પનીરથી લઈને પીત્ઝા સુધીનાં લગભગ ૩૦ જેટલી વરાઇટીનાં ખમણ-ઢોકળાં મુલુંડના જલારામ ખમણ માર્ટમાં મળી રહ્યાં છે. આ સિવાય બીજા ગુજરાતી નાસ્તા મળે છે એ અલગ
ખમણ-ઢોકળાં લવર્સ, આ જગ્યા તમારા માટે છે
ખમણ-ઢોકળાંનું નામ સાંભળીને મોઢામાં પાણી ન આવે તો તે ગુજરાતી ન કહેવાય એવું કહેવામાં આવે છે. જો તમને પણ મોં પાણી આવી ગયું હોય તો મુલુંડની આ જગ્યાએ તમને મજા પડી જશે. એનું એક કારણ એ કે અહીં લગભગ ૫૦ વર્ષથી ખમણ-ઢોકળાં વેચાય છે જે એની લોકપ્રિયતા બતાવે છે અને બીજું કારણ એ કે અહીં એકબે નહીં પણ ૨૫ કરતાં પણ વધુ વરાઇટીનાં ખમણ-ઢોકળાં મળે છે.
મુલુંડ વેસ્ટમાં આવેલું જલારામ ખમણ માર્ટ અડધી સદી જૂનું છે. માર્કેટમાં જાતજાતની ફૂડ-આઇટમ્સ અને ઍટ્રૅક્ટિવ શૉપ આવી ગઈ હોવા છતાં આ ખમણ હાઉસે હજી એનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે એ જ એની પ્રસિદ્ધિ છે. અહીંના ફૂડની વાત શરૂ કરીએ તો શૉપના નામ પ્રમાણે અહીંનાં ખમણ અને ઢોકળાં ખૂબ જ ફેમસ છે. ખમણ અને ઢોકળાંમાં ઘણીબધી વરાઇટી અહીં મળી જશે. જેમ કે સૅન્ડવિચ ઢોકળાં, વાટીદાળ ઢોકળાં, વાઇટ ઢોકળાં જેવાં જાણીતાં નામનાં ખમણ-ઢોકળાં તો મળે જ છે પણ આ ઉપરાંત અહીં સેઝવાન ઢોકળાં, દાબેલી ઢોકળાં કે જે બહુ ઓછી જગ્યાએ મળે છે એ પણ અહીં મળે છે. તમે ક્યારેય પનીર ઢોકળાં, મલાઈ ઢોકળાંનું નામ સાંભળ્યું છે? ચાલો એ જવા દો, તમે પીત્ઝા ઢોકળાં ઉર્ફે પીત્ઝા ખમણ વિશે સાંભળ્યું છે? નહીંને? પરંતુ આ નહીં સાંભળેલી અથવા તો લગભગ ઓછી સાંભળેલી ખમણ-ઢોકળાંની વરાઇટી અહીં તમને મળી જશે.
ADVERTISEMENT
ખમણ-ઢોકળાં ઉપરાંત અહીંનું અમીરી ખમણ એટલે કે સેવખમણી પણ એટલું જ પ્રખ્યાત છે. આમ તો ખમણ હાઉસ છે પરંતુ લોકો અહીં વધારે ગરમ-ગરમ અમીરી ખમણ ખાવા માટે આવે છે. કંઈક યુનિક ટ્રાય કરવું હોય તો દહીં ખમણ ચાટ ટ્રાય કરી શકાય જે ખમણ, દહીં, તીખી-મીઠી ચટણી, સેવનું કૉમ્બિનેશન છે. આ ઉપરાંત સૂકા નાસ્તામાં પણ અહીં પુષ્કળ ઑપ્શન સાથે મળે છે.
ક્યાં આવેલું છે? : જલારામ ખમણ માર્ટ, સંઘવી ચાલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રોડ, મુલુંડ (વેસ્ટ)

