર્નમાં મને કકડીને ભૂખ લાગી એટલે મેં મારા ડ્રાઇવરને કહ્યું કે બરફીવાલા લેન સાથે કનેક્ટ કરતા ઓવરબ્રિજ પરથી ગાડી લેવાને બદલે નીચેથી લે જેથી કંઈક ખાવાનું મળી જાય. અમે હબટાઉન પાસે તેલી ગલી સિગ્નલ કૉર્નર પાસે પહોંચ્યા ત્યાં મારું ધ્યાન ગયું લતાઝ વડાપાંઉ નામના ફૂડ-સ્ટૉલ પર અને મારા મનમાં વિચાર ઝબકી ગયો.
આપણા મુંબઈના સ્ટ્રીટ-ફૂડને બ્રૅન્ડ બનાવવાનું કામ બહુ ઓછા લોકોએ કર્યું છે ત્યારે નાનકડી દુકાનના માલિકને આવું મન થયું તો ચોક્કસ એની આઇટમમાં કંઈક ખાસ હશે. મેં તો ડ્રાઇવરને કહ્યું માર બ્રેક અને અમે બન્ને પહોંચ્યા લતાઝ વડાપાંઉની દુકાને અને ભીડ કહે મારું કામ. મોટા ભાગે સ્વિગી અને ઝોમાટોવાળા છોકરાઓ હતા. હું સમજી ગયો કે આમને ત્યાંથી માલ બહાર પણ જતો હશે. મેં બોર્ડ પર નજર કરી તો એક વાક્ય વાંચ્યું ઃ લતાબાઈચા સુપ્રસિદ્ધ વડા.
ADVERTISEMENT
મેં તો મેનુ પર નજર નાખી ને હું આભો રહી ગયો. જાતજાતનાં વડાપાંઉ અને એ પણ અલગ-અલગ ટેસ્ટનાં. મેં તમને અગાઉ કહ્યું છે એમ, જો કોઈ જગ્યાનું ઍનૅલિસિસ કરવું હોય તો બેસ્ટ એ કે તમે ત્યાંની સાદામાં સાદી આઇટમ મગાવો. મેં રેગ્યુલર વડાપાંઉ મગાવ્યાં. મને કહેવામાં આવ્યું કે પાંચેક મિનિટ લાગશે અને પછી મેં જોયું કે જે ભાઈ હતા તેણે ગુલાબ સીંગતેલની કોથળીઓ તોડીને તાવડામાં રેડવાનું શરૂ કર્યું. આપણે ત્યાં સ્ટ્રીટ-ફૂડમાં સામાન્ય રીતે સીંગતેલ વાપરવામાં નથી આવતું. એ થોડું મોંઘું પડે પણ જે સીંગતેલ વાપરે છે તે પોતાના કસ્ટમરની હેલ્થનો વિચાર કરે છે એ વાત મારા મનમાં ઘર કરી ગઈ છે. લતાઝમાં સીંગતેલનો વપરાશ જોઈને હું રાજી થઈ ગયો. મિત્રો, વાત આગળ વધારતાં પહેલાં કહું, તમે જેના તાવડામાં કાળુંમસ થયેલું તેલ જુઓ ત્યાં ખાવાનું ટાળજો. આ બળી ગયેલું કે દાઝી ગયેલું તેલ સ્વાસ્થ્ય માટે બહુ હાનિકારક છે. તમે માનશો નહીં પણ અગાઉ બે વખત વપરાયું હોય એવું તેલ વેચવાનું પણ એક મોટું માર્કેટ છે. હા, બીજી હોટેલમાં વપરાયેલું તેલ બજારમાં વેચાતું હોય છે. ઍનીવેઝ, આપણે લતાઝ વડાપાંઉની વાત આગળ વધારીએ.
મારું રેગ્યુલર વડાપાંઉ તૈયાર થતું હતું એટલે મેં સહજ રીતે જ એમાં નજર નાખી. આ જે વડાપાંઉ હતું એમાં તીખી-મીઠી ચટણી, આપણી જાણીતી પેલી લસણની સૂકી ચટણી તો હતાં જ પણ વડું મૂક્યા પછી એના પર સમારેલા કાંદા અને એની ઉપર મકાઈનો ચેવડો નાખવામાં આવ્યો. આ જે ચેવડો હતો એ પણ લતાઝ વડાપાંઉમાં જ તૈયાર કરવામાં આવે છે. આ જે કાંદા અને મકાઈનો ચેવડો હતા એ ગેમ-ચેન્જર હતાં. ખાવાની બહુ મજા આવે અને ટેસ્ટ પણ એકદમ ઑથેન્ટિક હતો એટલે પછી મેં તો ડ્રાઇવરને કહ્યું કે ચાલો ભાઈ, હવે તૂટી પડીએ.
એ પછી અમે ત્રણચાર બીજાં અલગ-અલગ વડાપાંઉ મગાવ્યાં, પણ મારે એમાંથી તમને એક ચીઝ બર્સ્ટ વડાપાંઉની વાત કરવી છે. આ જે ચીઝ બર્સ્ટ વડાપાંઉ છે એ બનાવવાની જે રીત હતી એ અદ્ભુત છે. વડા માટે બટાટાનો જે માવો લેવામાં આવે એ અમુલ ચીઝની સ્લાઇસમાં રોલ કરીને પછી એ ચીઝવાળો બૉલ ચણાના લોટમાં ઝબોળી એને તળવામાં આવે અને પછી એના પર બધી ચટણી, કાંદા અને મકાઈનો ચેવડો નાખીને તમને આપે. તમને ચીઝ ક્યાંય દેખાય નહીં પણ જેવું તમે એક બાઇટ લો કે બીજી જ સેકન્ડે તમારા મોઢામાં પેલું વડાની અંદર રહેલું ચીઝ આવે. ગરમ થવાના કારણે ચીઝ મેલ્ટ થયું હોય એટલે તમને રીતસર એનું લિક્વિડ ટેસ્ટ કરવા મળશે.
ચીઝ બર્સ્ટ વડાપાંઉની રીત જોવાની મને મજા આવી ગઈ અને સ્વાદ પણ એનો અદ્ભુત હતો. એ પછી તો અમે અલગ-અલગ ભજ્જીપાંઉ પણ ટ્રાય કર્યાં. બધાનો સ્વાદ અદ્ભુત, ઑથેન્ટિક અને સૌથી અગત્યની વાત, બધામાં મકાઈના ચેવડાનું મિશ્રણ. વાત કરતાં મને ખબર પડી કે કાઉન્ટર પર જે ભાઈ હતા એ લતાઝ વડાપાંઉવાળાં લતાબહેનના દીકરા હતા. તેમણે કહ્યું કે મારા બાપુજીની નોકરી છૂટી ગઈ પછી મારાં મમ્મીએ ઘરની જવાબદારી સંભાળી અને આ વડાપાંઉ સ્ટૉલ શરૂ કર્યો, જે અમે હવે આગળ વધારીએ છીએ. મકાઈના ચેવડાનું શું રહસ્ય છે એની તો તેમને પણ ખબર નહોતી. તેમણે એટલું કહ્યું કે વર્ષોથી અમે આમ જ મમ્મીને વડાપાંઉ વેચતાં જોતા આવ્યા છીએ અને હવે અમે પણ એ જ રીતે લોકોને ખવડાવીએ છીએ.
કારણ જે હોય એ, સ્વાદ અદ્ભુત અને ક્વૉલિટી પણ સુપર્બ. ગૂગલબાબાની આંગળીએ લતાઝ વડાપાંઉમાં પહોંચી જજો. જરા પણ નિરાશ નહીં થાઓ.

