નવરાત્રિમાં ઘઉં, ચોખા, દાળ, કઠોળ અને શાકભાજીને બદલે રાજગરો, સામો, શિંગોડા, કુટ્ટો, શિંગદાણા જેવા ખાદ્ય પદાર્થો ખાવાની આપણી પરંપરા રહી છે. આ ચેન્જ ઑફ ફૂડ સુપર ટેસ્ટી જ નહીં, સુપર હેલ્ધી પણ છે.
પ્રતીકાત્મક તસવીર
ભારતીય સંસ્કૃતિમાં દરેક પરંપરા અને નિયમ પાછળ કોઈ ને કોઈ વિજ્ઞાન છુપાયેલું હોય જ છે. નવરાત્રિના ઉપવાસમાં એક પ્રકારે ખોરાક આખો બદલાઈ જાય છે. દરરોજ ખવાતાં ધાન્ય એટલે કે ઘઉં, ચોખા, દાળ કે કઠોળથી એક પ્રકારે બ્રેક મળે છે અને એની જગ્યાએ રાજગરો, સામો, શિંગોડા, કુટ્ટો, શિંગદાણા ખાવામાં આવે છે. તેલની જગ્યાએ ઘીનો પ્રયોગ, સાદા મીઠાની જગ્યાએ સિંધવનો પ્રયોગ, સૂકા મસાલાઓને બદલે લીલા મસાલાઓનો પ્રયોગ કરીને એક પ્રકારે જે દરરોજ ખાઈએ છીએ એના કરતાં એકદમ જુદા પ્રકારે તૈયાર થયેલું અન્ન આપણે ખાવાનું હોય છે. બદલાવને હંમેશાં ઊજવનારી આપણે પ્રજા છીએ, પછી એ ઋતુમાં બદલાવ હોય કે ખોરાકમાં. ઘણા લોકો નવરાત્રિના ઉપવાસ ફક્ત એટલે કરે છે કે આ બધું ખાવા મળે. મોટા ભાગનાં ઘરોમાં ઉપવાસ ૧-૨ જણનો હોય પણ આ વાનગીઓ મન ભરીને બધા જ ખાતા હોય છે. એવું શું છે આ બદલાયેલા ખોરાકમાં કે એને અપનાવવો જોઈએ? કઈ રીતે હેલ્થની દૃષ્ટિએ એ બેસ્ટ છે એ સમજવાની કોશિશ કરીએ.
શરદ ઋતુમાં આવતી આ નવરાત્રિ ચોમાસાથી શિયાળા તરફ આપણને લઈ જાય છે. સીઝનમાં આવતા આ ફેરફારો સમયે રોગપ્રતિકારક શક્તિ ઘણી જ ઘટી જાય છે. આવા દિવસોમાં ઉપવાસ તમારી મંદ સિસ્ટમને ફરી સક્રિય કરવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે. જો તમે સારી રીતે આ નવ દિવસના ઉપવાસ કરી જાણો તો એનાથી જઠર સાફ થાય છે, મન શાંત થાય છે, શરીરને પોષણ મળે છે અને આત્મિક રીતે પણ એનું ઉત્થાન થાય છે. નવરાત્રિમાં પરંપરાગત રીતે જે ધાન્ય અને ખાદ્ય પદાર્થો ખાવામાં આવે છે એ પોષણની દૃષ્ટિએ પણ ઘણા જ ઉપયોગી છે. એ બધામાં કૉમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ છે. ફાઇબર ભરપૂર માત્રામાં છે અને પ્રોટીનનું પ્રમાણ પણ ઘણું સારી માત્રામાં મળી રહે છે જે એક રીતે હળવો ખોરાક છે. પચવામાં હલકો છે. એ લેવાથી વ્યક્તિનું એનર્જી-લેવલ જળવાઈ રહે છે. એમાંથી આયર્ન, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ સારી માત્રામાં મળી રહે છે. આ એક પ્રકારથી કુદરતી રીતે થતા ડીટૉક્સિફિકેશનને પ્રમોટ કરે છે.
