ગુજરાતમાં પહેલી વાર કચ્છમાં મહેસૂલી તંત્ર દ્વારા થઈ આવકારદાયક કાર્યવાહી: ભુજ, માંડવી, મુંદ્રા, નખત્રાણા, અબડાસા, અંજાર, ભચાઉ, રાપર અને લખપત તાલુકાનાં ગામડાંઓમાં બનશે રમતનાં મેદાન
કચ્છના ગામની પડતર જમીન પર હવે બનશે રમતનું મેદાન.
ગુજરાતમાં પહેલી વાર કચ્છમાં મહેસૂલી તંત્ર દ્વારા આવકારદાયક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં કચ્છનાં ૧૦૫ ગામડાંઓની પડતર સરકારી જમીનો પર રમતગમતનાં મેદાનો બનશે અને એને સત્તાવાર દરજ્જો અપાયો છે.
ગુજરાતમાં ૨૦૩૦ની કૉમનવેલ્થ ગેમ્સ રમાવાની છે અને ૨૦૩૬માં ઑલિમ્પિક્સ ગુજરાતમાં રમાય એ માટેના પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતના કચ્છમાં બાળકોને માટે ગામડે-ગામડે રમતનાં મેદાનો તૈયાર કરાવીને ખેલાડીઓ તૈયાર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. એક મહિનામાં ફીલ્ડ-વિઝિટ કરીને કચ્છ જિલ્લામાં પડતર પડેલી સરકારી જમીનોની ઓળખ કરીને તેમ જ જરૂરી મહેસૂલપ્રક્રિયા પૂરી કરીને આ સરકારી જમીનોને રમતગમતના મેદાન તરીકે સત્તાવાર દરજ્જો આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ક્યાં કેટલાં મેદાનો?
કચ્છના મહેસૂલી તંત્રએ ઝુંબેશ આદરીને કચ્છના ૯ તાલુકાઓ પૈકી માંડવીમાં ૩૭, મુંદ્રામાં ૧૪, ભુજમાં ૮, નખત્રાણામાં પાંચ, અબડાસામાં ૧૦, અંજારમાં ૧૨, ભચાઉમાં પાંચ, રાપરમાં ૯ અને લખપતમાં પાંચ મળીને કુલ ૧૦૫ રમતગમતનાં મેદાનો નક્કી કર્યાં છે. આ કામગીરીથી કુલ ૮,૪૯,૮૭૦ ચોરસમીટર જમીન નીમ થતાં રમતગમત ક્ષેત્રે કચ્છનાં બાળકોનું ભવિષ્ય ઊજળું બનશે.
