ચેમ્બુરમાં આવેલું સિંધ પાનીપૂરી હાઉસ એની યુનિક બટર પાપડી ચાટ, દહી મિક્સ ભજિયા, દહી ભલ્લા પાપડી ચાટ જેવી અનેક ઑથેન્ટિક ડિશ માટે પણ જાણીતું છે
અહીંની સિંધ પાણીપૂરીનો ઇતિહાસ ૭૫ વર્ષ જૂનો છે
પાણીપૂરી કોઈ પણ સ્વરૂપે મળે તો પણ ખાવાની મજા જ આવે છે તેમ છતાં સિંધ પાણીપૂરીના ચાહકોની એક અલગ ફૅન-લૉબી છે. જો તમે પણ સિંધ પાણીપૂરીના ફૅન હો તો તમારે ચેમ્બુરમાં આવેલા આ ચાટ કૉર્નરમાં ચોક્કસ જવું જ જોઈએ જે લગભગ ૭૫ વર્ષ જૂનું છે. એટલું જ નહીં, અહીં ઑથેન્ટિક અને યુનિક સ્ટાઇલની ચાટ આઇટમ મળે છે જે ભાગ્યે જ કોઈ જગ્યાએ જોવા મળતી હશે.
ચેમ્બુર કૉલોનીમાં આવેલું સિંધ પાનીપૂરી હાઉસ ૧૯૫૧ની સાલમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ પાનીપૂરી હાઉસ શરૂ કરવા પાછળ પણ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. પાણીપૂરી હાઉસ સંભાળતા હિતેશ વાધવાનું કહેવું છે કે તેઓ ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે સિંધમાંથી ભારતમાં આવી ગયા હતા. ભાગલા પહેલાં તેઓ સિંધમાં પાણીપૂરી વેચવાનો વ્યવસાય કરતા હતા એટલે મુંબઈમાં આવી ચેમ્બુરમાં સિંધ પાણીપૂરી હાઉસ શરૂ કર્યું. આજે અહીં તેમની ત્રીજી પેઢી કાર્યભાર સંભાળે છે એટલું જ નહીં, જેઓ ચાટ આઇટમ્સ બનાવે છે તેઓ પણ ત્રીજી પેઢીના જ છે.
હવે અહીંની ચાટ આઇટમ્સની વાત કરીએ તો પાણીપૂરી ખાવા માટે અહીં લાંબી લાઇન લાગે છે અને કહે છે કે તેઓ દિવસની લગભગ પાણીપૂરીની ૪૦૦ જેટલી પ્લેટનું વેચાણ કરે છે. આ સિવાય અહીંની બટર પાપડી ચાટ પણ કંઈક હટકે છે. બટરના ટુકડા કરીને એને પાણીપૂરીના પાણીમાં નાખવામાં આવે છે. પછી એના પર કાંદા, પાપડી, ગાંઠિયા અને તીખી સેવ નાખીને આપવામાં આવે છે. એવી જ રીતે બીજી એક આઇટમ છે દહી મિક્સ ભજિયા, જેમાં અલગ-અલગ ટાઇપનાં ભજિયાંના ટુકડાને પ્લેટમાં પાથરી એના ઉપર વિભિન્ન ચટણીઓ રેડવામાં આવે છે. ત્યાર બાદ એના ઉપર દહીં રેડીને સર્વ કરવામાં આવે છે. આ સિવાય અહીં આવી બીજી પણ અનેક યુનિક આઇટમ છે જે ભાગ્યે જ બીજે કશે જોવા મળતી હોય છે.
ક્યાં મળશે? : સિંધ પાનીપૂરી હાઉસ, ચેમ્બુર કૉલોની, ઇન્દિરાનગર, ચેમ્બુર.
સમય : સવારે ૧૧.૩૦થી બપોરે ૨ તેમ જ સાંજે ૪થી રાત્રે ૧૦ સુધી.


