યોગ સામાન્ય એક્સરસાઇઝથી એટલે જ ઉત્તમ માનવામાં આવતા હશે કારણ કે એ ઋતુ પ્રમાણે અને વ્યક્તિની તાસીર પ્રમાણે બદલાય છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
એક્સરસાઇઝ કરવાથી શરીર ગરમ થાય છે અને બહાર જ્યારે અકળાવનારી ગરમી હોય ત્યારે એક્સરસાઇઝ કરીને શરીરની અંદર પણ ગરમી ઉત્પન્ન કરી શરીરને અકળાવવાની ઇચ્છા કોઈને થતી નથી. એટલે જ ઘણા લોકો ઉનાળામાં એક્સરસાઇઝ કરવાનું ટાળે છે. જોકે યોગ સામાન્ય એક્સરસાઇઝથી એટલે જ ઉત્તમ માનવામાં આવતા હશે કારણ કે એ ઋતુ પ્રમાણે અને વ્યક્તિની તાસીર પ્રમાણે બદલાય છે. જેમ કે શિયાળામાં જે યોગ કરવામાં આવે છે એ ઉનાળાની ગરમીમાં કરવામાં આવતા નથી. આ ફરક બીજી એક્સરસાઇઝમાં જોવા મળતો નથી. હાલ મુંબઈમાં પણ ભયંકર ગરમી છે. આ ગરમીને કારણે ફક્ત શરીર જ નહીં, મન પર પણ અસર પડે છે. શરીર અને મન પર દેખાતાં ગરમીનાં બધા જ પ્રકારનાં ચિહ્નો પર યોગ દ્વારા કાબૂ કરી શકાય છે.
ઉનાળામાં ખાસ કરીને શીતલી અને સિત્કારી પ્રાણાયામ એવા છે જે શરીરને અંદરથી ઠંડક આપે છે. આ પ્રાણાયામમાં શ્વાસ નાકથી નહીં મોઢાથી અંદર લેવાનો હોય છે. જ્યારે આપણે નાકથી શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે એ ફિલ્ટર થઈને અંદર આવે છે અને એ થોડો ગરમ કે ઉષ્ણ બને છે. જ્યારે મોઢાથી આપણે શ્વાસ લઈએ ત્યારે દાંતની વચ્ચે જે નાની જગ્યા હોય ત્યાંથી અને જીભ પરથી પસાર થઈને આવતો આ શ્વાસ ફિલ્ટર નથી થતો પરંતુ ઠંડો થઈ જાય છે. આ શ્વાસ ફેફસાંમાં જાય ત્યારે એ શ્વાસની ઠંડક લોહીમાં ભળે છે. એનાથી કાળજાને તો ઠંડક પહોંચે જ છે, લોહીમાં પણ શીતળતા ભળે છે. એટલે જ આ પ્રાણાયામ ઉનાળામાં કરવામાં આવે છે.
ADVERTISEMENT
ઉનાળામાં યોગ કરવા હોય તો વહેલી સવારે ૯ વાગ્યા પહેલાં અને સાંજે પાંચથી ૭ વાગ્યા વચ્ચે કરવા જોઈએ. દિવસ દરમ્યાન યોગ કરતા હો તો ખાસ ધ્યાન રાખવું. એવાં આસનો ન કરવાં જેથી શરીરની ગરમી વધે. એનાથી બૅલૅન્સિંગ ખોરવાય છે. યોગનો મૂળભૂત સિદ્ધાંત બૅલૅન્સ કરવાનો છે, બૅલૅન્સ ખોરવવાનો નહીં. સૂર્યનમસ્કાર ઉપયોગી છે, પરંતુ ઉનાળામાં દિવસ દરમ્યાન એ ન કરો. કરવા જ હોય તો એને વહેલી સવારે કે ઢળતી સાંજે કરી શકાય. સૂર્યનમસ્કારથી શરીરમાં ઘણી હીટ જનરેટ થાય છે જે ઉનાળામાં યોગ્ય નથી. જો વાતાવરણમાં ગરમી વધુ હોય તો ઊભા રહીને કરવાનાં આસનો ન કરો અથવા ઓછાં કરો. સૂતા-સૂતા જે આસનો થાય એ કરી શકાય. એનર્જીને યોગ્ય રીતે વાપરવી એ પણ યોગનો જ નિયમ છે. એને ધ્યાનમાં રાખવો. સૂક્ષ્મ વ્યાયામ જેને ઘણા લોકો વૉર્મ-અપ કહે છે એના પર ઉનાળામાં ખાસ ધ્યાન આપો અને એ વ્યવસ્થિત કરો. આ ઉપરાંત માઇલ્ડ સ્ટ્રેચિંગ કરો. એ કરતા હો ત્યારે ધ્યાન રાખો કે પાણીની કમી થાય નહીં, નહીંતર સ્નાયુ ખેંચાઈ જશે અને તકલીફ થશે.
