લાંબું જીવવું દરેક માણસને ગમે છે. શા માટે ગમે છે એ કદાચ કોઈને ખબર નથી. લાંબું જીવવું છે, પણ શા માટે જીવવું છે એ વિશે લગભગ દરેક માણસ અજ્ઞાત હશે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
તમારી ઉંમર કેટલી થઈ? એવો પ્રશ્ન જો કોઈ અચાનક પૂછે તો કોણ જાણે કેમ એનો ઉત્તર આપતાં પહેલાં એક ક્ષણ તમે અટકી જાઓ છો. ખોટો જવાબ આપવાનું કોઈ કારણ નથી, તમે ખોટો જવાબ આપવાના પણ નથી અને આમ છતાં આ પ્રશ્નનો ઉત્તર તત્કાળ હોઠની બહાર આવ્યા પહેલાં એક પાતળું પડ ચડી જાય છે. ૪૮ વરસનો માણસ ભૂલેચૂકે ૪૯ નહીં કહે, પણ ખાતરીબંધ ૪૭ કહેશે. માણસને ઉંમરમાં નાના રહેવું ગમે છે. આવું શા માટે છે એનો ખુલાસો પણ સત્વર જ મળે છે. ઉંમર જેમ વધે એમ મૃત્યુની લગોલગ પહોંચે છે એવી માન્યતા જડબેસલાક છે. ૭૦ કે ૮૦ વરસનો માણસ મૃત્યુ પામે એ જ રીતે ૫૦ કે ૬૦ અથવા તો ૩૦ કે ૪૦ની ઉંમરે પણ માણસનું આયુષ્ય પૂરું થઈ જાય છે એવું આપણે ધારી લઈએ છીએ. આ ધારણા સાવ ખોટી પણ નથી, પણ ઉંમરને આયુષ્ય સાથે સાંકળી દેવામાં ઉતાવળ પણ થાય છે. ઉંમર દેહધર્મ છે. આ દેહધર્મ આપોઆપ વ્યક્ત થઈ જતો હોય છે. બિગ બી અને સુપરસ્ટાર અમિતાભ બચ્ચને આ વિષયમાં એક મજાની વાત કરી છે. તેમણે કહ્યું કે ‘મને પૅન્ટ પહેરવામાં ભારે મુશ્કેલી પડે છે. હવે પૅન્ટ પહેરતી વખતે મારાથી એક પગ ઊંચો નથી થતો. ક્યાંક બેસી જવું પડે છે અથવા ક્યાંક ટેકો લેવો પડે છે.’ આવું આપોઆપ થાય છે. ઉંમર એનો પ્રભાવ દેખાડે છે, આપણને ગમે કે ન ગમે.
લાંબું જીવવું દરેક માણસને ગમે છે. શા માટે ગમે છે એ કદાચ કોઈને ખબર નથી. લાંબું જીવવું છે, પણ શા માટે જીવવું છે એ વિશે લગભગ દરેક માણસ અજ્ઞાત હશે. ૫૦ વરસની ઉંમરે કોઈ ચોક્કસ પ્રશ્નનો જવાબ તમે તત્કાળ આપી દેતા હતા. આજે ૭૦ વરસની ઉંમરે એ જ પ્રશ્નનો જવાબ તમારી પાસે એનો એ જ છે. તમને એ આવડે પણ છે, પણ એ જવાબ આપતાં પહેલાં તમે એક ક્ષણ રોકાઈ જશો. ૫૦ વરસની ઉંમરે આ જવાબ આપતી વખતે તમે રોકાયા નહોતા. આવું કેમ બને છે એની આપણને જાણ નથી, બને છે એટલું જ જાણીએ છીએ.
ADVERTISEMENT
જીવવું એટલે શું?
હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડ એક મજાની વાત કરે છે. તે કહે છે કે તમારા પલંગ પાસે ટિપાઈ પર પહેલાં ચાર્લી કે એવા કોઈ સુગંધી પદાર્થોની બૉટલો પડી રહેતી હતી; હવે જો હરડે, સુદર્શન કે કબજિયાતની કોઈ દવા પડી રહેતી હોય તો આપોઆપ ઉંમરમાં વધારો પ્રગટ થઈ જાય છે. દીર્ઘાયુષ હોવું એ ખોટું નથી, પણ એ દીર્ઘ આયુષ્ય સાથે કર્મોનો જે ઉઘાડ થાય છે એનું મહત્ત્વ વધારે છે. ૮૫ કે ૯૦ વરસનો માણસ પોતાની ૩ પેઢી જુએ છે એ વાત સાચી, પણ ૩ પેઢી જોવી એ હંમેશાં કંઈ સુખદ નથી હોતું. આ ૮૫ કે ૯૦ વરસના માણસે પોતાના કેટલાય સ્વજનો, પુત્ર, પુત્રી, અરે પૌત્ર સુધ્ધાં ચાલ્યાં જતાં જોવાં પડે છે! આવું જોયા પછી પણ જો તમને લાંબું આયુષ્ય સુખદ લાગતું હોય તો સુખની વ્યાખ્યા થોડીક સમજવી પડે. વૈદિક યજ્ઞમાં યજ્ઞદેવતા પાસે વૈદિક ઋષિ એવું વરદાન માગે છે કે હે દેવ! મારા પછી આવેલા ક્યારેય મારા પહેલાં ન જાય એવું વરદાન આપો. આ પછી અને પહેલાંની વાત સમજી લેવા જેવી છે.
૫૦ વરસની ઉંમરનો એક માણસ દોડવાની સ્પર્ધામાં ૩૦ વરસના માણસને પરાજિત કરે છે. ૩૦ વરસના માણસને શ્વાસ ચડી ગયો છે. ૫૦ વરસનો માણસ હજી એવી ને એવી તાજગીથી દોડે છે. એનો અર્થ એવો નથી થતો કે ૫૦ વરસનો આ માણસ લાંબું જીવશે અને ૩૦ વરસનો આ માણસ વહેલો મૃત્યુ પામશે. એવું બને કે પેલો ૩૦ વરસનો માણસ ૨૫, ૩૦ કે ૪૦ વરસ જીવી જાય અને પેલા ૫૦ વરસના માણસનો બીજા જ દિવસે દેહાંત થઈ જાય. એનું કારણ કોઈ જ જાણતું નથી. આપણને એટલી જ ખબર છે કે ઈશ્વરે જે શરીર આપ્યું છે એ શરીર કેટલું ચોક્કસ સામગ્રી સાથે આપ્યું છે. અમિતાભ બચ્ચનના હાથમાં તેણે બૅટ-બૉલ નથી આપ્યાં, કારણ કે અમિતાભને સચિન તેન્ડુલકર બનવાનું કામ સોંપાયું નથી. જો તેમને સચિન તેન્ડુલકર બનવાનું કામ સોંપાયું હોત તો ઈશ્વરે તેમના હાથમાં બૉલ અને બૅટ આપ્યાં હોત. આથી ઊલટું સચિન તેન્ડુલકરને ઈશ્વરે અભિનય-કલા નથી આપી, કારણ કે એ સામગ્રી તેના ખપની નહોતી. હવે અહીં એક સરસ સવાલ પણ પેદા થાય છે. ઈશ્વરે ટ્રસ્ટી તરીકે આપણને સોંપેલી સામગ્રી આપણે ઉચિત ધોરણે વાપરીએ છીએ ખરા? ધારો કે અમિતાભ બચ્ચન બૉલ-બૅટ લઈને ક્રિકેટ રમવા ઊતરી પડ્યા હોત તો શું તે સચિન તેન્ડુલકર બની શક્યા હોત ખરા?
બસ, જેવો છું એવો રહું
ઉંમર, આયુષ્ય અને જિંદગી આ ત્રણ શબ્દો એકાર્થી નથી. આમ છતાં કોણ જાણે કેમ આ ત્રણ પૈકીનો એક શબ્દ પણ બોલતાં કે સાંભળતાંવેંત આ ત્રણેયની અર્થછાયા એકસાથે સંકળાઈ જતી હોય એમ લાગે છે. બાવડાના ગોટલા એ કંઈ ઉંમર નથી અને ઉંમર એ કંઈ આયુષ્ય નથી. એ સાથે જ અલ્પાયુષી હોવું કે દીર્ઘાયુષી હોવું એ કંઈ જિંદગી નથી. માણસ સફેદ વાળ ન દેખાય એ માટે જાતભાતની હિકમત કરતો હોય છે. વાળ સફેદ હોય કે કાળા એનાથી જિંદગીમાં શું ફરક પડે છે? માણસને કોઈ પણ ભોગે આકર્ષક રહેવું છે અને આપણે કાળા વાળને આકર્ષક માની લીધા છે. ૩૫ વરસનો એક માણસ સ્વાસ્થ્ય ન સાચવી શકવાને કારણે પંચાવનનો દેખાય તો તેણે ૨૦ વરસ મેળવ્યાં છે એમ ન કહેવાય, પણ પંચાવન વરસનો એક માણસ સ્વાસ્થ્ય ન સાચવી શકવાને કારણે ૩૫નો દેખાય તો તેણે ૨૦ વરસ ગુમાવ્યાં છે એમ જરૂર કહી શકાય.
૨૦, ૪૦ કે ૬૦ બૉલ-બૅટ કે અભિનયકલા, ઉપરવાળાએ અહીં મોકલતી વખતે ભલે મુઠ્ઠી ખુલ્લી રાખી હતી, પણ એ ખુલ્લી મુઠ્ઠીમાં ચિતરામણ તો જરૂર કર્યું હતું. એ ચિતરામણ જો સમયસર દેખાઈ જાય તો ઉંમર, આયુષ્ય અને જિંદગી બધું એક જ છે.

