Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > બાળક એક વર્ષનું થાય એ પહેલાં સાકર-મીઠું ખવડાવવાં કે નહીં?

બાળક એક વર્ષનું થાય એ પહેલાં સાકર-મીઠું ખવડાવવાં કે નહીં?

Published : 20 August, 2025 01:58 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

આજકાલ લોકોમાં ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, સ્થૂળતા જેવી લાઇફસ્ટાઇલ સંબંધિત બીમારી ખૂબ જ કૉમન છે. એવામાં આજના યંગ પેરન્ટ્સનો એવો પ્રયત્ન રહેતો હોય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજકાલ લોકોમાં ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, સ્થૂળતા જેવી લાઇફસ્ટાઇલ સંબંધિત બીમારી ખૂબ જ કૉમન છે. એવામાં આજના યંગ પેરન્ટ્સનો એવો પ્રયત્ન રહેતો હોય છે કે તેમના બાળકનું જમવાનું હેલ્ધી હોય, તેમને હેલ્ધી ફૂડ ખાવાની આદત પડે એ રીતનો ટેસ્ટ ડેવલપ થાય. લોકોમાં વધતી જતી અવેરનેસને પગલે એક વર્ષ સુધીના બાળકને સૉલ્ટ અને શુગરથી બિલકુલ દૂર રાખવાની વાતો થાય છે જેથી તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર ન પડે. આજે આપણે પણ એક્સપર્ટ પાસેથી આ વિશે જાણી લઈએ


જોડિયાં બાળકીઓની મમ્મી રૂબીના દિલૈક અનેક વાર કહી ચૂકી છે કે તે તેની જોડિયાં દીકરીઓને સૉલ્ટ અને શુગર આપતી નથી. તેમના માટે હંમેશાં ઘરનું સિમ્પલ અને પ્લેન ખાવાનું જ બને છે. ડૉક્ટર્સ પણ હંમેશાં સલાહ આપતા હોય છે કે બાળક એક વર્ષનું ન થાય ત્યાં સુધી તેને સાકર કે મીઠું આપવું ન જોઈએ. આજના જમાનાની મૉડર્ન મમ્મીઓ આ વાત સમજે છે, પણ ઘરના વડીલો સમજતા નથી. એ લોકોની એવી દલીલ હોય કે અમે તો બાળકોને બધું ખવડાવીને મોટાં કર્યાં છે, તેમને તો કંઈ થયું નથી તો વળી હવે શું એવું બદલાઈ ગયું છે? એ લોકો એમ વિચારે કે બાળકને સાકર-મીઠા વગરના ભોજનમાં ટેસ્ટ ક્યાંથી આવશે? બાળકને ભોજન ભાવશે નહીં તો ખાશે કેમ? ખાશે નહીં તો તાજુંમાજું કેમ થશે? ઘણાં ઘરોમાં બાળકને સૉલ્ટ અને શુગર આપવાને લઈને માતા અને દાદા-દાદી વચ્ચે મતભેદો પણ થતા હોય છે. એવામાં બાળકોને શુગર-સૉલ્ટવાળી વસ્તુ કેમ ન આપવી, બાળકના શરીર પર એની કેવી અસર થઈ શકે, બાળક પ્લેન ફૂડ ખાવામાં નખરાં કરતું હોય તો શું કરી શકાય, આયુર્વેદમાં આને લઈને શું કહેવાયું છે એ તમામ વિશે માહિતી મેળવીએ.



