સુવિધાઓ વધારવા ૧૦૦ કરોડ રૂપિયાનો મેગા પ્લાન : પ્રભાદેવીસ્થિત રામ મૅન્શનના રેસિડેન્શિયલ અને કમર્શિયલ યુનિટ્સ ખરીદશે ટ્રસ્ટ
સિદ્ધિવિનાયક મંદિર
પ્રભદેવીમાં આવેલા શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરના વિસ્તરણ માટે બાજુમાં આવેલી રામ મૅન્શન કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના ૨૦ રેસિડેન્શિયલ અને કમર્શિયલ યુનિટ્સ ૯૪.૧૨ કરોડ રૂપિયામાં ખરીદવાના પ્રસ્તાવને મહારાષ્ટ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. મંદિરે દર્શનાર્થે આવતા લાખો ભાવિકો માટે વધુ જગ્યા ઉપલબ્ધ કરાવવા અને આધુનિક સુવિધાઓ વિકસાવવાના ૧૦૦ કરોડ રૂપિયાના બૃહદ વિસ્તરણ પ્રોજેક્ટના ભાગરૂપે આ મિલકતો હસ્તગત કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકારની આ મંજૂરીથી સિદ્ધિવિનાયક મંદિરમાં જગ્યાની અછતની સમસ્યા હળવી થશે. ખાસ કરીને તહેવારો દરમ્યાન હજારો ભક્તો દર્શન માટે ઊમટી પડે છે ત્યારે ભીડ-વ્યવસ્થાપનમાં મોટી રાહત મળશે. આ વિસ્તરણથી ક્રાઉડ-મૅનેજમેન્ટનો કાયમી ઉકેલ આવશે અને તહેવારો વખતે ઊભાં કરવાં પડતાં કામચલાઉ માળખાંની જરૂરિયાત ઘટશે.
શું ભાવમાં થશે ખરીદી?
રાજ્યના લૉ ઍન્ડ જુડિશ્યરી ડિપાર્ટમેન્ટે ૧૫ ઑક્ટોબરે બહાર પડેલા ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) અનુસાર ટ્રસ્ટને રેસિડેન્શિયલ યુનિટ્સ પ્રતિ સ્ક્વેરફુટ ૬૬,૦૦૦ રૂપિયાના ભાવે ખરીદવાની સત્તા આપવામાં આવી છે. આ મૂલ્યાંકન હાલના કાર્પેટ એરિયા પર આધારિત છે અને મિલકતધારકો માટે ઑફર વધુ આકર્ષક બને એ હેતુથી ગણતરીમાં વધારાનો ૪૦ ટકા કાર્પેટ એરિયા પણ સામેલ કરવામાં આવ્યો છે. આ સોસાયટીમાં આવેલા કમર્શિયલ યુનિટ્સ પ્રતિ સ્ક્વેરફુટ ૧.૧૧ લાખ રૂપિયાના દરે ખરીદવામાં આવશે. રાજ્ય સરકારે સ્ટૅમ્પ-ડ્યુટી, રજિસ્ટ્રેશન ચાર્જિસ અને અન્ય આનુષંગિક ખર્ચ સહિત કુલ ૯૪,૧૧,૬૫,૫૫૦ રૂપિયાના ખર્ચને લીલી ઝંડી આપી છે. આ સમગ્ર રકમ મંદિર ટ્રસ્ટના પોતાના ફન્ડમાંથી ચૂકવવામાં આવશે, જેથી રાજ્યની તિજોરી પર કોઈ પણ પ્રકારનો આર્થિક બોજ પડશે નહીં.
