Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > પાંઉભાજીનો સરદાર એટલે તાડદેવનો સરદાર

પાંઉભાજીનો સરદાર એટલે તાડદેવનો સરદાર

Published : 21 February, 2026 05:02 PM | IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

સરદાર પાંઉભાજીનો જે સ્વાદ મેં ૧‍૯૭૮માં પહેલી વાર માણ્યો હતો એ જ સ્વાદ એમને ત્યાં આજે પણ અકબંધ છે અને આવતી કાલે પણ એમાં કોઈ ફરક નહીં આવે એની મને ખાતરી છે

પાંઉભાજીનો સરદાર એટલે તાડદેવનો સરદાર

પાંઉભાજીનો સરદાર એટલે તાડદેવનો સરદાર


મોટા ભાગના લોકોને એક આદત હોય છે. લાંબો સમય બહાર રહ્યા પછી ઘરે પાછા આવે એટલે તેમને ઘરનું જમવાનું જોઈએ. જોકે મારું ઊંધું છે. હું લાંબો સમય બહારનું ખાઉં અને પછી મુંબઈ પાછો આવું એટલે મને આપણી મુંબઈનું સ્ટ્રીટ-ફૂડ યાદ આવે. મને રીતસર એનું ક્રેવિંગ થાય. અમદાવાદ અને સુરત વચ્ચે એકધારી દોડધામ કર્યા પછી હું મુંબઈ આવ્યો અને આવતાંની સાથે જ મેં નક્કી કરી લીધું કે આપણે પાંઉભાજી ખાવાની થાય છે અને પાંઉભાજીની વાત આવે એટલે નૅચરલી એક જ નામ યાદ આવે. હા, ભાગ્યે જ કોઈ ફૂડ-શોખીન એવો હશે જે મુંબઈની એ જગ્યાએ નહીં ગયો હોય.

એ જગ્યા એટલે તાડદેવમાં આવેલી સરદાર પાંઉભાજી. 



મને હજી પણ યાદ છે કે ૧૯૭૮માં અમે ખેતવાડીના લહેરી બિલ્ડિંગમાં ગણપતિ લાવ્યા હતા. વિસર્જનના દિવસે રાત્રે અમે પાછા આવતા હતા ત્યારે અમારી સાથે બિલ્ડિંગના કેટલાક મોટા છોકરાઓ પણ હતા અને રસ્તામાં તે બધાએ નક્કી કર્યું કે ચાલો, સરદારની પાંઉભાજી ખાવા જઈએ. એ પહેલાં મેં ક્યારેય સરદારનું નામ પણ નહોતું સાંભળ્યું અને સાહેબ, એ પાંઉભાજી ખાઈને મને એવી મજા પડી કે હું આજે પણ એ અનુભવ વર્ણવી નથી શકતો. અમારા એ જમાનામાં બટર અને ચીઝ એકદમ દુર્લભ હતાં. અમે તો વેજિટેબલ ઘી ખાતા. હવે તો એ વેજિટેબલ ઘીની ડાલ્ડા બ્રૅન્ડનું ક્યાંય નામોનિશાન નથી; પણ હા, એ ડાલ્ડા ઘી અત્યારે બંગલાદેશમાં મળે છે. આપણે બધા હવે તો અમૂલ કે સાગર બ્રૅન્ડનું ઘી ખાતા થઈ ગયા છીએ.


ડાલ્ડાની બોલબાલા હતી અને બટરનું સપનું પણ જોવાની મનાઈ હતી એવા એ દિવસોમાં સરદારને ત્યાં પ૦-૬૦ ગ્રામનું બટરનું મોટું ઝૂમખું પાંઉભાજીની ભાજીમાં એવી રીતે પડે કે તમારા મોઢામાંથી પાણીના ફુવારાઓ છૂટવા માંડે. એ વખતે એક ભાજીમાં હું ચાર પાંઉ ખાઈ ગયો. પાંઉ પણ પાછા કેવા તો કહે બટરથી લથબથ. બસ, એ બધા દિવસો યાદ કરતાં હું તો પહોંચી ગયો સરદાર પાંઉભાજીમાં. સરદારમાં જ્યારે જાઓ ત્યારે અડધા કલાકના વેઇટિંગની તૈયારી રાખવાની જ રાખવાની. મારે પણ રાહ જોવાની હતી એટલે હું તો શાંતિથી ઊભો-ઊભો આખી પ્રોસેસ જોવા માંડ્યો. 

એક તવામાં તે જે ભાજી બનાવે એમાંથી ચાલીસથી પચાસ પ્લેટ ભાજી ઊતરે. અત્યારે બધા એવી ફરિયાદ કરે છે કે સરદારવાળો બટર બહુ નાખે છે. હકીકતમાં એવું નથી. હું તમને એ પ્રોસેસ જણાવું. સૌથી પહેલાં તો એ અંદાજે ૨૦૦ ગ્રામ જેટલું બટર નાખે અને પછી એમાં બહુબધા કાંદા નાખવામાં આવે. કાંદાને સાંતળી લીધા પછી એમાં સમારેલાં ટમેટાં અને પછી એમાં બટાટા નાખીને બધા મસાલા નાખે અને પછી એ બધું મૅશ કરી નાખે. એના પર બાફેલા લીલા વટાણા નાખે. ટમેટાં પણ પાણી છોડતાં હોય અને બાફેલા વટાણાનું પણ પાણી હોય એટલે જાડી ગ્રેવી બની જાય. આ બધું મૅશ કર્યા પછી ભાજી તૈયાર થાય અને પછી પ્લેટમાં કાઢતી વખતે દરેક પ્લેટમાં ઉપરથી બટર નાખવામાં આવે એટલું જ બટર એમાં હોય છે. હકીકતમાં એમની બનાવવાની પદ્ધતિમાં જરાય ફેર નથી પડ્યો, પણ આપણે બધા થોડા કૅલરી-કૉન્શ્યસ થઈ ગયા છીએ.


ગુજરાતમાં આપણા મુંબઈ જેવી પાંઉભાજી મળતી નથી. અરે, અમુક જગ્યાએ તો ભાજીમાં કાજુ અને દ્રાક્ષ પણ નાખે તો કેટલીક જગ્યાએ ભાજી સાથે ગળ્યા પાંઉ આપવામાં આવે. તમે જ કહો, જે સરદારની પાંઉભાજી ખાઈને નાનાથી મોટા થયા હોય તેને એ પાંઉભાજી કેવી રીતે ભાવે?!

ફરી આવી જઈએ આપણે સરદાર પાંઉભાજી પર તો આજે પણ એનો ટેસ્ટ એવો જ છે જે ટેસ્ટ મેં ૧૯૭૮માં પહેલી વાર કર્યો હતો. સરદાર પાંઉભાજીની એક ખાસિયત કહું, જે કદાચ તમે પણ નોટિસ કરી હશે. અહીં ભાજીમાં મીઠું સહેજ ઓછું નાખવામાં આવે છે કારણ કે ભાજી પર બટર પડતું હોય છે જેની ખારાશ ભાજીને બૅલૅન્સ કરવાનું કામ કરે છે. જો તમે બટર વિનાની ભાજી મગાવો તો તમારે એમાં ઉપરથી સહેજ મીઠું નાખવું પડે. જાતે કરેલા પ્રયોગ પછી હું આ તારણ પર પહોંચ્યો છું અને એ તારણ એ છે કે સરદારને આ જન્મારે તો કોઈ પહોંચી શકવાનું નથી, કોઈ નહીં. બસ, મારું તમને એટલું જ કહેવું છે કે હેલ્થ-કૉન્શ્યસ બન્યા વિના સરદારમાં જવાનું અને બટરથી લથબથ થયેલી પાંઉભાજી ખાવાની. શરીરની છએ છ ઇન્દ્રિય સુધી બટર અને ભાજીનો આસ્વાદ પહોંચી જશે.

ગૅરન્ટી મારી.

Whatsapp-channel Whatsapp-channel

21 February, 2026 05:02 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK