ગુજરાતી ભોજનમાં તો ગળપણ હોય જ. મીઠાઈઓ તો ઠીક, દાળ-શાકમાં પણ ભરપૂર સાકર જાય અને ચા-કૉફી પણ રબડી જેવાં ગળ્યાં હોય. આજે મળીએ મુંબઈના કેટલાક એવા ગુજરાતી પરિવારોને જેમણે વર્ષો પહેલાં જ શુગરને ઑલમોસ્ટ ગુડબાય કરી દીધું છે
સાકરના ભાવ દસગણા થઈ જશે તો પણ આ પરિવારોને કોઈ પ્રૉબ્લેમ થશે નહીં
તહેવારો આવે એટલે ઘરમાં સૌથી પહેલાં સાકર ભરવામાં આવે, કેમ કે તહેવારો મીઠાઈ વગર અધૂરા લાગે છે. જોકે આ વખતે કમોસમી વરસાદ, વધુપડતી નિકાસ અને બીજાં અનેક કારણોસર સાકરના ઉત્પાદન પર વિપરીત અસર પડી છે અને સ્ટૉક ઘટી ગયો છે. ઘટેલા સ્ટૉકની સામે માર્કેટમાં એની ડિમાન્ડ પણ વધી છે. આવી સ્થિતિમાં સાકરના ભાવ છેલ્લા થોડા દિવસથી સતત વધી રહ્યા છે અને આગામી દિવસોમાં હજી વધવાની શક્યતા નકારી શકાતી નથી. એટલે તહેવારો વખતે દુકાળમાં અધિક માસ જેવી હાલત થઈ ગઈ છે. જોકે કેટલીક એવી ફૅમિલી પણ છે જેમને દુકાળમાં અધિક માસ એટલે કે તહેવારોમાં શુગરના ભાવવધારાનો માર સહન કરવો નહીં પડે. મુંબઈમાં એવા કેટલાક ગુજરાતી પરિવારો છે જેઓ સાકરનો ઉપયોગ કરતા જ નથી. તેમના ઘરમાં આખા વર્ષમાં માંડ બે કિલો સાકર આવે છે, એ પણ મહેમાનો માટે.
મારી દીકરીને મેં શુગર ચખાડી જ નથી : નેહા વશી
ADVERTISEMENT
સાકરનો અત્યારે શું ભાવ ચાલે છે એ પણ અમને ખબર નથી, કેમ કે અમને એની જરૂર જ પડતી નથી એમ જણાવતાં બોરીવલીમાં રહેતાં નેહા વશી કહે છે, ‘ઘરમાં ૬ મહિને એક કિલો સાકર આવે છે. અમે ઘરમાં ૩ જણ છીએ - હું, મારા હસબન્ડ અને મારી ડૉટર અને અમે ત્રણે જણ શુગર ખાતાં નથી. ૧૨ વર્ષ પહેલાં અમે શુગર છોડી દીધી હતી. અમને ડાયાબિટીઝ નથી છતાં અમે શુગર છોડી દીધી છે. સૌથી વધારે શુગર ચા મારફત જ શરીરમાં જતી હોય છે એટલે અમે સૌથી પહેલાં ચા જ બંધ કરી દીધી હતી. પછી ધીરે-ધીરે અમે દરેક વસ્તુમાંથી શુગર બાદ કરી દીધી હતી. શુગરને બદલે અમે ફ્રૂટ અને દૂધનો જ ઉપયોગ કરીએ છીએ. અત્યારે ફેસ્ટિવલ શરૂ થઈ ગયા છે એટલે અમે સ્વીટમાં ફ્રૂટસૅલડ જ બનાવીએ, જેમાં હું સાકરને બદલે કેળાં અને સીતાફળની પેસ્ટ નાખી દઉં છું. મારી ડૉટરને પણ મેં ડાર્ક ચૉકલેટની આદત પાડી છે એટલે નૉર્મલ ચૉકલેટને તે હાથ પણ લગાડતી નથી.’
સાકરના ભાવ સાથે અપડેટ રહેવાની અમને જરૂર પડી જ નથી : પૂજા શાહ
સાકર આમ પણ હેલ્થ માટે સારી નથી અને એને ખાવાથી શરીરને કોઈ ફાયદો પણ થવાનો નથી એમ જણાવતાં વિલે પાર્લેમાં રહેતાં પૂજા શાહ કહે છે, ‘મારા હસબન્ડ પહેલેથી ફિટનેસપ્રેમી છે. તેમને ડાયાબિટીઝ અત્યારે તો નથી, પણ તેમનાં મમ્મીને હોવાથી તેઓ અગાઉથી જ સચેત થઈ ગયા હતા એટલે તેમણે વર્ષોથી શુગર છોડી દીધી છે. તેમની સાથે મને પણ શુગરની આદત છૂટી ગઈ છે. અમારી દીકરીને પણ અમે શુગરની આદત પાડી જ નથી. તે જન્મી ત્યારથી લઈને આજ સુધી તેને અમે શુગર ચખાડી જ નથી. શુગરને બદલે અમે નૅચરલ સ્વીટનેસ આપતી વસ્તુ ઉમેરતા, જેમ કે ખજૂર, અંજીર, ઍપલ વગેરે. ગોળ અને ખડી સાકર પણ અમે નથી વાપરતા. સ્વીટ પણ ઘરે બને એ અંજીર અને ખજૂરમાંથી જ બને. એટલે ઘરે સાકર લાવવાની જરૂર પડતી જ નથી. રસોડામાં એક ખૂણામાં ડબ્બામાં અમારી સાકર મૂકેલી છે જે મહેમાનો આવે ત્યારે જ ખૂલે છે. એટલે સાકરના ભાવ સાથે અમે ક્યારેય અપડેટ રહ્યા જ નથી.
ઘરે મહેમાન આવે ત્યારે જ અમારે ત્યાં સાકર વપરાય : નીપા ગઢિયા
કાંદિવલીમાં રહેતાં નીપા ગઢિયા કહે છે, ‘અમારા ઘરે સાકરનો ઉપયોગ થતો જ નથી એટલે અમને અત્યારના સાકરના ભાવવધારાની કોઈ અસર પડી નથી. ગઈ કાલે મારી ફ્રેન્ડ ઘરે આવી ત્યારે તેના માટે ચા બનાવવા મેં બે મહિના પછી સાકરનો ડબ્બો ખોલ્યો. હું જ નહીં, મારા હસબન્ડ અને મારાં ત્રણે બાળકો શુગરનો ઉપયોગ નહીંવત્ કરે છે. બન્ને છોકરાઓ ચા સાકર વગરની પીએ છે અને મારી છોકરી તો બ્લૅક કૉફી જ પીએ છે. રસોઈમાં પણ અમે સાકર નથી વાપરતા, એને બદલે ગોળનો ઉપયોગ કરીએ છીએ. તહેવારોમાં ઘરમાં મીઠાઈ બને તો એ પણ ગોળની જ બને. ઘરે કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે સ્વીટ લાવીએ તો અમે એમાંથી ચાખી લઈએ. બાકી સ્પેશ્યલ મીઠાઈ અમે ક્યારેય ઘરે ખાવા માટે લાવ્યા નથી. દિવાળીમાં પણ ઘરે સ્વીટ આવે તો અમે એને બીજાને ડિસ્ટ્રિબ્યુટ કરી દઈએ છીએ. ૩ મહિનામાં અમારા ઘરે એક કિલો સાકર જ વપરાય છે, એ પણ મહેમાનો આવે તેમના માટે જ રાખી છે. હવે એવું થઈ ગયું છે કે અમે શુગરવાળી કોઈ વસ્તુ ખાઈએ તો અમને ભાવતી નથી. નવરાત્રિમાં અમે ઘરે માતાજીનો ગરબો લાવીએ છીએ એટલે અમે રોજ પ્રસાદ પણ ચડાવીએ છીએ. પ્રસાદમાં પણ અમે સાકરનો ઉપયોગ કરતા નથી.’