ADVERTISEMENT
સામો
સામો એક પ્રકારનું મિલેટ છે જેને બાર્નયાર્ડ મિલેટ કહેવાય છે. સામાને ગુજરાતીમાં મોરૈયો પણ કહેવાય છે. એના ગુણો જણાવતાં મીનલ ભાનુશાલી કહે છે, ‘સામો અત્યંત સુપાચ્ય છે. વળી સામામાંથી અઢળક વાનગીઓ બની શકે છે જેમ કે પુલાવ, ખીચડી, ઢોસા, ખીર વગેરે. એમાંથી પ્રોટીન પણ સારું મળે છે. સામો આદર્શ રીતે રાત્રિના ભોજનમાં ખવાય છે. એનાથી એ હળવું રહે છે. લોકોને ઉપવાસમાં વધુ બ્લોટિંગ થઈ જાય કે ઍસિડિટી વધે તેમણે સામો ટ્રાય કરવો. એનાથી આવી તકલીફ નહીં થાય.
ઘણા લોકોને એ તકલીફ હોય છે કે વ્રતમાં વ્યવસ્થિત જમતા પણ નથી છતાં ઉપવાસ પતે ત્યાં સુધીમાં વજન ખૂબ વધી જાય છે.
શિંગોડા
પાણીમાં ઊગતું અતિ ગુણકારી ફળ એટલે શિંગોડા. કાચા શિંગોડાથી લઈને એના લોટ સુધી દરેક વસ્તુ વ્રતમાં ખવાતી હોય છે. એ વિશે વાત કરતાં મીનલ ભાનુશાલી કહે છે, ‘શિંગોડામાં કૅલરી ઘણી ઓછી હોય છે. વજનને કન્ટ્રોલમાં રાખવા એ મદદરૂપ છે. એમાં ફાઇબર અને પ્રોટીનની માત્રા ઘણી વધારે રહે છે. એ ખાવાથી ભૂખ સંતોષાય છે. એનર્જી જળવાઈ રહે છે. આ પણ ગ્લુટન ફ્રી છે. શિંગોડાં કાચાં સૌથી સારાં. એને સાંતળીને ખાઈ શકાય. આ સિવાય એના લોટમાંથી પહેલાંના લોકો શીરો બનાવતા. એ હેલ્ધી જ છે પણ એનું પ્રમાણ ઓછું રાખવું. એની પણ રોટલી કે પરોઠું સારું જ બને. આ સિવાય ઢોસા પણ બનાવી શકાય. શિંગોડાના લોટની કઢી પણ હેલ્ધી ઑપ્શન છે જે સામાની ખીચડી સાથે ખવાય.’
રાજગરો
એને અમરંથ પણ કહે છે. આજકાલ એને સુપરફૂડ તરીકે ગણવામાં આવે છે પણ હકીકતે એ આપણી પરંપરામાં વર્ષોથી છે અને ઉપવાસમાં પેઢીઓથી એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એ ખાવાથી પેટ ભરાયેલું લાગે છે. એ વિશે વાત કરતાં મીનલ ભાનુશાલી કહે છે, ‘આ એક કમ્પ્લીટ પ્રોટીન સોર્સ છે જેમાં જરૂરી અમીનો ઍસિડ રહેલાં છે. શાકાહારી ખોરાકમાં અમુક ખાસ ખોરાકમાંથી જ એ મળે છે અને રાજગરો એમાંનો એક ખોરાક છે. એમાં આયર્ન અને કૅલ્શિયમ પણ ભરપૂર માત્રામાં રહેલાં છે જે હાડકાંને મદદ કરે છે અને લોહીના પરિભ્રમણને સારું કરે છે. રાજગરામાં પણ ગ્લુટન હોતું નથી એટલે એ ઘઉંની જગ્યાએ વાપરી શકાય એવું સારું રિપ્લેસમેન્ટ છે. રાજગરાની રોટલી સરસ બને છે. પૂરીને બદલે રોટલી-પરોઠા હેલ્ધી ઑપ્શન છે. એમાં ગ્લુટન નથી હોતું એટલે બાઇન્ડિંગ માટે ગરમ પાણી વાપરો. તકલીફ પડે તો બાફેલું બટેટું પણ એમાં ઉમેરી શકાય.’
કુટ્ટો અથવા કુટ્ટીનો દારો
મોટા ભાગની ભારતીય ભાષાઓમાં એને કુટ્ટુ કહેવાય છે અને અંગ્રેજીમાં એને બકવીટ કહેવાય. એ ધાન્ય જેવી પ્રૉપર્ટી ધરાવે છે પણ ધાન નથી, એ ફળનું બીજ છે. એટલે એમાં ગ્લુટન નથી હોતું. જેમને ઘઉં નથી સદતા તેમના માટે આ એક આદર્શ ખોરાક સાબિત થઈ શકે છે. એના બીજા ફાયદાઓ વિશે વાત કરતાં ન્યુટ્રિશનિસ્ટ મીનલ ભાનુશાલી કહે છે, ‘કુટ્ટુમાં પ્રોટીનની માત્રા ઘણી વધારે હોય છે જે તમારા સ્નાયુઓને મજબૂત બનાવવા જરૂરી છે એટલું જ નહીં, ફાઇબર પણ વધુ પ્રમાણમાં હોય છે જેથી પાચનને બળ મળે છે. કુટ્ટુનો લોટ મળતો હોય છે જેના ચીલા કે ઢોસા બનાવીને ખાઈ શકાય, જે હેલ્ધી ઑપ્શન છે.’
સાબુદાણા - હેલ્ધી કે અનહેલ્ધી?
ઉપવાસમાં સાબુદાણા પણ ખૂબ ખવાય છે. ઘણા લોકો તો ઉપવાસ ન કરતા હોય પણ સાબુદાણાની ખીચડી કે વડાં ખાવા માટે ઉપવાસ કરવા તૈયાર થઈ જતા હોય છે. મહારાષ્ટ્રમાં તો આમ પણ સાબુદાણાની ખીચડી, વડાં અને થાળીપીઠ બધાને ખૂબ જ ભાવતી વાનગીઓ છે. ઉપવાસમાં એ કેમ ખાવામાં આવે છે એ વિશે વાત કરતાં ન્યુટ્રિશનિસ્ટ કેજલ શાહ કહે છે, ‘સાબુદાણા એ કાર્બોહાઇડ્રેટનો મુખ્ય સ્રોત છે. ઉપવાસમાં ખાવાની પ્રથા પણ એટલે જ બની હશે કે આખો દિવસ વ્યક્તિની એનર્જી જળવાઈ રહે. જે લોકો ૩-૪ કલાક ભરપૂર ગરબા રમવાના હોય તેમણે ચોક્કસ સાબુદાણા ખાઈને ગરબા રમવા જવું જેથી રમવા માટે પૂરી એનર્જી એમાંથી મળી શકે. એમાં થોડી માત્રામાં કૅલ્શિયમ અને આયર્ન પણ છે. ઉપવાસ દરમિયાન માનસિક રીતે સજાગ રહેવું જરૂરી છે. તો જ પૂરા સ્પિરિચ્યુઅલ ફાયદાઓ તમને મળે. એ માટે પણ સાબુદાણામાંથી મળતી એનર્જી ઉપયોગી છે.’
જોકે ઘણી વાર સાબુદાણાને હેલ્ધી માનવામાં આવતા નથી કારણ કે કહેવાય છે કે એમાં કૅલરી ઘણી વધુ માત્રામાં છે. આ બાબતે વાત કરતાં કેજલ શાહ કહે છે, ‘ઉપવાસમાં જેટલું તમારે લાઇટ ફીલ કરવું જોઈએ એ સાબુદાણા ખાઈને ફીલ નહીં થાય. જે લોકો ૨-૩ કલાક ગરબા નથી રમવાના તેમણે સાબુદાણા ન ખાવા જોઈએ કારણ કે હાઈ ચાન્સ છે કે એ એનર્જી ન વપરાવાને કારણે ફૅટમાં કન્વર્ટ થાય. વળી એમાં પણ સાબુદાણા વડાં તો બિલકુલ ખાવાં જ ન જોઈએ કારણ કે કૅલરીમાં ઘણો વધારો થઈ જશે, જે પચાવવી અને વાપરવી બન્ને અઘરી છે. જો છતાં ભાવતાં હોય અને ખાવાં હોય તો દિવસના સમયે અને થોડા પ્રમાણમાં સાબુદાણા ખાઈ શકાય.’