સામાન્ય રીતે અનેક પીડિયાટ્રિશ્યન એવી સલાહ આપતા હોય છે કે બાળક એક વર્ષનું ન થઈ જાય ત્યાં સુધી તેમને શુગર અને સૉલ્ટથી દૂર રાખવાં જોઈએ, તેમને મીઠા અને સાકર વગરનું જ ભોજન આપવું જોઈએ. એનું કારણ એ છે કે તેમની કિડની સંપૂર્ણ રીતે વિકસિત હોતી નથી. એટલે એ અસરકારક રીતે સોડિયમને પ્રોસેસ કરી શકતી નથી. એટલે મીઠું ખવડાવવાથી તેમની કિડની પર અનાવશ્યક બોજ પડે છે. એમ પણ તેમને માતાના દૂધ તેમ જ ફળો, શાકભાજીમાંથી પર્યાપ્ત પ્રમાણમાં સોડિયમ મળી જાય છે એટલે અલગથી મીઠું ખવડાવવાની જરૂર હોતી નથી. બાળકોનો સોડિયમ-ઇન્ટેક વધી જાય તો આગળ જતાં મોટી ઉંમરમાં બ્લડપ્રેશરનું કિડની પર ભાર વધવાનું જોખમ વધી જાય છે. એવી જ રીતે અલગથી રિફાઇન્ડ શુગર આપવાને બદલે ફ્રૂટ્સ જેવા પ્રાકૃતિક સ્રોતમાંથી મળતી મીઠાશનો આનંદ બાળકોને લેવા દેવો જોઈએ. શરૂઆતના સમયગાળામાં બાળકોનો ટેસ્ટ ડેવલપ થતો હોય છે. એવામાં તેમને વધુ  શુગર, સૉલ્ટવાળું ભોજન આપવામાં આવે તો તેમનો ટેસ્ટ એ રીતે ડેવલપ થશે કે તેમને ચૉકલેટ, ચિપ્સ, જન્ક ફૂડ એ બધું વધારે ભાવશે. તેમની આવી ફૂડ હૅબિટને કારણે ડાયાબિટીઝ, સ્થૂળતા, બ્લડપ્રેશર વગેરે જેવી લાઇફસ્ટાઇલ સંબંધિત બીમારીનું જોખમ વધી જાય છે. 


આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપતાં પીડિયાટ્રિશ્યન ડૉ. પ્રણવ સંઘવી કહે છે, ‘છેલ્લા થોડા સમયથી એક વર્ષ સુધીનાં બાળકોને બિલકુલ સૉલ્ટ અને શુગર ન આપવાનો ટ્રેન્ડ વાઇરલ થયો છે, પણ એના સાયન્ટિફિક એવિડન્સ સીમિત છે. નાનું બાળક જ નહીં, કોઈ પણ ઉંમરના લોકો માટે એક્સ્ટ્રા શુગર અને એક્સ્ટ્રા સૉલ્ટ સારાં નથી. જોકે ડેઇલી રૂટીનના કુકિંગમાં ટેસ્ટ માટે આપણે એનો થોડા પ્રમાણમાં ઉપયોગ કરીએ તો એનાથી એવો કોઈ ખાસ વાંધો આવતો નથી. વાંધો ત્યારે આવે જ્યારે તમે એક્સ્ટ્રા સૉલ્ટ અને શુગર બાળકને આપો. એક-બે વર્ષ સુધી બાળકને તમે બિલકુલ સૉલ્ટ કે શુગર ન આપો અને પછી તે મોટું થાય એટલે અચાનકથી બધું ખવડાવવાનું શરૂ કરી દો તો બાળકના શરીરને જે વસ્તુની આદત નથી એનો લોડ વધવા લાગશે. એટલે ઝીરો શુગર-સૉલ્ટ કરતાં એક્સ્ટ્રા અવૉઇડ કરવા પર વધુ ધ્યાન રાખવું જોઈએ. તમે બાળકને દૂધમાં સાકર મિક્સ કરીને ન આપી શકો પણ જો કોઈક જગ્યાએ કુકિંગમાં થોડું મીઠું-સાકર વાપરવા પડે તો એમાં કોઈ વાંધો નથી. એવી જ રીતે જો તમારા બાળકને સૉલ્ટ-શુગર વગરના ફૂડથી કોઈ વાંધો ન હોય, તે આરામથી ખાઈ લેતું હોય તો એ તેના માટે બેસ્ટ છે. જોકે મારી પાસે છ મહિનાથી લઈને બે વર્ષ સુધીના બાળકની ઘણી એવી મમ્મીઓ ફરિયાદ લઈને આવે છે કે બાળક ખાતું જ નથી, ભૂખ્યું રહે અને પછી સ્તનપાન કરવા માટે જીદ કરે. એને કારણે તેમનામાં આયર્ન ડેફિશિયન્સી જોવા મળે, કબજિયાતની સમસ્યા થઈ જાય. એવા વખતે બાળક ખાતું થાય એ માટે થોડું સૉલ્ટ કે સ્વીટમાં થોડા ગોળનો ઉપયોગ કરી લો તો ચાલે. છ મહિના પછી બાળકની પોષણની જરૂરિયાત ફક્ત દૂધથી પૂરી થતી નથી એટલે તેમને હેલ્ધી સૉલિડ ફૂડ ખવડાવવું જ પડે, નહીંતર તેમનો વિકાસ બાધિત થઈ શકે. ઘણી વાર બાળકને ડીહાઇડ્રેશનનો પ્રૉબ્લેમ થાય તો અમે ORS (ઓરલ રીહાઇડ્રેશન સૉલ્યુશન) આપતા હોઈએ છીએ. એમાં સોડિયમ, ગ્લુકોઝ હોય જ છે. તમે બાળકને તેની ઉંમર અને વજનના હિસાબે જેટલું રેકમન્ડ કરવામાં આવ્યું છે એટલી માત્રામાં આપો તો વાંધો ન આવે. એ સિવાય જો બાળકની ફૅમિલી-હિસ્ટરીમાં કોઈને ડાયાબિટીઝ, ઓબેસિટીની સમસ્યા હોય અથવા તો બાળક ઓવરવેઇટ હોય ત્યારે તેની ડાયટમાં સૉલ્ટ-શુગરના ઉપયોગને લઈને ખૂબ સાવચેતી રાખવી જરૂરી છે. પેરન્ટ્સે ફક્ત શરૂઆતના એક-બે વર્ષ નહીં, પણ બાળક મોટું થાય ત્યારે પણ તેની ડાયટમાં ચૉકલેટ, ચિપ્સ વગેરે જેવી એક્સ્ટ્રા-સૉલ્ટ અને શુગરવાળી વસ્તુનો સમાવેશ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ.’

