અહીં શીખો રૅવિયોલી
રૅવિયોલી
રૅવિયોલી એક ઇટાલિયન સ્ટફ્ડ પાસ્તા ડિશ છે જે આપણે ૪ સ્ટેપમાં બનાવીશું.
સ્ટેપ 1 પાસ્તાની સામગ્રી : અડધો કપ રવો, અડધો કપ મેંદો અને મીઠું
રીત : એક બાઉલમાં રવો અને મેંદો લઈ એમાં મીઠું ઉમેરીને ગરમ પાણીથી પરોઠાના જેવો લોટ બાંધી એને લગભગ ૫/૭ મિનિટ માટે કુણવો. પછી એને ૩૦ મિનિટ માટે રેસ્ટ આપવો.
ADVERTISEMENT
સ્ટેપ 2 પાસ્તાનું સ્ટફિંગ - સામગ્રી : બે કપ ઝીણી સુધારેલી પાલક, ૧૦૦ ગ્રામ પનીર, બે ચીઝ ક્યુબ, ૧ ચમચી લસણ, અડધો ચમચી ઑરેગાનો, અડધી ચમચી ચિલી ફ્લેક્સ, ૧ ચમચી તેલ અને મીઠું.
રીત : એક પૅનમાં તેલ ગરમ કરવું. એમાં લસણ, ઑરેગાનો અને ચિલી ફ્લેક્સ ઉમેરો. પછી એમાં પાલક નાખી એને બે મિનિટ માટે સાંતળી લેવી. પાલક કુક થઈ જાય એટલે ગૅસ બંધ કરીને એમાં પનીર અને ચીઝ ખમણીને ઉમેરવાં. છેલ્લે મીઠું નાખી સ્ટફિંગ તૈયાર કરવું.
સ્ટેપ 3 : પાસ્તાના લોટના નાના લૂઆ કરી એની પાતળી પૂરી વણી લેવી. પછી એક પૂરી લઈ એની કિનારી પર પાણીવાળી આંગળી ફેરવી, વચ્ચે પૂરણ ભરી એના પર બીજી પૂરી મૂકી બન્ને પૂરીને કિનારી પર કાંટા-ચમચીથી દબાવી સીલ કરી લેવી. આ રીતે બધા પાસ્તા તૈયાર કરવા.
હવે એક તપેલી માં ૮-૧૦ કપ પાણીમાં ૧ ચમચી મીઠું અને એક ચમચી તેલ નાખી એને ઉકાળવું. પછી એમાં તૈયાર કરેલા બધા પાસ્તા ઉમેરીને એને ૪-૫ મિનિટ માટે ઉકાળવા. બધા પાસ્તા પાણીમાં ઉપર આવી જાય એટલે સમજવું પાસ્તા કુક થઈ ગયા છે અને એને પાણીમાંથી બહાર કાઢી લેવા.
સ્ટેપ 4 પાસ્તા સૉસ - સામગ્રી : ૧ ચમચી બટર, ૧ ચમચી મેંદો, ૫૦૦ ml દૂધ, ૧ ચીઝ ક્યુબ, બે ચમચી મલાઈ, ૨ ચમચી પીત્ઝા પાસ્તા સૉસ.
રીત : એક પૅનમાં બટરમાં મેંદો ઉમેરીને એને સુગંધ આવે ત્યાં સુધી શેકી લો. પછી એમાં દૂધ ઉમેરીને એ સહેજ થિક થાય ત્યારે ગૅસ બંધ કરીને એમાં ચીઝ ખમણીને અને મલાઈ ઉમેરી એને મિક્સ કરી એમાં પાસ્તા સૉસ અને મીઠું ઉમેરીને ફરી ગૅસ ચાલુ કરી એને બે મિનિટ માટે કુક કરવું.
સર્વ કરવા માટે એક પ્લેટમાં પહેલાં થોડો સૉસ રેડવો. એના પર પાસ્તા મૂકી ઉપર વધુ સૉસ રેડવો અને ચિલી ફ્લેક્સ નાખી સર્વ કરવા.
- કાજલ ડોડિયા
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)


