Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > દૂધપાકમાં ગોળ નાખવાના ટ્રેન્ડને ફૉલો કરવા જેવો નથી

દૂધપાકમાં ગોળ નાખવાના ટ્રેન્ડને ફૉલો કરવા જેવો નથી

Published : 28 September, 2026 02:14 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

આપણે ત્યાં હવે સાકરને બદલે દરેક જગ્યાએ ગોળનો ઉપયોગ કરવાનું ચલણ થઈ ગયું છે. જોકે આયુર્વેદની દૃષ્ટિએ આ વિરુદ્ધ આહાર છે. આ સંજોગોમાં કોઈ આડઅસર વિના એને હેલ્ધી બનાવવા માટે શું થઈ શકે એ જાણીએ

 દૂધપાક

દૂધપાક


શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ ચૂકી છે. શ્રાદ્ધમાં પિતૃઓને અર્પણ કરવા માટે ખીર કે દૂધપાક બનાવવાની આપણે ત્યાં પરંપરા રહી છે. જોકે આજકાલ સ્વાસ્થ્ય પ્રત્યે લોકોમાં આવેલી જાગૃતિને કારણે ઘણા લોકો ખીર કે દૂધપાક બનાવતી વખતે એમાં સાકરની જગ્યાએ ગોળ ઉમેરે છે. જોકે આયુર્વેદ ગોળ અને દૂધના મિશ્રણને વિરુદ્ધ આહાર ગણે છે. આયુર્વેદ ગોળ અને દૂધને મિક્સ ન કરવાનું કેમ કહે છે એ વિશે માહિતી આપતાં આયુર્વેદિક એક્સપર્ટ ડૉ. શ્વેતાબા જાડેજા કહે છે, ‘દૂધની પ્રકૃતિ શીતળ હોય છે, જ્યારે ગોળની પ્રકૃતિ ઉષ્ણ હોય છે. બન્ને પદાર્થો પચ્યા પછી અલગ પ્રકારની અસર પેદા કરે છે. આયુર્વેદ અનુસાર ગોળ ગરમ અને ઍસિડિક પ્રકૃતિ ધરાવે છે, જે દૂધના પ્રોટીન સાથે ભળીને દૂધને ફાડી શકે છે અથવા પાચનક્રિયામાં ગરબડ કરી શકે છે. આની શરીર પર અસર એવી થાય કે પાચન-અગ્નિ મંદ પડે છે, જેનાથી પેટમાં ભારેપણું અને અપચો થઈ શકે છે. કેટલાક લોકોમાં ચામડીના રોગો, ઍસિડિટી અને સોજા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.’

ખડી સાકર સૌથી બેસ્ટ



તો શું ખીર કે દૂધપાકને સાકર નાખીને જ બનાવવી જોઈએ કે પછી એને બનાવવાની બીજી હેલ્ધી રીત છે એ વિશે વાત કરતાં ડૉ. શ્વેતાબા જાડેજા કહે છે, ‘ખીર બનાવતી વખતે સામાન્ય ખાંડને બદલે મિસરીનો ઉપયોગ કરવો વધુ ફાયદાકારક અને ઉત્તમ માનવામાં આવે છે. સામાન્ય ખાંડને સફેદ અને ચમકદાર બનાવવા માટે ઘણાં બધાં કેમિકલ્સનો ઉપયોગ થાય છે, જ્યારે મિસરી ખાંડનું સૌથી શુદ્ધ અને ઓછું પ્રોસેસ્ડ સ્વરૂપ છે. મિસરીની તાસીર ઠંડી હોય છે. એ શરીરમાં પિત્ત અને ગરમીને શાંત કરે છે. મિસરીને પાચન માટે પણ સારી 
માનવામાં આવે છે. જમ્યા બાદ મિસરીને વરિયાળી સાથે મુખવાસ તરીકે લેવાથી પાચન સારું થાય છે. જો તમારે ગોળ નાખવો પણ હોય તો દૂધને ઉકાળતી વખતે ન નાખવો જોઈએ. દૂધ નૉર્મલ ટેમ્પરેચર પર આવી જાય એ પછી ગોળનો પાઉડર મિક્સ કરી દો તો ચાલે.’


કૉમ્બિનેશન હેલ્ધી છે કે નહીં?

ખીરના મહત્ત્વને સમજાવતાં અને ગોળને ખાંડ કરતાં વધુ યોગ્ય માનવાની માન્યતા ધાર્મિક અને પરંપરાની દૃષ્ટિથી પણ ઉચિત નથી એ વિશે વાત કરતાં ડૉ. શ્વેતાબા જાડેજા કહે છે, ‘આપણા જીવનના મહત્ત્વના સંસ્કારો કે જીવનની નવી શરૂઆત હોય ત્યારે ખાસ ખીરનું મહત્ત્વ હોય છે - પછી એ સીમંત હોય, અન્નપ્રાશન હોય કે માતાજીનું નૈવેદ્ય હોય. ખીર એવી વસ્તુ છે જે શરીરને નરિશ કરે છે, તૃપ્ત કરે છે. ખીર સત્ત્વગુણ ધરાવે છે અને શાંતિ આપે છે. ગોળ ગુણકારી છે એમાં કોઈ શંકા નથી. એમાં વિવિધ મિનરલ્સ છે જે શરીર માટે જરૂરી છે. જોકે કોઈ વસ્તુ હેલ્ધી છે એટલે એને ઉમેરી નાખવાથી ભોજન વધુ પૌષ્ટિક નથી બની જતું. તમે એને કોની સાથે ઉમેરો છો એ કૉમ્બિનેશનનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.’


ભેંસ નહીં ગાયનું દૂધ

ખીર બનાવતી વખતે દૂધ, ચોખા અને મીઠાશનું પ્રમાણ કેવું રાખવું તેમ જ એનું પોષણ વધારવા અને એને વધુ સુપાચ્ય બનાવવા માટે શું કરી શકાય એ વિશે વાત કરતાં ડૉ. શ્વેતાબા જાડેજા કહે છે, ‘ખીર બનાવવા માટે ગાયનું શુદ્ધ, તાજું, મલાઈવાળું દૂધ વાપરવું જોઈએ. ભેંસનું દૂધ ભારે અને કફ વધારનારું મનાય છે. ગાયનું દૂધ ઓજસ વધારનારું અને પાચનતંત્ર પર ભારે ન પડે એવું માનવામાં આવે છે. ખીર કે દૂધપાક બનાવતી વખતે દૂધને હંમેશાં ધીમા તાપે ઉકાળવું જોઈએ. દૂધને ઝડપથી ઘટ્ટ કરવા માટે એમાં કન્ડેન્સ્ડ મિલ્ક કે મિલ્ક-પાઉડર ન ઉમેરવો જોઈએ. દૂધ ધીમે-ધીમે ઊકળશે તો એનાં પ્રોટીન સરળતાથી પચી શકે એવાં બને છે. દૂધ પ્રકૃતિમાં ભારે અને કફ કરનારું છે એટલે એને સંતુલિત કરવા માટે એલચી, જાયફળ, કેસર જેવા મસાલા નાખી શકો. ખીરમાં સ્વાદ અને મીઠાશ માટે કિસમિસ, અંજીર, કાજુ, બદામ, પિસ્તા જેવાં ડ્રાયફ્રૂટ્સ ઘણા લોકો નાખતા હોય છે. જોકે એનું પ્રમાણ બહુ જ ઓછું હોવું જોઈએ. નહીંતર પચાવવામાં એ ભારે પડી શકે છે.’

