Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > મરાઠીઓની ઈમાનદારી અને ઈમાનદારી સાથેનાં વડાપાંઉ

મરાઠીઓની ઈમાનદારી અને ઈમાનદારી સાથેનાં વડાપાંઉ

Published : 17 October, 2026 03:26 PM | IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

થાણેમાં આપટે જોશીનાં વડાપાંઉની જે શુદ્ધતા છે એ એના સ્વાદમાં જ ખબર પડી જાય છે, હમણાં અમારા નાટકનો શો થાણેના ગડકરી રંગાયતનમાં હતો એટલે અમે તો ગાડીમાં જવા માટે નીકળ્યા. પાંચ વાગ્યે નીકળ્યા હતા, સાડાઆઠનો શો...

ઈમાનદારી સાથેનાં વડાપાંઉ

ઈમાનદારી સાથેનાં વડાપાંઉ


હમણાં અમારા નાટકનો શો થાણેના ગડકરી રંગાયતનમાં હતો એટલે અમે તો ગાડીમાં જવા માટે નીકળ્યા. પાંચ વાગ્યે નીકળ્યા હતા, સાડાઆઠનો શો. રસ્તામાં ખૂબ ટ્રાફિક. અમને ત્યાં પહોંચતાં-પહોંચતાં સાડાસાત થઈ ગયા. સાડાઆઠ વાગ્યાનો શો એટલે તરત મેકઅપમાં બેસવાનું. હવે કરવું શું? ખૂબ કકડીને ભૂખ લાગી હતી. હું તો મૂંઝાયો, પણ મારી આ મૂંઝવણનો રસ્તો પણ મને મળી ગયો.
આ થાણે, નાશિક, ખંડાલા બધી એવી જગ્યા જેમને તમે વડાપાંઉનું વડું મથક કહી શકો. મેં તો તરત જ નક્કી કર્યું કે કોઈ સરસ વડાપાંઉવાળો ગોતીએ. વડાપાંઉ હાથમાં લઈ ખાતાં-ખાતાં રવાના થઈ જઈએ. એટલે ગડકરી રંગાયતનથી થોડેક આગળ અમે નજર કરતા હતા ત્યાં મારી નજર પડી આપટે જોશી વડાપાંઉવાલે પર. એક નાનકડી લારી હતી. ત્યાં વડાપાંઉ, સમોસાપાંઉ અને આવી વસ્તુઓ મળે.
મેં તો ગાડીને બ્રેક મરાવી અને પહોંચ્યો હું લારી પર; પણ આ શું, જે લારી હતી એના પર કોઈ તાવડો ચડેલો નહોતો. મને થયું કે આ તાવડો ચડેલો નથી તો ક્યાં બનાવતાં હશે વડાપાંઉ? આપણે તો ગરમાગરમ ખાવાના શોખીન. મેં આજુબાજુમાં જોયું તો પાછળ દુકાન હતી અને દુકાનમાં વડાં બનતાં હતાં. ત્યાંથી વડાં લારીમાં આવે અને પછી લારીમાં રાખેલા કૅસરોલમાં એ ગોઠવી દેવામાં આવે. કૅસરોલમાં જે હોય એ બધું પણ ગરમાગરમ ધુમાડા નીકળતું હોય. અહીં લખ્યું હતું : ઉત્તમ સ્વાદ અને ઉત્તમ સામગ્રી. 
આ વાક્ય મને ખૂબ ગમ્યું. હમણાં આપણે ત્યાં મુંઢેસાહેબ જે મચી પડ્યા છે એ બહુ સારું કામ છે. સારામાં સારી સામગ્રી નાખવાની, ચોખ્ખો માલ આપવાનો. પૈસા લઈ લેવાના, પણ માલ ચોખ્ખો આપવાનો. અને એક વાત કહું, મને મહારાષ્ટ્રિયન લોકોની ઈમાનદારી માટે બહુ માન. ગવર્નમેન્ટે કહ્યું હોય કે તમારે આ લખવાનું તો એ લોકો લખે, તમારે આમ કરવાનું તો તેઓ એમ કરે. 
આપણે નક્કી કરી લીધું કે હવે ખાવું તો અહીં જ. અમે બધા માટે મગાવ્યાં વડાપાંઉ અને સમોસાપાંઉ અને ઓહોહો...
ગરમાગરમ વડાપાંઉ સાથે લાલ ચટણી, તીખી ચટણી અને આંબલી-ગોળની મીઠી ચટણી. મજા-મજા પડી ગઈ. શુદ્ધતાની પણ રીતસર તમને ખબર પડે કે સાચે જ માની જવું પડે. શુદ્ધ વસ્તુઓનો સ્વાદ અને એમાં રહેલી મીઠાશ ગજબ જ હોય. 
થાણેનું આ જે ગડકરી રંગાયતન છે એ મરાઠી રંગભૂમિનું મોટા ભાગે સૌથી જૂનું ઑડિટોરિયમ છે. થાણે તળાવની બાજુમાં જ આવેલું છે એટલે ગૂગલમાં તમે ગડકરી રંગાયતન નાખો તો તરત તમને ત્યાં લઈ જાય અને આપટે જોશી વડાપાંઉ તો ત્યાંથી થોડેક જ દૂર છે. આજુબાજુમાં કોઈને પૂછશો તો તે પણ દેખાડી દેશે. મને આદત છે કે સ્વાદમાં મજા આવે તો પછી હું માલિક સાથે વાતો પણ કરું. વાતો કરતાં ખબર પડી કે તે ૩પ વર્ષથી ત્યાં જ ઊભો રહે છે. 
૩પ વર્ષ સુધી માણસ તો જ એક લાઇનમાં રહે જો તેના કામમાં ભલીવાર હોય. 


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2026 03:26 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK