નવસારીના ઓમ હરભોલે ફરસાણની આ જ બ્યુટી છે કે તમે ઑર્ડર આપો એટલે એ તમારા માટે બનાવવાનું શરૂ કરે
તાવડામાંથી સમોસા-પૅટીસ સીધાં તમારા હાથમાં
ટેક્નિકલી આપણે ત્રણ અઠવાડિયાં પછી મળીએ છીએ પણ તમને ખબર છે એમ, મારે હાર્ટમાં સ્ટેન્ટ મુકાવવાની હતી એટલે સર્જરી અને એ પછી રેસ્ટમાં પડ્યો હતો. જોકે મને પથારીમાં પડ્યા-પડ્યા વિચાર તો એ જ આવતો હતો કે ક્યારે બહાર નીકળું અને ક્યારે કંઈક ખાઉં અને ખાઈને એનો આસ્વાદ તમારા સુધી પહોંચાડું.
મોકો મળ્યો ગયા અઠવાડિયે નવસારી જવાનો. બન્યું એમાં એવું કે નવસારીમાં મારે એક દાંડિયામાં ચીફ ગેસ્ટ તરીકે જવાનું હતું એટલે મેં તો પહેલેથી જ નક્કી કરવા માંડ્યું હતું કે હું શું-શું ખાઈશ. જોકે એક વાત કહી દઉં, હવે મને ઘણીબધી ચીજવસ્તુઓ ખાવાની મનાઈ આવી ગઈ છે તો સાથોસાથ ઘણી આઇટમો ખાવા પર મારે લિમિટ રાખવાની છે પણ મિત્રો, મેં તો ડૉક્ટરને પણ કહ્યું છે કે હું ક્યાં મારા માટે ખાઉં છું, હું તો તમારા માટે ખાઉં છું એટલે ખાવાનું તો ચાલુ જ રાખીશ.
ADVERTISEMENT
મને સ્ટેશન પર લેવા માટે ઍક્ટર હર્ષિલ દેસાઈ આવ્યો હતો. હર્ષિલે મારાં ઘણાં નાટકોમાં કામ કર્યું છે તો કલર્સ ગુજરાતી પર પણ તેણે લીડ હીરો તરીકે ત્રણેક સિરિયલો કરી છે. હર્ષિલ મૂળ નવસારીનો. મને જેવો તે મળ્યો કે મેં તેને તરત જ કહી દીધું કે ભાઈ, મને કકડીને ભૂખ લાગી છે. પહેલાં મને તું ઓમ હર ભોલે ફરસાણમાં લઈ જા. આ દુકાન નવસારીની મુખ્ય બજારમાં આવેલી છે. બહુ ભીડવાળો એરિયા એટલે જો તમારે જવું હોય તો ગાડી લઈને જવાનું ટાળવું. એના કરતાં રિક્ષા કરી લેવી, ગાડીનું પાર્કિંગ શોધવાની કડાકૂટ જ નહીં.
ઓમ હર ભોલે ફરસાણમાં હું અગાઉ ગયો છું. ત્યાંની પૅટીસ, સમોસા, ઇદડાં અને પાતુળી બહુ પ્રખ્યાત છે. આ ઇદડાં એટલે આપણે ઘરે જે ઢોકળાં બનાવીએ એ અને પાતુળી એટલે ખાંડવી. દક્ષિણ ગુજરાતમાં આ બન્ને વરાઇટી આ નામે ઓળખાય છે. શું કામ એનાં નામ આવાં પડ્યાં એ જાણવાની મેં કોશિશ નથી કરી પણ મને એ જાણવામાં રસ ખૂબ છે એટલે કોઈ વખત હું એ જાણીશ પણ અને તમારા સુધી પહોંચાડીશ પણ ખરો.
ઓમ હરભોલે ફરસાણમાં જઈને મેં તો ઑર્ડર કર્યો આ ચારેચાર આઇટમ અને સાથે ખમણ પણ મગાવ્યાં. ખમણ, ઇદડાં અને પાતુળી હું થોડી વધુ માત્રામાં ખાઉં તો ચાલે એમ હતું પણ ડીપ ફ્રાઇડ એવા સમોસા અને પૅટીસ મારે ચાખવાનાં જ હતાં. એ ચાખીને મારે નક્કી કરવાનું હતું કે ચારેક વર્ષ પહેલાં એ પહેલી વાર ચાખ્યાં એવાં જ છે કે પછી સ્વાદમાં ફરક પડ્યો છે. પણ ના મિત્રો, સ્વાદમાં કોઈ ફરક નહીં. એકદમ અવ્વલ ટેસ્ટ અને એ ટેસ્ટની હાર્મની પણ ડિટ્ટો પહેલાં જેવી જ.
એકસમાન સ્વાદ જાળવી શકે એ જ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં લાંબો સમય સર્વાઇવ થઈ શકતા હોય છે. ઓમ હર ભોલે ફરસાણ દશકોથી નવસારીમાં પહેલા નંબરે છે અને એની સફળતાનું કારણ આ જ હોય એવું મારું માનવું છે.
નવરાત્રિ કે શ્રાવણ કે ઉપવાસના દિવસોમાં ત્યાં ફરાળી પૅટીસ પણ મળે છે. સૌથી સારી વાત એ કે તમે ઑર્ડર આપો એટલે ગરમાગરમ ઉતારીને તમને પૅટીસ, ફરાળી પૅટીસ કે સમોસા આપે. આ વરાઇટી એવી છે જે તમને તાવડામાંથી ઉતારીને આપે તો જ ખાવાની મજા આવે.
એ બધી આઇટમ ટ્રાય કર્યા પછી મેં પાતુળી એટલે કે ખાંડવીનો ટેસ્ટ કર્યો. મારું માનવું છે કે આપણાં ઘરોમાં બનતી પાતુળીમાં જૈનોની માસ્ટરી છે. હરભોલેમાં મળતી પાતુળીનો સ્વાદ પણ એટલો જ સરસ હતો. આ પાતુળી એ સ્તર પર પાતળી હતી કે તમે કલ્પના પણ ન કરી શકો. મોઢામાં મૂકો કે સીધી ઓગળી જાય એવી. સ્વાદ પણ એકદમ અદ્ભુત. મરચાંની નામપૂરતી કે આછી સરખી છાંટ એટલે માંદા માણસ પણ ખાઈ શકે. ખમણ અને ઇદડાંની સાથે જે ચટણી આપે છે એ પણ બહુ સરસ હતી. કોથમીર-મરચાંની ચટણીમાંથી તાજી જ વાટી હોય એવી કોથમીરની સોડમ આવતી હતી. કેટલા વખતે મેં તો બહારની કોઈ આઇટમ મોઢામાં નાખી અને સાહેબ, ટેસડો પડી ગયો. સુરત સુધી જવાનું બને તો ખાસ પ્લાન કરીને નવસારી જજો અને ઓમ હરભોલે ફરસાણમાં ચોક્કસ જજો. હું તો કહીશ વાપીથી વડોદરા સુધીનો આ જે આખો બેલ્ટ છે એ બેલ્ટમાં ઇદડાં, પાતુળી અને ખમણ ટ્રાય કરતાં રહેવાં જોઈએ. મારો તો અત્યાર સુધીનો અનુભવ છે કે આ આખા બેલ્ટમાં આ વરાઇટી બહુ સરસ મળે છે.

