અમદાવાદમાં મોબાઇલના વળગણને કારણે હિંસક બનેલી ૧૬ વર્ષની દીકરીને કાબૂમાં લેવા માટે બાઉન્સર્સ રાખવા પડે એ કિસ્સો હચમચાવી નાખનારો છે.
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદમાં મોબાઇલના વળગણને કારણે હિંસક બનેલી ૧૬ વર્ષની દીકરીને કાબૂમાં લેવા માટે બાઉન્સર્સ રાખવા પડે એ કિસ્સો હચમચાવી નાખનારો છે. જ્યારે ટેક્નૉલૉજીની લત એટલી વધી જાય કે એને કાબૂમાં લેવા માટે આ હદે જવું પડે ત્યારે સમજવું જોઈએ કે સ્થિતિ હાથની બહાર જઈ ચૂકી છે. આ માત્ર એક ઘટના નથી, દરેક પરિવાર માટે ગંભીર ચેતવણી છે. આ કિસ્સો સાબિત કરે છે કે સ્માર્ટફોન હવે માત્ર સાધન નહીં પણ એક એવું ડિજિટલ ડ્રગ છે જે મગજને હાઇજૅક કરીને વર્તણૂકને હિંસક બનાવી શકે છે...
૧૬ વર્ષની દીકરીનું મોબાઇલને લઈને વળગણ એટલી હદે વધી ગયું હતું કે એને છોડાવવા માટે મમ્મી-પપ્પાએ તેના પર ૨૪ કલાક નજર રાખવા ૪ બાઉન્સર્સ રાખ્યા. મોબાઇલની લત એટલી વધી ગયેલી કે તેની વર્તણૂક પણ હિંસક થઈ ગઈ હતી. તેણે ગુસ્સામાં આવીને ટીવી અને માઇક્રોવેવ અવન તોડવાનું શરૂ કરી દીધું હતું. આટલું ઓછું હોય એમ તેણે પોતાની મમ્મી પર પર હિંસક હુમલો કર્યો હતો. અમદાવાદનો આ ચોંકાવનારો કિસ્સો ખરેખર તમામ પેરન્ટ્સ માટે લાલ બત્તી સમાન છે. આજના જમાનામાં મોબાઇલ ઍડિક્શનની સમસ્યા ખૂબ સામાન્ય થઈ ગઈ છે. નાનાથી લઈને મોટા બધા જ એનો શિકાર છે. ચિંતા ત્યારે વધી જાય જ્યારે મોબાઇલનું ઍડિક્શન એટલી હદનું વધી જાય કે તમે તમારા મગજ પરનો કાબૂ પણ ખોઈ બેસો. એમાં પણ બાળકો અને કિશોરોમાં મોબાઇલ ઍડિક્શનનું જોખમ વધુ હોય છે. એવામાં આપણા માટે એ જાણવું જરૂરી છે કે મોબાઇલ ઍડિક્શન કઈ હદ સુધી નુકસાન પહોંચાડી શકે છે? કઈ રીતે એ તમારા માઇન્ડને કન્ટ્રોલ કરે છે? સંતાનોને મોબાઇલ ઍડિક્શનની જાળમાં ફસતાં કેમ બચાવવાં અને જો ઍડિક્શન લાગવાનું શરૂ થઈ ગયું હોય તો વહેલી તકે કઈ રીતે આ વૉર્નિંગને સમજીને પગલાં લેવાનું શરૂ કરી દેવું જોઈએ? જો વળગણ હદની બહાર ચાલ્યું ગયું હોય તો કઈ રીતે એક્સપર્ટની મદદ લેવી જોઈએ. એવી જ રીતે સંતાનોને એક્સ્ટર્નલી કન્ટ્રોલ કરવાને બદલે તેમનામાં સ્વનિયંત્રણની ભાવના કેળવવી ખૂબ જરૂરી છે. એ માટે શું કરવું જોઈએ? એ તમામ વિશે એક્પર્ટ પાસેથી જાણી લઈએ.
ટીનેજર્સમાં મોબાઇલ ઍડિક્શન
બાળકો અને ટીનેજર્સ કેમ મોબાઇલની લતનો શિકાર જલદી બને છે એ પાછળનાં કારણો સમજાવતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. મીતા દોશી કહે છે, ‘બાળકો અને ટીનેજર્સનું મગજ હજી પૂરેપૂરું તૈયાર નથી થયું હોતું. ખાસ કરીને મગજનો આગળનો ભાગ, જે ‘બ્રેક’ મારવાનું કામ કરે છે (એટલે કે નિર્ણય લેવો કે કન્ટ્રોલ રાખવો), એ હજી વિકસતો હોય છે. એટલે જ તેમને ખબર નથી પડતી કે ક્યારે અટકવું. તેમને બસ અત્યારે જે મજા આવે છે એ જ દેખાય છે. ટીનેજર્સના મગજમાં ‘રિવૉર્ડ સિસ્ટમ’ (આનંદ આપતી સિસ્ટમ) સુપરઍક્ટિવ હોય છે. જેવું કોઈ નોટિફિકેશન આવે કે ગેમમાં નવો સ્કોર બને એટલે તેમને પુખ્ત વયના લોકો કરતાં અનેકગણો વધારે આનંદ આવે છે. આ જ કારણ છે કે તેમને વારંવાર એ જ વસ્તુ કરવાનું મન થાય છે. મોબાઇલ વાપરતી વખતે મગજમાં ડોપામિન નામનું કેમિકલ રિલીઝ થાય છે જે આપણને ખુશ રાખે છે. ટીનેજર્સમાં આ કેમિકલની અસર બહુ પાવરફુલ હોય છે. એક લાઇક કે એક નવો વિડિયો તેમના માટે કોઈ મોટું ઇનામ જીત્યા હોય એવો અનુભવ કરાવે છે અને ધીમે-ધીમે આ જ વસ્તુ લત બની જાય છે. મોટા માણસો વિચારી શકે છે કે ચલો, હવે બહુ થયું, કામ કરવાનું છે; પણ બાળકોમાં આ રોકાઈ જવાની ક્ષમતા હજી ડેવલપ થઈ રહી હોય છે એટલે તેઓ કલાકો સુધી રીલ્સ જોયા કરે છે અને સમયની મર્યાદા ભૂલી જાય છે. આ ઉંમરે ફ્રેન્ડ્સ અને સોશ્યલ સર્કલમાં ફેમસ થવાની બહુ ઇચ્છા હોય છે. સોશ્યલ મીડિયા પર મળતી લાઈક્સ, કમેન્ટ્સ અને ફૉલોઅર્સ તેમને એવું ફીલ કરાવે છે કે તેઓ પણ ઇમ્પોર્ટન્ટ છે. આ વૅલિડેશનની ભૂખ તેમને સતત મોબાઇલ સાથે જોડી રાખે છે.’
ઍડિક્શન હિંસક કેમ બનાવે છે?
ઍડિક્શન હોય ત્યારે મોબાઇલ છીનવી લેવા પર કેમ ટીનેજર્સને આટલો બધો ગુસ્સો આવી જતો હોય છે એ સમજાવતાં ડૉ. મીતા દોશી કહે છે, ‘મોબાઇલ વાપરતી વખતે મગજ હાઈ ડોપમીન ઝોનમાં હોય છે. જેવો ફોન લઈ લેવામાં આવે એટલે મગજને એકાએક જોરદાર બ્રેક લાગે છે. આ અચાનક આવેલો ખાલીપો મગજ સહન નથી કરી શકતું જેને કારણે વ્યક્તિ બેચેન અને અત્યંત ચિડચિડી થઈ જાય છે. ટીનેજર્સ માટે તેમની ઑટોનોમી બહુ કીમતી હોય છે. માતા-પિતા જ્યારે ફોન છીનવી લે છે ત્યારે તેમને લાગે છે કે તેમની પર્સનલ સ્પેસ પર હુમલો થયો છે. આ કન્ટ્રોલ ગુમાવવાનો ડર તેમને વિરોધ કરવા કે સામે પડવા માટે મજબૂર કરે છે. આ ઉંમરે મગજ લાગણીઓ અનુભવવામાં તો એક્સપર્ટ હોય છે, પણ એને શાંત પાડવામાં (ઇમોશનલ રેગ્યુલેશન) કાચું હોય છે. એટલે જ જ્યારે તેમને ગુસ્સો આવે છે ત્યારે એ સામાન્ય ગુસ્સો રહેવાને બદલે હિંસક પ્રતિક્રિયામાં ફેરવાઈ જાય છે, કારણ કે મગજ પાસે એને રોકવા માટેનું પૂરતું લૉજિક હોતું નથી. ટીનેજર્સ માટે ફોન એ માત્ર એક ગૅજેટ નથી પણ તેમની સોશ્યલ લાઇફલાઇન છે. તેમના મિત્રો, તેમની વાતો, તેમની પર્સનલ ઇમેજ બધું જ ત્યાં છે. ફોન જવાથી તેમને એવું લાગે છે કે જાણે તેઓ દુનિયાથી કપાઈ ગયા છે જે તેમને ડર અને ગુસ્સો અપાવે છે. ઘણી વાર બાળકો સ્કૂલના ટેન્શન, એકલતા કે અન્ય માનસિક મૂંઝવણથી બચવા માટે મોબાઇલને એક એસ્કેપ (બચવાનો રસ્તો) તરીકે વાપરે છે. જ્યારે આ રસ્તો બંધ થઈ જાય ત્યારે વર્ષોથી અંદર દબાયેલું સ્ટ્રેસ કે ઍન્ગ્ઝાયટી એકસાથે વિસ્ફોટની જેમ બહાર આવે છે.’
આમાં પેરન્ટ્સની શું ભૂમિકા?
અમદાવાદનો આ કિસ્સો વાલીઓની લાચારી તો બતાવે જ છે, પણ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો આવાં કડક પગલાં લેવા પાછળ એક મોટી સમજણની ખામી છે. એ વિશે વાત કરતાં સાઇકોલૉજિસ્ટ નિરાલી ભાટિયા કહે છે, ‘મોબાઇલ ઍડિક્શન એ માત્ર કોઈ ખરાબ આદત નથી, પણ એક માનસિક ગૂંચવણ છે જેને ડરાવી-ધમકાવીને ઉકેલી શકાતી નથી. ખરેખર તો બાળકો માટે મોબાઇલ જીવનના ટેન્શન, એકલતા કે સ્ટ્રેસમાંથી બહાર નીકળવાનો એક રસ્તો હોય છે. જ્યારે તમે અચાનક ફોન છીનવી લો કે બાઉન્સર્સ ઊભા કરી દો ત્યારે તમે બાળક પાસેથી તેનો એ માનસિક સહારો છીનવી લો છો. કોઈ પણ નશા જેવી આદત જ્યારે અચાનક છોડાવવામાં આવે ત્યારે જે રીઍક્શન આવે એ જ અહીં હિંસક વર્તણૂક તરીકે જોવા મળે છે. આવા આકરા નિર્ણયોથી વાત સુધરવાને બદલે વધુ બગડે છે, કારણ કે બાળકને લાગે છે કે તેના પોતાના જ પેરન્ટ્સ તેની વિરુદ્ધ થઈ ગયા છે. છેવટે આ આખી બાબત આદત છોડાવવાને બદલે વર્ચસની લડાઈ બની જાય છે જે લાંબા ગાળે ક્યારેય સફળ થતી નથી. મોબાઇલના વળગણને દૂર કરવા માટે બાળક પર બાહ્ય દબાણ લાવવાને બદલે તેનામાં સ્વનિયંત્રણ કેળવવું જરૂરી છે. આ કોઈ એક દિવસનું કામ નથી, પણ એક સતત ચાલતી પ્રક્રિયા છે. સ્વનિયંત્રણ ક્યારેય માત્ર કન્ટ્રોલ કે પકડ મજબૂત કરવાથી આવતું નથી. એ જાગૃતિ, પરસ્પરનો વિશ્વાસ અને ભાવનાત્મક સુરક્ષા દ્વારા કેળવાય છે. બાળકને ‘આ ન કર’ અથવા ‘પેલી વસ્તુ છોડી દે’ એવી સૂચનાઓ આપવાને બદલે મોબાઇલનો અતિરેક તેના મન અને શરીર પર શું અસર કરી રહ્યો છે એ સમજવામાં તેની મદદ કરવી જોઈએ. તેને એવા સાદા પ્રશ્નો પૂછો કે કલાકો સુધી સ્ક્રીન સામે બેઠા પછી તેને અંદરથી કેવું અનુભવાય છે? જ્યારે તમે મોબાઇલના વપરાશ માટેની મર્યાદા કે ઘરના નિયમો નક્કી કરો ત્યારે એમાં બાળકને પણ સામેલ કરો. જો તે પોતે જ નિર્ણય લેવાની પ્રક્રિયાનો ભાગ હશે તો તેને એ નિયમ પાળવાની જવાબદારી સમજાશે અને તે એને વધુ સારી રીતે અનુસરી શકશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે માત્ર સ્ક્રીન હટાવી લેવી પૂરતી નથી, પરંતુ મોબાઇલ દ્વારા મળતા સંતોષના વિકલ્પો પણ તેને આપવા પડશે. દાખલા તરીકે જો બાળક પોતાની એકલતા દૂર કરવા માટે મોબાઇલ વાપરતું હોય તો તેને એને બદલે પરિવારનો સાથ કે અન્ય કોઈ પ્રવૃત્તિ મળવી જોઈએ. જો આ ખાલીપો નહીં ભરાય તો તેની મોબાઇલ માટેની તલપ ક્યારેય ઘટશે નહીં અને તેના માટે પોતાની જાત પર નિયંત્રણ રાખવું અત્યંત મુશ્કેલ બની જશે.’
લતને સમજીને ઉપાયો કરો
સંતાનો મોબાઇલના ઍડિક્શનમાં ફસાઈ જાય એ પહેલાં જ સમજદારીથી કઈ રીતે કામ લેવું જોઈએ એ વિશે વાત કરતાં નિરાલી ભાટિયા કહે છે, ‘જ્યારે બાળક ફોનના વ્યસનમાં ફસાઈ જાય છે ત્યારે સ્ક્રીન વગર તેને મનમાં એક પ્રકારનો ખાલીપો અનુભવાય છે જે વાસ્તવમાં મગજની ગતિ ધીમી પડી જવાની પ્રક્રિયા છે. બાળકો ઑનલાઇન દુનિયાના સતત મળતા હાઈ-સ્પીડ સ્ટિમ્યુલેશન (ઉત્તેજના)થી એટલાં ટેવાઈ ગયાં હોય છે કે તેમને વાસ્તવિક દુનિયાની સામાન્ય ગતિ ખૂબ જ કંટાળાજનક લાગે છે. આ ખાલીપાને ભરવા માટે બાળપણથી જ કંટાળા (બોરડમ)ને સહન કરવાની અને સ્વીકારવાની આદત પાડવી જોઈએ, કારણ કે જો બાળક કંટાળે ત્યારે તરત જ તેને ફોન આપી દેવામાં આવશે તો તેનું મગજ એવું શીખી જશે કે મનોરંજન માટે હંમેશાં ડિવાઇસની જરૂર છે. આથી માત્ર સ્ક્રીન હટાવી લેવી પૂરતી નથી. એની જગ્યાએ શારીરિક ગતિવિધિઓ, રિયલ વર્લ્ડ ઇન્ટરઍક્શન અને સર્જનાત્મકતા લાવવી જરૂરી છે જેથી મગજને કુદરતી રીતે સંતોષ મળે. બાળકોમાં મોબાઇલનું વળગણ છોડાવવા માટે તેને સંપૂર્ણપણે ઑનલાઇન દુનિયાથી કાપી નાખવાને બદલે એના વપરાશ પર નિયંત્રણ રાખવું વધુ હિતાવહ છે. જો તેના તમામ મિત્રો ઑનલાઇન હોય અને તમે તેને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી દો તો તે બાળક વધુ એકલું પડી જશે. આથી માતા-પિતાએ ઘરે મોબાઇલ વાપરવા માટેના ચોક્કસ નિયમો અને સમયમર્યાદા નક્કી કરવાં જોઈએ. આ સાથે જ બાળકોમાં આત્મવિશ્વાસ કેળવવો પણ એટલો જ જરૂરી છે. ઑનલાઇન દુનિયામાં બાળકો સતત બહારથી મળતા પ્રોત્સાહન અને વૅલિડેશનની અપેક્ષા રાખે છે, પરંતુ માતા-પિતાએ તેમને પોતાની જાત પર વિશ્વાસ રાખતાં શીખવવું જોઈએ જે બહારની દુનિયા પર નિર્ભર ન હોય. આ એક એવી પ્રક્રિયા છે જેમાં માત્ર ફોન છીનવી લેવો ઉકેલ નથી, પણ એની નિર્ભરતા ઘટાડવી એ જ મુખ્ય હેતુ હોવો જોઈએ. ડિજિટલ ડીટૉક્સનો અર્થ એ નથી કે અચાનક બધું જ છીનવી લેવું, કારણ કે એનાથી સ્થિતિ વધુ બગડી શકે છે. સૌથી પહેલાં એવા કન્ટેન્ટને ઓછું કરો જે મગજને વધુ પડતું ઉત્તેજિત (હાઈ સ્ટિમ્યુલેશન) કરે છે. બાળકોને તેમનું ફીડ એ રીતે સેટ કરવામાં મદદ કરો જેમાં માત્ર મનોરંજનને બદલે શૈક્ષણિક અને કંઈક નવું શીખવા મળે એવું કન્ટેન્ટ હોય. મોબાઇલ વાપરવા માટેનો એક ચોક્કસ સમય નક્કી કરો. સ્ક્રીન-ટાઇમ ઘટાડવાની સાથે તેને અન્ય અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ સાથે બદલવી જરૂરી છે.’
ઑનલાઇનની દુનિયામાં બાળકો સતત બહારથી મળતા પ્રોત્સાહન અને વૅલિડેશનની અપેક્ષા રાખે છે, પરંતુ માતા-પિતાએ તેમને પોતાની જાત પર વિશ્વાસ રાખતાં શીખવવું જોઈએ જે બહારની દુનિયા પર નિર્ભર ન હોય. આ એક એવી પ્રક્રિયા છે જેમાં માત્ર ફોન છીનવી લેવો ઉકેલ નથી, પણ એની નિર્ભરતા ઘટાડવી એ જ મુખ્ય હેતુ હોવો જોઈએ.
- નિરાલી ભાટિયા, સાઇકોલૉજિસ્ટ
ડૉક્ટર પાસે ક્યારે જવું?
મોબાઇલ ઍડિક્શનના કેસમાં સાઇકોલૉજિસ્ટ કે સાઇકિયાટ્રિસ્ટ પાસે ક્યારે જવું જોઈએ એ વિશે જણાવતાં ડૉ. મીતા દોશી કહે છે, ‘જ્યારે કોઈ વ્યક્તિ માટે મોબાઇલ એટલો મહત્ત્વનો બની જાય કે તે પોતાની ઊંઘ, ખોરાક કે વ્યક્તિગત સ્વચ્છતા પ્રત્યે પણ બેદરકાર રહેવા લાગે. જો અભ્યાસ કે નોકરી જેવી પાયાની જવાબદારીઓ કરતાં ફોન વાપરવો વધુ જરૂરી લાગે તો એ લાલ બત્તી સમાન છે. જો ફોન પાસે ન હોય ત્યારે વ્યક્તિ સામાન્ય રહેવાને બદલે અત્યંત આક્રમક થઈ જાય, નાની-નાની વાતમાં ચિડાઈ જાય અથવા તેને સતત ગભરામણ અનુભવાય તો સમજવું કે તેના મગજ પર ડિજિટલ પકડ મજબૂત થઈ ગઈ છે. વ્યક્તિ મનમાં અનેક વાર નક્કી કરે કે તે સ્ક્રીન-ટાઇમ ઘટાડશે છતાં પોતાની જાત પર કાબૂ ન રાખી શકે ત્યારે એ લાચારીની સ્થિતિ છે. આ ઉપરાંત પરિવાર કે મિત્રો સાથે સમય વિતાવવાને બદલે એકાંતમાં જઈને મોબાઇલ વાપરવો અને એના વિશે ઘરના સભ્યો સાથે જૂઠું બોલવાનું શરૂ કરવું એ વ્યસનની ગંભીર નિશાની છે.’
