ભારતભરમાં કેટલા પ્રકારની આમલી જાણીતી છે અને વિશ્વભરની વાનગીઓમાં કેવી રીતે આ સામગ્રીનો ઉપયોગ થાય છે એની રસપ્રદ વાતો જાણીએ.
નાનપણની યાદો આ આમલી સાથે
ભારતમાં આમલી માત્ર એક ફળ નથી, ખટાશની એક આખી સંસ્કૃતિ છે. ભારતમાં આમલીની અનેક સ્થાનિક અને સુધારેલી જાતો હોવા છતાં અત્યાર સુધી GI ટૅગ મેળવનારી પ્રથમ ‘આમલી’ માંડુની ખુરાસાની આમલી બની છે જે પરંપરાગત આમલીથી એકદમ અલગ છે. આજે આમલીપુરાણ કરીએ અને આમલી વિશેની વિવિધ વાતોને જાણીએ
ભારતમાં કદાચ જ કોઈ એવું બાળપણ હશે જ્યાં આમલીનો સ્વાદ કોઈ યાદ સાથે ન જોડાયેલો હોય. સ્કૂલની રિસેસમાં મિત્રો સાથે વહેંચીને ખાધેલી આમલીની ગોળીઓ, રસ્તાની બાજુએ બેઠેલા ફેરિયાઓ પાસેથી ખરીદેલી ખાટી-મીઠી ચીજવસ્તુઓ કે પછી ઘરના રસોડામાં દાળ, સાંભાર, ચટણી અને કઢીમાં ઉમેરાતી આમલી આ બધું ભારતીય સ્મૃતિઓનો એક અભિન્ન ભાગ છે. આમલી માત્ર એક ફળ નથી. એ ભારતીય જીવનશૈલીની એવી ખાટી-મીઠી યાદ છે જે પેઢીઓથી આપણાં સ્વાદ, સંસ્કૃતિ અને લાગણીઓ સાથે જોડાયેલી રહી છે. રસોડાની મસાલાની ડબ્બીથી લઈને ગામનાં હાટબજારો સુધી અને સ્કૂલની બહાર મળતી ખાટી-મીઠી ગોળીઓથી લઈને તહેવારોની વિશેષ વાનગીઓ સુધી આમલીએ ભારતીય જીવનમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. આમલી માત્ર સ્વાદ પૂરતી મર્યાદિત નથી. લોકજીવન, આયુર્વેદ, કૃષિ અને સ્થાનિક અર્થતંત્રમાં પણ એનું મહત્ત્વ વિશેષ રહ્યું છે. દેશના વિવિધ વિસ્તારોમાં ઊગતી આમલી પોતાની સ્થાનિક ઓળખ, સ્વાદ અને ગુણધર્મો માટે જાણીતી છે. આ જ પરંપરા અને વિશિષ્ટતાને માન્યતા આપતા મધ્ય પ્રદેશના ઐતિહાસિક શહેર માંડુની આમલીને તાજેતરમાં Geographic Identification (GI) એટલે કે ભૌગૌલિક સંકેતનો ટૅગ મળ્યો છે. એટલે કે માંડુમાં બાઓબાબ (Baobab) વૃક્ષ પર થતી ખુરાસાની આમલીને અનોખી ઓળખ મળી છે. એવું નથી કે આમલી માત્ર ભારતમાં જ થાય છે. વિશ્વના અનેક ઉષ્ણકટિબંધીય દેશોમાં એ ઉગાડવામાં આવે છે. ભારતને વિશ્વનો સૌથી મોટો આમલી-ઉત્પાદક દેશ માનવામાં આવે છે. થાઇલૅન્ડ, મ્યાનમાર, શ્રીલંકા, બંગલાદેશ, ઇન્ડોનેશિયા, વિયેટનામ અને ફિલિપીન્સ જેવા એશિયાઈ દેશોમાં પણ એની વ્યાપક ખેતી થાય છે. આફ્રિકામાં સુદાન, નાઇજીરિયા, સેનેગલ, ટાન્ઝાનિયા અને મડાગાસ્કર જેવા દેશોમાં આમલી કુદરતી રીતે તેમ જ ખેતીના સ્વરૂપમાં જોવા મળે છે. બીજી તરફ મેક્સિકો, કોસ્ટા રિકા અને ગ્વાટેમાલા જેવા મધ્ય અમેરિકન દેશોએ પણ આમલીને પોતાની ખાદ્ય સંસ્કૃતિનો મહત્ત્વપૂર્ણ ભાગ બનાવી છે. વિશ્વભરમાં એની ખેતી મુખ્યત્વે ફળનાં ગૂદાં, પીણાં, મીઠાઈઓ, ચટણીઓ અને પ્રક્રિયાજાત ખાદ્ય-ઉત્પાદનો માટે કરવામાં આવે છે. ભારતભરમાં કેટલા પ્રકારની આમલી જાણીતી છે અને વિશ્વભરની વાનગીઓમાં કેવી રીતે આ સામગ્રીનો ઉપયોગ થાય છે એની રસપ્રદ વાતો જાણીએ.
ADVERTISEMENT
નાનપણની યાદો આ આમલી સાથે જોડાયેલી છે. વિલાયતી આમલી અથવા મનિલા ટૅમરિન્ડ જેને આપણે ગોરસ આમલીના નામે જાણીએ છીએ. નામ ભલે ‘આમલી’ સાથે જોડાયેલું હોય પરંતુ એ સામાન્ય આમલીથી સંપૂર્ણપણે અલગ પ્રજાતિનું ફળ છે. મધ્ય અમેરિકા અને મેક્સિકોથી વિશ્વના વિવિધ ભાગોમાં પહોંચેલું આ વૃક્ષ ભારતમાં એટલું લોકપ્રિય બન્યું કે અનેક લોકો એને સ્થાનિક ફળ જ માને છે. સ્પૅનિશ વેપાર માર્ગો મારફત એ ફિલિપીન્સ પહોંચ્યું અને ત્યાંથી એશિયાના અન્ય ભાગોમાં ફેલાયું. માનવામાં આવે છે કે આ ઐતિહાસિક ‘મનિલા ગેલિયન’ વેપારમાર્ગોને કારણે જ એને ‘મનિલા ટૅમરિન્ડ’ નામ મળ્યું.
આમલી શું છે?
વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ સાચી આમલીની માત્ર એક જ પ્રજાતિ છે : ટૅમરિન્ડસ ઇન્ડિકા (Tamarindus Indica). આપણે જેને આમલીના વિવિધ પ્રકારો તરીકે ઓળખીએ છીએ એ હકીકતમાં અલગ પ્રજાતિઓ નહીં પરંતુ પ્રાદેશિક જાતો, સ્થાનિક સ્વરૂપો અથવા ખાટી અને મીઠી આમલી જેવા ભેદ છે. ખાટી આમલી (Sour Tamarind) ભારતનાં મોટા ભાગનાં ઘરોમાં વપરાતી સૌથી સામાન્ય આમલી છે. એની ઓળખ એના તીવ્ર ખાટા સ્વાદથી થાય છે. મીઠી આમલી (Sweet Tamarind) મુખ્યત્વે થાઇલૅન્ડ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં લોકપ્રિય છે. એમાં ખટાશ ઓછી અને કુદરતી મીઠાશ વધુ હોવાથી એને ઘણી વાર સીધી ફળ તરીકે ખાવામાં આવે છે. દેશી ભારતીય આમલી ભારતના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક રીતે વિકસેલી જાતો માટે વપરાતો શબ્દ છે. દરેક પ્રદેશની જમીન અને આબોહવા અનુસાર એના સ્વાદ, કદ અને ગરની માત્રામાં ફેરફાર જોવા મળે છે.

મલાબાર ટૅમરિન્ડ અથવા કુડમપુલી (Garcinia gummi-gutta) દક્ષિણ ભારત, ખાસ કરીને કેરલમની રસોઈમાં વિશેષ સ્થાન ધરાવે છે. કોળા જેવા દેખાતા આ ફળને કાપીને અને સૂકવીને લાંબા સમય સુધી સાચવી શકાય છે. રસપ્રદ વાત એ છે કે નામમાં ‘ટૅમરિન્ડ’ હોવા છતાં એનો સામાન્ય આમલી સાથે કોઈ નજીકનો વનસ્પતિશાસ્ત્રીય સંબંધ નથી.
રસપ્રદ વાત એ છે કે વૈજ્ઞાનિકો માને છે કે આમલીનો જન્મ ભારતમાં નહીં પરંતુ આફ્રિકામાં થયો હતો. એના વૈજ્ઞાનિક નામમાં ‘ઇન્ડિકા’ એટલે કે ‘ભારતીય’ શબ્દ હોવા છતાં એનું મૂળ વતન આફ્રિકા માનવામાં આવે છે. વેપાર અને સાંસ્કૃતિક સંપર્કોને કારણે એ હજારો વર્ષ પહેલાં ભારત આવી અને ધીમે-ધીમે ભારતીય જીવનનો એટલો અભિન્ન ભાગ બની ગઈ કે આજે ઘણા લોકો એને ભારતીય મૂળનું જ ફળ માને છે. એના વૃક્ષનો એકેએક ભાગ ઉપયોગમાં લેવામાં આવે છે. આમલીનાં બીજ એટલે કે આમલિયાં પણ નકામાં નથી જતાં. એમાં રહેલા પૉલિસેકેરાઇડ્સનો ઉપયોગ ખાદ્યઉદ્યોગ, કાપડઉદ્યોગ અને કેટલીક ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં થાય છે. એટલે કે એક સામાન્ય દેખાતું આમલીનું વૃક્ષ ફળ, પાંદડાં, બીજ, લાકડું અને છાંયો બધું જ કંઈક ને કંઈક રીતે માનવજીવન સાથે જોડે છે.

માંડુની ખુરાસાની આમલી હકીકતમાં બાઓબાબ વૃક્ષનું ફળ છે. આફ્રિકન મૂળ ધરાવતાં આ વિશાળકાય વૃક્ષો સદીઓથી માંડુના ઐતિહાસિક દૃશ્યનો ભાગ છે અને તાજેતરમાં એમને GI ટૅગ દ્વારા વિશિષ્ટ ઓળખ મળી છે. આકાશ તરફ ફેલાયેલાં મૂળ જેવી ડાળીઓ ધરાવતું બાઓબાબ વૃક્ષ અને એનું ખુરાસાની આમલી તરીકે ઓળખાતું ફળ માંડુની અનોખી કુદરતી અને સાંસ્કૃતિક ધરોહરનું પ્રતીક માનવામાં આવે છે.
આમલી અન્ય ખાદ્ય-સંસ્કૃતિનો પણ મહત્ત્વનો ભાગ છે

શું આમલી વગર આ વાનગીઓનો સ્વાદ માણી શકાય?
આમલીનો ઉપયોગ માત્ર ભારતીય રસોઈ પૂરતો મર્યાદિત નથી. વિશ્વના અનેક દેશોએ એને પોતાના સ્વાદ અને પરંપરા પ્રમાણે અપનાવી છે. થાઇલૅન્ડ, વિયેટનામ અને અન્ય દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાં આમલી સૂપ, નૂડલ્સ, સૉસ અને સી-ફૂડની વાનગીઓમાં ખટાશનો મુખ્ય સ્રોત છે. વિશ્વવિખ્યાત થાઈ વાનગી ‘પેડ થાઇ’નો વિશિષ્ટ ખાટો-મીઠો સ્વાદ પણ મોટા ભાગે આમલીને આભારી છે. મેક્સિકોમાં આમલીનો ઉપયોગ પરંપરાગત મીઠાઈઓ, કૅન્ડી, શરબત અને ઠંડાં પીણાંમાં થાય છે. ત્યાં ‘આગુઆ દે તામરિંદો’ નામનું પીણું ખૂબ લોકપ્રિય છે, જે ઉનાળામાં તાજગી માટે પીવામાં આવે છે. બીજી તરફ આફ્રિકામાં, જેને આમલીનું મૂળ વતન માનવામાં આવે છે, એના ગરનો ઉપયોગ પીણાં, સૂપ, ચટણીઓ અને સ્થાનિક વાનગીઓમાં થાય છે. સેનેગલ, સુદાન અને નાઇજીરિયા જેવા દેશોમાં આમલી માત્ર ખાદ્ય પદાર્થ નથી, પરંપરાગત જીવનશૈલી અને સ્થાનિક બજારોનો પણ મહત્ત્વપૂર્ણ ભાગ છે. દુનિયાના અલગ-અલગ ખૂણાઓમાં આમલીનો સ્વાદ એક જ હોવા છતાં એનો ઉપયોગ સંપૂર્ણપણે જુદી રીતે થાય છે. ક્યાંક એ માછલીની કઢીને ખટાશ આપે છે, ક્યાંક નૂડલ્સને સંતુલિત સ્વાદ આપે છે તો ક્યાંક મીઠાઈ અને શરબતનો મુખ્ય ઘટક બને છે.

‘ગોમા પ્રતીક’ આમલીની એક ઉચ્ચ ઊપજ આપતી સેમી-ડ્વાર્ફ જાત છે જેનો વિકાસ ગુજરાતના ગોધરામાં આવેલી આઇસીએઆર–સેન્ટ્રલ હૉર્ટિકલ્ચરલ એક્સપરિમેન્ટ સ્ટેશન (ICAR-CHES) દ્વારા કરવામાં આવ્યો છે. ઝડપી વૃદ્ધિ, ઓછી ઉંમરે ફળ આપવાની ક્ષમતા અને ઉત્તમ ગુણવત્તાવાળાં ફળોને કારણે આ જાતને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે.
જાણવા જેવું
‘ટૅમરિન્ડ’ શબ્દ અરબી ભાષાના ‘તમર અલ-હિન્દ’ પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે ‘ભારતીય ખજૂર’. આરબ દેશોમાં ખજૂરનું આગવું મહત્ત્વ છે અને સૌથી વધારે ખજૂર-ઉત્પાદક દેશો છે.
આમલીના વૃક્ષનો લગભગ દરેક ભાગ ઉપયોગી માનવામાં આવે છે. ફળના ગરથી લઈને પાંદડાં, ફૂલો અને બીજ સુધીનો ઉપયોગ ખાદ્ય, ઔષધીય અથવા અન્ય પરંપરાગત હેતુઓ માટે થાય છે. ઘણા વિસ્તારોમાં એનાં કોમળ પાંદડાં શાક અને ચટણીમાં પણ વપરાય છે. એક બીજી આશ્ચર્યજનક વાત એ છે કે વનસ્પતિશાસ્ત્ર અનુસાર આમલી વટાણા અને ચણાની જેમ ફૅબેસી (Fabaceae) કુળની સભ્ય છે એટલે કે એ ટેક્નિકલી કઠોળ પરિવારનો ભાગ ગણાય છે.
મધ્ય પ્રદેશના માંડુની આ આમલીની વિશેષતા શું છે?
ગયા અઠવાડિયે મધ્ય પ્રદેશના માંડુની ખુરાસાની આમલીને GI ટૅગ મળ્યો છે એટલે જ કદાચ આ આમલી ઉત્સુકતાનો વિષય બની છે. આ સામાન્ય આમલીથી કેવી રીતે અલગ ઓળખ ધરાવે છે એ જાણવા જેવું છે. હકીકતમાં એ પરંપરાગત આમલીનું ફળ નહીં પરંતુ આફ્રિકન મૂળના બાઓબાબ વૃક્ષનું ફળ છે જેને સ્થાનિક લોકો સદીઓથી ખુરાસાની આમલી તરીકે ઓળખે છે. ઇતિહાસકારોના મતે લગભગ ૬૦૦ વર્ષ પહેલાં અરબી અને અફઘાન વેપારીઓ અથવા માલવા સલ્તનતના સમયમાં આવેલા આફ્રિકન સૈનિકો દ્વારા બાઓબાબનાં બીજ માંડુ સુધી પહોંચ્યાં હતાં. સમય જતાં આ વૃક્ષો માંડુની ધરતી અને આબોહવા સાથે એટલાં એકરૂપ થઈ ગયાં કે આજે માંડુ ભારતના સૌથી મોટા કુદરતી બાઓબાબ સમૂહનું નિવાસસ્થાન ગણાય છે. ખુરાસાની આમલીનો સ્વાદ સામાન્ય આમલી કરતાં નરમ, ખાટો-મીઠો અને વિશિષ્ટ હોય છે. સ્થાનિક આદિવાસી સમુદાયો એના ગરનો ઉપયોગ શરબત, ખાદ્યપદાર્થો અને પરંપરાગત ઔષધિ તરીકે કરે છે. વિટામિન C, ખનિજ તત્ત્વો અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સથી સમૃદ્ધ આ ફળ પ્રદેશની લોકપરંપરા અને જીવનશૈલીનો ભાગ બની ગયું છે. બાઓબાબને જોનારને પહેલી નજરે એક જ પ્રશ્ન થાય કે શું આ વૃક્ષ ખરેખર ઊંધું ઊગી રહ્યું છે? આફ્રિકામાં બાઓબાબ વૃક્ષ વિશે એક લોકપ્રિય દંતકથા પ્રચલિત છે કે ભગવાને જ્યારે પૃથ્વી પર વૃક્ષો વાવ્યાં ત્યારે બાઓબાબ પોતાના સ્થાનથી ક્યારેય ખુશ નહોતું. સતત ફરિયાદોથી કંટાળીને ભગવાને એને જમીનમાંથી ઉખાડીને ઊંધું રોપી દીધું. તેથી જ આજે એની ડાળીઓ આકાશ તરફ ફેલાયેલાં મૂળ જેવી દેખાય છે. કદાચ આ માત્ર એક લોકકથા હશે, પરંતુ માંડુના કિલ્લાઓ વચ્ચે ઊભેલાં વિશાળ બાઓબાબ વૃક્ષોને જોતાં આ વાર્તા સહજ રીતે સાચી લાગવા લાગે છે. બાઓબાબનું ફળ જોઈને પણ પ્રશ્ન થાય કે શું આ આમલી છે? જોકે ભારતમાં એવાં કેટલાંય ફળો છે જેમના નામમાં તો આમલી છે, પરંતુ દેખાવમાં નહીં.
નામ તો આમલી, પણ આમલી નથી
આમલીનું નામ સાંભળતાં જ આપણા મનમાં કથ્થઈ રંગની લીલી વળાંકદાર કે વાંકી સિંગ જેવી સામાન્ય આમલીનું ચિત્ર ઊપસે છે, પરંતુ દક્ષિણ ભારતની ખાદ્ય-પરંપરા એક રસપ્રદ સત્ય સામે લાવે છે. અહીં આમલી માત્ર એક ફળ નથી. દક્ષિણ ભારતીય ભાષાઓમાં ‘પુલી’ શબ્દનો અર્થ ખટાશ અને આમલી સાથે જોડાયેલો છે અને કદાચ એ જ કારણે ત્યાં ખટાશ આપતાં અનેક જુદાં-જુદાં ફળો અને છોડોને પણ આમલીના પરિવારનો ભાગ માનવામાં આવે છે. કેરલમની પ્રખ્યાત કુડમપુલી (અંગ્રેજીમાં Malabar Tamarind / Fish Tamrind / Pot Tamrind) માછલીની કઢીમાં વપરાય છે અને વાનગીને વિશિષ્ટ રંગ તથા ઊંડી ખટાશ આપે છે. કોકણ અને પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં કોકમ ઉનાળાના શરબત, સોલકઢી અને સ્થાનિક રસોઈનો આત્મા ગણાય છે. કોકમના અંગ્રેજી નામમાં મલાબાર ટૅમરિન્ડ વપરાય છે, કારણ કે કુડમપુલી અને કોકમ એકબીજાના પિતરાઈ કહી શકાય. બિલિંબી અથવા ઇરુંબનપુલી દેખાવમાં નાનકડાં લીલી કાકડી જેવાં ફળ ધરાવે છે, પરંતુ એનો સ્વાદ એટલો ખાટો હોય છે કે એને આમલી સાથે સરખાવવામાં આવે છે. એ ચટણી, અથાણાં અને શાકમાં જ વધુ વપરાય છે. બીજી તરફ વિલાયતી આમલી અથવા મનિલા ટૅમરિન્ડ (એટલે કે ગોરસ આમલી) સાથે અનેક લોકોના બાળપણની યાદો જોડાયેલી છે. રસ્તાની બાજુએ ઊભેલા ઝાડ પરથી સીધું તોડીને ખવાતું આ ફળ મીઠાશ અને હળવી ખટાશનું અનોખું સંયોજન ધરાવે છે. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી ઘણી આમલી વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ સામાન્ય આમલી સાથે કોઈ નજીકનો સંબંધ ધરાવતી નથી. છતાં સ્થાનિક સમાજે એમના સ્વાદ, ઉપયોગ અને ખટાશના આધારે એમને એક જ સાંસ્કૃતિક ઓળખ આપી છે.

દક્ષિણ ભારતમાં આમલીને પુલી કહેવામાં આવે છે. બિલિંબી (Averrhoa bilimbi) દેખાવમાં નાનકડી લીલી કાકડી જેવાં ફળ ધરાવે છે, પરંતુ એનો સ્વાદ એટલો તીવ્ર ખાટો હોય છે કે એને દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં કુદરતી ખટાશના સ્રોત તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ચટણી, અથાણાં અને પરંપરાગત વાનગીઓમાં વપરાતું આ ફળ ‘ઇરુંબનપુલી’ નામે પણ ઓળખાય છે. રસપ્રદ વાત એ છે કે નામમાં ‘પુલી’ હોવા છતાં એનો સામાન્ય આમલી સાથે કોઈ વનસ્પતિશાસ્ત્રીય સંબંધ નથી.
ખરી આમલી
આ તમામ આમલી વચ્ચે સાચી આમલી તરીકે ઓળખ મેળવેલું ફળ ટૅમરિન્ડસ ઇન્ડિકા (Tamarindus Indica) છે જે ફૅબેસી (Fabaceae) અથવા કઠોળ કુળનું સભ્ય છે. ભારતમાં જોવા મળતી મોટા ભાગની આમલી ટૅમરિન્ડસ ઇન્ડિકાની જ વિવિધ સ્થાનિક જાતો અને બીજવંશોમાંથી વિકસેલી છે. તામિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જેવાં રાજ્યોમાં ઊંચા ગરવાળી, વધુ ખટાશ ધરાવતી અથવા મીઠાશનો અંશ ધરાવતી સ્થાનિક પસંદગીઓ જોવા મળે છે. વ્યાપારી દૃષ્ટિએ આમલીની ગુણવત્તા એના ગરની ટકાવારી, ટાર્ટરિક ઍસિડની માત્રા અને બીજના પ્રમાણના આધારે આંકવામાં આવે છે. વર્ષો સુધી ખેડૂતોની પસંદગી અને કૃષિ-વૈજ્ઞાનિકોના સંશોધનના પરિણામે ભારતનાં વિવિધ રાજ્યોમાં અલગ-અલગ ગુણધર્મો ધરાવતી આમલીની જાતો વિકસેલી છે. તામિલનાડુમાં વિકસાવવામાં આવેલી PKM-1 એનાં મોટાં ફળ, વધુ ગર અને વહેલી ઊપજ માટે જાણીતી છે જ્યારે ‘ઉરીગમ’ જાત એનાં અસાધારણ લાંબાં શિંગાં અને પ્રમાણમાં મીઠા ગર માટે પ્રસિદ્ધ છે. મહારાષ્ટ્રની ‘પ્રતિષ્ઠાન’ અને ‘યોગેશ્વરી’ જાતો લાલાશ પડતા ગર અને ખાટા-મીઠા સ્વાદ માટે ઓળખાય છે. ગુજરાતમાં ICAR-સેન્ટ્રલ હૉર્ટિકલ્ચરલ એક્સપરિમેન્ટ સ્ટેશન દ્વારા વિકસાવવામાં આવેલી ‘ગોમા પ્રતીક’ જાત વહેલી ઊપજ આપતી હોવાથી આધુનિક અને સઘન ખેતી માટે અનુકૂળ માનવામાં આવે છે. આ વર્ગીકરણના આધારે જ આમલીની કેટલીક જાત ચટણી અને રસોઈ માટે વધુ યોગ્ય ગણાય છે, જ્યારે કેટલીક જાત કૅન્ડી, પ્રક્રિયાજાત ખાદ્યપદાર્થો અથવા લાંબા ગાળાના સંગ્રહ માટે પસંદ કરવામાં આવે છે. આમ જનતા માટે કથ્થઈ રંગની ખાટો સ્વાદ ધરાવતી સામગ્રી એટલે વાનગી. વિવિધ રાજ્યોમાં થતી આમલીના ફોટો જોઈને પણ એમને એકબીજાથી અલગ ઓળખી ન શકાય એટલું સામ્ય ધરાવે છે. એટલે દક્ષિણ ભારતની વહેલી ફળ આપતી જાતોથી લઈને મહારાષ્ટ્રની લાલ ગરવાળી જાતો અને ગુજરાતની આધુનિક ખેતી માટે વિકસાવાયેલી જાતો સુધી આમલીની દુનિયા એટલી જ વૈવિધ્યસભર છે જેટલી ભારતની ખાદ્ય-સંસ્કૃતિ.
