અહીં શીખો અંજીર પાક
અંજીર પાક
સામગ્રી : ૧૦૦ ગ્રામ અંજીર, ૪૦૦ ગ્રામ ખજૂર, ૫૦ ગ્રામ બદામ, ૫૦ ગ્રામ કાજુ, ૨૫ ગ્રામ પિસ્તા અને બે ચમચી ઘી
રીત : અંજીરના ટુકડા કરી એમાં પાંચ ચમચી જેટલું અથવા અંજીર પલળે એટલું ગરમ પાણી ઉમેરીને સૉફ્ટ થવા ૩૦ મિનિટ માટે ઢાંકીને મૂકી દો. ખજૂરનાં બી કાઢી એના ઝીણા ટુકડા કરીને રાખો. કાજુ, બદામ અને પિસ્તાના મોટા ટુકડા કરીને રાખો. હવે એક પૅનમાં ઘી ગરમ કરો અને એમાં કાજુ, બદામ અને પિસ્તાને બે મિનિટ સાંતળીને એક પ્લેટમાં કાઢી લો. પછી એ જ ઘીવાળી પૅનમાં પાણી કાઢી (નિતારી) અંજીર અને ખજૂરને સાથે લચકો થાય ત્યાં સુધી શેકી લો અને એમાં કાજુ, બદામ, પિસ્તા ઉમેરી ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં પાથરીને ઠંડું થવા રાખી દો. લગભગ બે કલાક પછી એના ચોરસ ટુકડા કરીને એને ડબ્બામાં ભરી લો.
ADVERTISEMENT
બાળકો માટે જો બનાવતા હો તો આ મિશ્રણ તૈયાર થઈ જાય ત્યારે એના નાના બૉલ્સ બનાવી લેવા અને લૉલીપૉપની સ્ટિક બજારમાં રેડી મળે છે એના પર લગાડીને ઉપર રૅપર લગાવી દેવું.
- કાજલ ડોડિયા
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)


