મનપસંદ વ્યંજનો જોઈને મન પર કાબૂ ન રહે એ સ્વાભાવિક, પણ કેટલા પ્રમાણમાં એ ખાવાં જોઈએ એનું ભાન ન રહેતાં પેટ ભરાઈ જાય પણ મન ન ભરાય એવી કન્ડિશન થઈ જાય છે. જો આવું છાશવારે થાય તો ભારે ભોજનથી હૃદયનો વર્કલોડ વધી જાય છે અને એને લીધે હૃદય સંબંધિત સમસ્યાઓ થાય
પ્રતીકાત્મક તસવીર
લગ્નની સીઝન આવે એટલે એક બાજુ ઢોલ-શરણાઈના સૂર વાગે અને બીજી બાજુ પ્લેટમાં પિરસાતી ગરમાગરમ જલેબી, કચોરી, પીત્ઝા, પાણીપૂરી, છોલે જોઈને કોનો ડાયટ-પ્લાન ન તૂટે? ગુજરાતીઓ તો ખાવા-પીવાના જબરા શોખીન એટલે દરેક ભાવતી વાનગીને મન મૂકીને માણી લે છે, પણ આ જલસાનો સીધો બોજ બેલી-ફૅટ પર અને હૃદયના સ્વાસ્થ્ય પર પડે છે. આ વાત સાંભળીને તમારા મનમાં સવાલ આવતો હશે કે એકાદ વાર ભૂલથી ઓવરઈટિંગ થઈ જાય તો એ હાર્ટને પ્રભાવિત કઈ રીતે કરે? તબિયત કઈ રીતે બગાડે? લગ્નસમારોહના ભોજનનો આનંદ
માણતાં-માણતાં ફિટ ઍન્ડ ફાઇન કેવી રીતે રહેવું એ નિષ્ણાત પાસેથી જાણીએ.
ઓવરઈટિંગની સાઇડ-ઇફેક્ટસ
ADVERTISEMENT
ઓવરઈટિંગને કારણે શરીરના મેકૅનિઝમમાં આવતા ફેરફાર વિશે વાત કરતાં ડોમ્બિવલીમાં રહેતાં અનુભવી ન્યુટ્રિશનિસ્ટ અશ્વિની શાહ જણાવે છે, ‘ઘણી વાર વાનગી આપણને બહુ ભાવે ત્યારે પેટ ભરાઈ જવાની ફીલિંગ આવે તેમ છતાં પણ વાનગી ભાવતી હોવાથી વધુ ખાઈ લેવાય છે અને પછી પેટમાં તાણ આવે છે અને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે. વધુ મીઠાવાળી, સ્પાઇસી, ઑઇલી, મસાલેદાર વાનગીઓ ખાધા પછી સ્વીટમાં ડિઝર્ટ ખવાય છે. સોડિયમ અને કાર્બોહાઇડ્રેટ્સનું વધુ પ્રમાણ શરીરમાં અસંતુલન પેદા કરે છે; જેને લીધે ખાધા પછી સુસ્તી આવવી, હાર્ટબીટ ઓછી થવી, ઍસિડિટી, છાતીમાં ભારેપણું અને ઊલટી જેવી ફીલિંગ આવે છે. આ તો ઇન્સ્ટન્ટ લક્ષણો છે, પણ શરીરનું મેકૅનિઝમ કહે છે કે જ્યારે તમારી ક્ષમતા કરતાં વધુ ખાઈ લો છો ત્યારે પાચનતંત્રને ખોરાક પચાવવા વધારાની શક્તિની જરૂર પડે છે. આ જરૂરિયાતને પૂરી કરવા માટે શરીર લોહીના પ્રવાહને પેટ તરફ મોકલે છે. આવી સ્થિતિમાં હૃદયનું કામ વધી જાય છે, કારણ કે શરીરના અન્ય ભાગોમાં લોહીનો સપ્લાય જાળવી રાખવી પડે છે. મીઠાઈ અને પીત્ઝા જેવા પચવામાં ભારે અને રીફાઇન્ડ કાર્બોહાઇડ્રેટવાળા ભોજનનો અતિરેક બ્લડ-ગ્લુકોઝને શૂટઅપ કરે છે.
શુગર-લેવલ શૂટ થાય તો સુસ્તી અને નબળાઈ આવે છે. આ લેવલ વધી જાય તો હાઇપરગ્લાઇસેમિયા થાય છે જે વ્યક્તિને કોમામાં નાખી દેવાની તાકાત ધરાવે છે.
ફૅટ સ્ટોરેજ
શરીરની જરૂરિયાત કરતાં વધુ ખોરાક પેટમાં નાખવાથી એ પ્રોસેસ કેવી રીતે થાય છે એ પ્રશ્નનો જવાબ આપતાં અશ્વિની કહે છે, ‘હું મારા ક્લાયન્ટ્સને હંમેશાં એક જ વાત સમજાવું છું કે જો તમારી પાસે દરરોજ ૧૦૦ રૂપિયા આવે છે પણ ખર્ચો ફક્ત ૨૦ રૂપિયા જ હોય તો ૮૦ રૂપિયાની બચત થાય છે. નાણામાં બચત કરવી સારી વાત છે પણ આ જ ઉદાહરણને શરીર માટે અપ્લાય કરીએ તો શરીરની જરૂરિયાત કરતાં વધુ ખોરાક પેટમાં નાખો છો ત્યારે એ ફૅટના રૂપે જમા થતો જાય છે અને આ વધારાની ચરબી ધીમે-ધીમે તમારાં હૃદય, લિવર અને અન્ય અવયવોની આસપાસ જમા થાય છે અને પ્રભાવિત કરે છે. મનપસંદ વાનગીઓ જોઈને થતું ટેમ્પ્ટેશન અને ક્રેવિંગ એ સાઇકોલૉજિકલ અને ઇમોશનલ ઈટિંગ છે. એવું નથી કે આપણને વેડિંગ સીઝન કે તહેવારમાં જ ઓવરઈટિંગ થાય છે; સ્ટ્રેસ હોય, સ્પીડથી ચાવીને ખાવાની ટેવ હોય, ટીવી-મોબાઇલ જોતી વખતે કે વાતચીત કરતાં-કરતાં ખાવાની ટેવ હોય ત્યારે આપણે કેટલું ખાઈ રહ્યા છીએ એ સમજાતું નથી અને એને કારણે ઓવરઈટિંગ થાય છે. ફક્ત એક વાર આવું થવાથી કંઈ થતું નથી, પણ જો વારંવાર થાય તો શરીરના મેકૅનિઝમમાં ગરબડ સર્જાઈ શકે છે અને જો છતાંય ધ્યાન આપવામાં ન આવે તો વાત હાર્ટ-અટૅક સુધી પહોંચી જાય છે. હેવી મીલ બધા જ માટે ખરાબ છે, ભલે તમને કોઈ બીમારી ન હોય. આથી ખાવાપીવામાં બૅલૅન્સ રાખવું બહુ જરૂરી છે.’
ઓવરઈટિંગ ટાળવાની આ સ્માર્ટ ટ્રિક્સ જાણી લેજો
લગ્નસમારોહના ભોજનનો આનંદ માણતાં-માણતાં પણ હૃદય અને શરીરને સુરક્ષિત કેવી રીતે રાખવું એ ડાયટિશ્યન અશ્વિની શાહ પાસેથી જાણી લો.
લગ્નના જમણવારમાં ખાલી પેટે જવાથી ટેમ્પ્ટેશન અને ઓવરઈટિંગ થવાની શક્યતા વધી જાય છે. તેથી ત્યાં જતાં પહેલાં ઘરેથી એક ગ્લાસ દૂધમાં ઇસબગોલ કે સૅલડ જેવું કંઈક ફાઇબરયુક્ત ખાઈને જાઓ. આનાથી પેટ ભરેલું રહેશે અને ઓવરઈટિંગથી બચી જવાશે.
જમવાનું શરૂ થતાં પહેલાં બધી જ આઇટમ પર તૂટી પડવા પહેલાં આખા મેનુ પર નજર ફેરવી લો અને પછી તમને ભાવતી ટૉપ ફાઇવ આઇટમ્સ સિલેક્ટ કરો અને એ જ પ્લેટમાં લો. એ પૂરી થાય તો બીજી આઇટમ્સ ટ્રાય કરી શકાય, પણ એ પણ ફક્ત ચાખવા પૂરતી જ. આનાથી બિનજરૂરી વસ્તુઓ ખાવાથી બચી શકાશે.
જો રાત્રે જમણવાર હોય તો સાડાસાતથી આઠ વાગ્યા સુધી ડિનર પતાવી દો અને પછી થોડું વૉક કરો જેથી જમવાનું પચી જાય. જમીને સીધા સૂઈ જવાથી શરીર સુસ્ત થાય છે અને પછી પ્રૉબ્લેમ્સ ક્રીએટ થાય છે. તેથી જમ્યા બાદ થોડી ઍક્ટિવિટી જરૂરી છે. જો જમણવાર બપોરે હોય તો સાડાબારથી એક વાગ્યા સુધીમાં જમી લેવું, પછી મેટાબોલિઝમ એટલે કે પાચનતંત્ર ધીમું પડી જાય છે.
જો તમારી થાળીમાં ડિઝર્ટનું પ્રમાણ વધારે હોય તો એને વેજિટેબલ્સ અને સૅલડ જેવી ફાઇબરયુક્ત વાનગી સાથે બૅલૅન્સ કરશો તો શરીરમાં શુગર-લેવલ સ્પાઇક થવાને બદલે બૅલૅન્સ થઈ જશે.
સંબંધીઓના આગ્રહને માનીને ન ભાવતી વાનગી ખાઈ લઈને પણ ઓવરઈટિંગ થતું હોય છે. શરીરને જબરદસ્તીનું ખાધેલું ભોજન પચવામાં મુશ્કેલી આવે છે તેથી જો તેઓ આગ્રહ કરે તો તેમને પ્રેમથી ના પાડવાની અથવા સ્માર્ટ્લી ટાળવું બેસ્ટ સૉલ્યુશન છે.
જો તમે ગ્રુપમાં જમવા બેસો ત્યારે બધા સાથે જ જમવાનું પૂર્ણ કરવાનું અલગ પ્રેશર હોય છે. આવું પ્રેશર લેવામાં ઘણા લોકો ઉતાવળમાં જમે છે. આવું પ્રેશર લેવાની કોઈ જરૂર નથી. જમવામાં ક્યારેય ઉતાવળ કરવી નહીં. દરેક કોળિયાને શાંતિથી ચાવી-ચાવીને ખાઓ. ધીમે-ધીમે ખાવાથી મગજને ‘પેટ ભરાઈ ગયું છે’ એવો સંતોષનો સંકેત યોગ્ય સમયે મળે છે અને એનાથી ઓવરઈટિંગ અટકે છે.
લગ્નપ્રસંગે જમણવાર ૧૦૦ ટકા હેલ્ધી નથી હોતો પણ આપણે ઑઇલી અને શુગરયુક્ત ખોરાક કેટલો ખાવો એના પર કન્ટ્રોલ કેળવવાની જરૂર છે. જો ડિનર હેવી થઈ ગયું હોય તો બીજા દિવસે બ્રેકફાસ્ટમાં ઓટ્સ, કીન્વા, મગની દાળના ચીલા કે ઢોસા જેવો હળવો અને બૅલૅન્સ્ડ ખોરાક ખાઓ. બપોરે દાળભાત કે ખીચડી-કઢી ખાઈ શકાય.