લગભગ ૧૫ વર્ષથી ઘરમાં કોઈ ખાતું નથી: બીના પારેખ
પ્રોસેસ્ડ ફૂડ એટલે કોઈ પણ એવો ખોરાક જેને મૂળ સ્વરૂપમાંથી વિવિધ કૃત્રિમ પદ્ધતિ દ્વારા બદલીને તૈયાર કરવામાં આવે છે જે સ્વાસ્થ્યનાં જોખમો સાથે જોડાયેલો છે. સાકર પણ પ્રોસેસ્ડ ફૂડ છે એટલે જેઓ પ્રોસેસ્ડ ફૂડ નથી ખાતા તેઓ સાકરનો ઉપયોગ કરવાનું ટાળે છે એમ જણાવીને સાંતાકુઝમાં રહેતાં બીના પારેખ કહે છે, ‘અમે કોઈ પણ પ્રકારનું પ્રોસેસ્ડ ફૂડ ખાતા નથી એટલે સાકર ખાવાનો તો કોઈ સવાલ આવતો જ નથી અને એટલે એના ભાવની પણ અમને કોઈ ચિંતા રહેતી નથી. ઘરમાં માત્ર સ્ટાફ અને મહેમાનો માટે જ સાકર આવે છે. અમે તો વર્ષો પહેલાં જ સાકર છોડી દીધી હતી. મને જ્યારે ખબર પડી કે પ્રોસેસ્ડ ફૂડ શરીરને ઘણું નુકસાન કરી શકે છે ત્યારથી મેં એ ખાવાનું બંધ કરી દીધું હતું. આ ઉપરાંત મને એવું લાગ્યું કે શુગર ઍડિક્ટિવ વસ્તુ છે જેની શરીરને આદત લાગી શકે છે એટલે લગભગ ૧૫ વર્ષથી અમે ઘરમાં કોઈ શુગર ખાતા નથી. એને લીધે અમને બૉડીમાં પણ ઘણું સારું લાગે છે.’
સાકરનો પર્યાય દેશી ગોળ જ બેસ્ટ છે : અનિલ દેસાઈ
કાંદિવલી-વેસ્ટમાં રહેતા અનિલ દેસાઈ કહે છે, ‘મને ડાયાબિટીઝ નથી છતાં હું સાકર બિલકુલ લેતો નથી. મેં ચા અને દૂધ પણ છોડી દીધાં છે. સાકરમાં સલ્ફર આવે છે જે શરીરને નુકસાન કરે છે. અમુક કંપનીઓ સલ્ફર વિનાની સાકર ઑફર કરે છે, પરંતુ ગમે એમ સાકર તો નુકસાનકારક જ છે એટલે એ સાવ બંધ જ કરી દીધી. સાકર બંધ કરી દેવાથી શરીરમાં ઘણું સારું લાગે છે અને મારા વજનમાં ઘટાડો થયો છે. મારા છોકરા અને વહુ પણ સાકર વગરની ચા પીએ છે અને દરેક વસ્તુમાં શુગર અવૉઇડ કરે છે. માત્ર મારી પત્ની દિવસમાં એક જ વખત સાકરવાળી ચા પીએ છે. સાકરને લીધે અમે ઠંડાં પીણાં લાવવાનું પણ ટાળીએ છીએ. ઘરની રસોઈ દાળ, શાક અને બીજી કોઈ પણ વાનગીમાં ફક્ત કેમિકલ વગરનો દેશી ગોળ હોય છે જે અમારા ગામમાં બનાવવામાં આવે છે. એ ગોળ અમે આખા વર્ષનો ભરી લઈએ છીએ. ૧ કિલો ખાંડ અમને બે મહિના ચાલે છે એટલે આજે સાકરના કિલોના ૧૦૦ રૂપિયા પણ થાય તો અમને કોઈ ફરક નથી પડતો.’