આયુર્વેદ શું કહે છે? 


એક વર્ષ સુધીનાં બાળકોને મીઠું-સાકર આપવા મુદ્દે આયુર્વેદ શું કહે છે એ વિશે માહિતી આપતાં ડૉ. જૈના પટવા કહે છે, ‘એક વર્ષ સુધીનાં નાનાં બાળકોમાં અગ્નિ કમજોર હોય છે. એટલે તેમની પાચનશક્તિ સંપૂર્ણ રીતે વિકસિત થયેલી હોતી નથી. મીઠું શરીરમાં વાતને વધારે છે, ડ્રાયનેસ લાવે છે, કિડની પર અનાવશ્યક લોડ નાખી શકે છે તેમ જ ડ્રાયનેસને કારણે કબજિયાતની સમસ્યા પણ વધી શકે છે. આયુર્વેદના હિસાબે બાલ્યાવસ્થામાં કફકાળ, મધ્યમાવસ્થામાં પિત્તકાળ અને વૃદ્ધાવસ્થામાં વાતકાળ હોય છે. એટલે તમે જોશો તો બાળકને જેવી સીઝન બદલાય કે આહારમાં અસંગત વસ્તુઓ અપાઈ જાય તો શરદી થઈ જાય છે. એવામાં સાકર કફ દોષ વધારવાનું કામ કરે છે. આયુર્વેદમાં મધુર રસને પોષણકારી અને બળવર્ધક માનવામાં આવે છે, પણ એનો સ્રોત રિફાઇન્ડ શુગરને બદલે કુદરતી રીતે મીઠાશ ધરાવતાં ફળો-શાકભાજી હોવાં જોઈએ. બાળકોને ફળો પણ બૉઇલ અથવા તો સ્ટીમ કરીને આપવાં જોઈએ. તમે કુદરતી મીઠાશ ધરાવતાં વેજિટેબલ્સ જેમ કે ગાજર, શક્કરિયાં બાફીને મૅશ કરીને આપી શકો. એવી જ રીતે દાળનું પાણી, ખીચડી વગેરે જેવા આહારનો સ્વાદ વધારવા માટે મીઠાની જગ્યાએ જીરું, ધાણા, હળદર, હિંગ, અદરક વગેરેનો ઉપયોગ કરવો જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

20 August, 2025 01:58 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK