અહીં શીખો વરકી પૂરી (સાતપડી પૂરી)
વરકી પૂરી
સામગ્રી : બે કપ મેંદો, ૬ ચમચી ઘી, ૪ ચમચી ચોખાનો લોટ, મીઠું સ્વાદ મુજબ, ૧ ચમચી - સંચળ પાઉડર, ૨ ચમચી લાલ મરચું પાઉડર અને તળવા માટે તેલ.
રીત : એક બાઉલમાં મેંદાનો લોટ લેવો. એમાં ૪ ચમચી ઘી અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. પછી એમાં જરૂર મુજબ પાણી ઉમેરીને કઠણ લોટ બાંધી એને ૧૫ મિનિટ માટે ઢાંકીને મૂકી દો. એક વાટકીમાં ૨ ચમચી ઘી અને ૪ ચમચી ચોખાનો લોટ મિક્સ કરી સાટો તૈયાર કરી લો. હવે મેંદાના લોટને કુણાવી એના રોટલી જેવડા લૂઆ કરી લો. પછી બધા લૂઆને રોટલી જેટલા પાતળા વણી લેવા. પછી પાટલી પર એક રોટલી મૂકી એના પર ઘી અને ચોખાના લોટનો સાટો અડધી ચમચી જેટલો હાથેથી ફેલાવી, લગાવી એના પર બીજી રોટલી મૂકી ફરી એના પર સાટો લગાવી, ત્રીજી રોટલી મૂકી એના પર સાટો લગાવી, ચોથી રોટલી મૂકી ફરી એના પર સાટો લગાવી, પાંચમી રોટલી મૂકી એના પર સાટો લગાવી એનો ટાઇટ રોલ તૈયાર કરવો. આ રીતે બીજી રોટલીના પણ સાટા લગાવી રોલ તૈયાર કરી લેવા. પછી એક રોલ લઈ એના ચાકુ વડે ૧ સેન્ટિમીટરના કટકા કરી લેવા. હવે એને પાટલી પર લઈ એક જ વાર વેલણ ફેરવી પૂરી વણી લેવી. આ રીતે બધી પૂરી તૈયાર થઈ જાય એટલે કડાઈમાં તેલ ગરમ કરવું અને એમાં સમાય એટલી પૂરી ઉમેરી મીડિયમ સ્લો ગૅસ પર (લગભગ ૫-૭ મિનિટ) ગુલાબી રંગની થાય ત્યાં સુધી તળી લેવી. પછી ઐેના પર સંચળ અને મરચું પાઉડર છાંટી લો.ઠંડી પડે એટલે ડબ્બામાં ભરી દો.