સાદગીમાં સાત્ત્વિકતા

ખીર બને ત્યાં સુધી કેમ સાદી રાખવી જોઈએ અને એમાં બીજી ૧૦ પ્રકારની આઇટમ કેમ ન ઉમેરવી જોઈએ એ વિશે સમજાવતાં ડૉ. શ્વેતાબા જાડેજા કહે છે, ‘આયુર્વેદ અનુસાર દરેક ખાદ્ય પદાર્થની પોતાની આગવી પ્રકૃતિ, સ્વાદ અને ગુણો હોય છે. તમે જ્યારે એક વસ્તુમાં ઘણીબધી અલગ-અલગ વસ્તુ મિક્સ કરો છો ત્યારે પાચન પર લોડ વધી જાય છે. ખોરાક બરાબર ન પચે એટલે પોષક તત્ત્વોનું શોષણ પણ સરખી રીતે ન થાય. કોઈ એક વસ્તુ ખાઓ છો ત્યારે શરીર એનાં પોષક તત્ત્વો સરળતાથી શોષી શકે છે. પાચનતંત્ર પર પણ વધારે લોડ પડતો નથી જેથી શરીરની એનર્જી જળવાઈ રહે છે. ખીરનો સ્વાદ વધારવા માટે ભલે આપણે અલગ-અલગ વસ્તુઓ એમાં નાખીએ, પણ એ જ વસ્તુઓ તમે અલગથી ખાઓ તો એનો ફાયદો વધુ મળે છે. ખીરમાં નાખીને ખાવા કરતાં એમ ને એમ એકલાં ડ્રાયફ્રૂટ્સ ચાવીને ખાઓ તો એ શરીરને વધુ ફાયદો કરે.’

ખીર કે દૂધપાકને હેલ્ધી બનાવવા આટલું ધ્યાન રાખો

૧. ચોખા બાસમતી, પૉલિશ્ડ અને એકદમ લિસ્સા ચકચકિત ન વાપરવા. પ્રોસેસ્ડ ચોખામાં ઓછાં ન્યુટ્રિઅન્ટ્સ હોય છે. પોણિયા અને બને એટલા ઓછા પ્રોસેસ્ડ ચોખા વાપરવા. 
૨. દૂધમાં નાખતાં પહેલાં ચોખાને બેથી ૩ વાર ધોઈને અડધો-પોણો કલાક પલાળી રાખવા. એમ કરવાથી વધારાનો સ્ટાર્ચ નીકળી જાય છે. 
૩. દૂધમાં ચોખા ચડી જાય એ પછી જ એમાં ખડી સાકર નાખવી. જોકે એ પછી દૂધને થોડુંક ઊકળવા દેવું.  બને ત્યાં સુધી ગોળને ઉકાળવાની સલાહ મૉડર્ન ન્યુટ્રિશન પણ નથી આપતું. ધારો કે નાખવો જ હોય તો ખીરની તપેલી આંચ પરથી ઉતારી લીધાની થોડીક વાર પછી ગોળનો પાઉડર મેળવીને બરાબર હલાવી લેવું. 
૪. દૂધમાં ખૂબ બારીક સમારેલું ખજૂર નાખીને ઉકાળવાથી નૅચરલી જ સ્વીટ બનશે અને બીજા કોઈ જ ગળપણની જરૂર નહીં પડે. 
૫. ખીર કે દૂધપાકમાં કેસર અવશ્ય નાખવું. એલચીને પાઉડર કરીને નાખવી અને જાયફળ તેમ જ જાવંત્રીને પાઉડર કરીને નાખવાને બદલે નાનો આખો ટુકડો જ નાખવો. એનાથી મસાલાના ગુણ અને સોડમ દૂધમાં ઊતરશે પણ એ મસાલાઓની કડવાશ નહીં.

સેવન કરતી વખતે સાવચેતી

આજના સમયમાં બદલાતી ઋતુને કારણે જો શ્રાદ્ધ દરમ્યાન વધુ માત્રામાં ગળેલી, દૂધવાળી અને ચોખાની ચીજો લેવામાં આવે તો નુકસાન થઈ શકે છે. એવામાં ખીર કે દૂધપાકનું સેવન કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ વિશે વાત કરતાં ડૉ. શ્વેતાબા જાડેજા કહે છે, ‘શ્રાદ્ધ દરમ્યાન સામાન્ય અને સ્વસ્થ વ્યક્તિએ દિવસમાં માપસર દૂધપાક કે ખીરનું સેવન કરવું જોઈએ. જો સ્વાદના ચક્કરમાં વધુ પ્રમાણમાં એ ખવાઈ જાય તો પચવામાં ભારે પડી શકે છે. ખીરમાં ગળપણ અને ચોખાને કારણે ગ્લુકોઝ અને કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે, જે બ્લડ-શુગરનું લેવલ ઝડપથી વધારી શકે છે. એટલે ડાયાબિટીઝના દરદીઓએ પ્રમાણમાં મોળી અને અલ્પ માત્રામાં જ ખીર કે દૂધપાકનું સેવન કરવું જોઈએ. દૂધપાક અને ખીરમાં કૅલરી અને ચરબીનું પ્રમાણ પણ વધુ હોઈ શકે છે એટલે એનું વધારે પડતું સેવન વજન વધારી શકે છે. જે લોકોની પાચનશક્તિ નબળી હોય અથવા જેમને વારંવાર ખાંસી, શરદી કે કફની સમસ્યા રહેતી હોય તેમણે રાત્રે ખીર કે દૂધપાક ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે દૂધ પચવામાં ભારે છે અને એ કફ વધારી શકે છે.’

શ્રાદ્ધ દરમ્યાન ખીર કે દૂધપાક કેમ ખવાય છે?

આ સમયગાળામાં ખીર કે દૂધપાકનું સેવન ફક્ત ધાર્મિક પરંપરા પૂરતું સીમિત નથી. શ્રાદ્ધ પક્ષ ભાદરવા મહિનામાં આવે છે. આ મહિનામાં ચોમાસું ધીમે-ધીમે વિદાય તરફ આગળ વધે છે અને ગરમી તથા બફારો વધવાની શરૂઆત થાય છે. ઋતુ-બદલાવના આ સમયગાળાને આયુર્વેદમાં ઋતુસંધિકાળ કહેવાય છે. આ ઋતુસંધિકાળમાં શરીરમાં પિત્તનો કોપ વધે છે. એવામાં જો દૂધ અને ચોખા ખાવામાં આવે તો એને પિત્તપ્રકોપને શાંત કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. આ વિશે વધુ માહિતી આપતાં ડૉ. શ્વેતાબા જાડેજા કહે છે, ‘દૂધ અને ચોખા બન્ને પ્રકૃતિમાં શીતળ હોય છે એટલે બન્ને મળીને ભાદરવાની ગરમીમાં વધેલા પિત્તને સંતુલિત કરે છે. પિત્ત વધવાને કારણે થતી ઍસિડિટી, છાતીમાં કે પેટમાં બળતરા જેવી સમસ્યાઓમાં ખીર કે દૂધપાકનું સેવન સારું મનાય છે. ખીર કે દૂધપાક બનાવવા માટે ચોખાને દૂધમાં લાંબા સમય સુધી ઉકાળવામાં આવે છે, જેનાથી એ પચવામાં હળવા બને છે અને પાચનતંત્રને શાંત કરે છે. દૂધમાંથી મળતું પ્રોટીન-કૅલ્શિયમ અને ચોખામાંથી મળતા કાર્બોહાઇડ્રેટ્સ શરીરને ઊર્જા અને બળ આપવાનું કામ કરે છે. શરીરમાં પિત્ત વધવાથી ત્વચા પર રૅશિસ, ખંજવાળ કે ફોલ્લીઓ થવા લાગે છે. ખીર કે દૂધપાકના સેવનથી લોહી શુદ્ધ થાય છે અને સ્કિન-સંબંધિત સમસ્યાઓ ઘટે છે. ખીર કે દૂધપાકમાં ઉમેરવામાં આવતા એલચી, જાયફળ, કેસર જેવા મસાલા ફક્ત સ્વાદ નથી વધારતા પણ ગૅસ-વાયુ થતો અટકાવે છે અને પાચનક્રિયાને મજબૂત કરે છે.’

Whatsapp-channel Whatsapp-channel

28 September, 2026 02:14 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK