Homebound shortlisted for 2026 Oscars: ભારતીય ફિલ્મ શોર્ટલિસ્ટ થતા વિશાલ જેઠવા થયો ગદગદ...ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ સફર તેમને ઓસ્કાર સુધી લઈ જશે; `હોમબાઉન્ડ` ઓસ્કાર ૨૦૨૬ માટે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં શોર્ટલિસ્ટ
ફિલ્મ ‘હોમબાઉન્ડ’ માં વિશાલ જેઠવા ચંદનનું પાત્ર ભજવે છે
વિશાલ જેઠવા (Vishal Jethwa), ઈશાન ખટ્ટર (Ishaan Khatter) અને જાહ્નવી કપૂર (Janhvi Kapoor) અભિનીત ફિલ્મ ‘હોમબાઉન્ડ’ (Homebound) એ ઓસ્કાર ૨૦૨૬ (Oscars 2026) ની રેસમાં એક મોટી છલાંગ લગાવી છે. નીરજ ઘાયવાન (Neeraj Ghaywan) દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મને ૯૮મા એકેડેમી એવોર્ડ્સમાં ‘શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ’ શ્રેણી માં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. ભારતની સત્તાવાર એન્ટ્રી, ‘હોમબાઉન્ડ’ હવે શોર્ટલિસ્ટ થયેલી ૧૫ ફિલ્મોમાંની એક છે. ત્યારે એક્ટર વિશાલ જેઠવાની ખુશીનો પાર નથી.
૯૮મા એકેડેમી એવોર્ડ્સમાં ધર્મા પ્રોડક્શન્સ (Dharma Productions) ની ફિલ્મ ‘હોમબાઉન્ડ’ શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણી માટે ઓસ્કાર (Homebound shortlisted for 2026 Oscars) તરફ એક ડગલું નજીક પહોંચી હોવાથી અભિનેતા વિશાલ જેઠવાએ પોતાનો આનંદ અને ઉત્સાહ વ્યક્ત કર્યો છે. આ ફિલ્મને વિશ્વભરના દર્શકો તરફથી પ્રેમ અને પ્રશંસા મળી રહી છે, તે સમગ્ર ટીમ માટે ગર્વની ક્ષણ છે.
ADVERTISEMENT
પોતાની લાગણીઓ શેર કરતા વિશાલ જેઠવાએ કહ્યું, ‘આ ક્ષણ મારા માટે એક સ્વપ્ન સાકાર થવા જેવી અને અતિ નમ્રતાભરી છે. ‘હોમબાઉન્ડ’ શોર્ટલિસ્ટ થવી અને ઓસ્કારમાં આગળ વધવું એ એવી વાત છે જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. હું ફિલ્મને વિશ્વભરના દર્શકો તરફથી મળેલા પ્રેમ અને સમર્થન માટે ખૂબ આભારી છું. હું ખાસ કરીને કરણ જોહર (Karan johar) સરનો આ વાર્તા અને અમારા કલાકારોમાં વિશ્વાસ કરવા બદલ આભાર માનું છું. તેમના વિઝન અને સમર્થનથી ‘હોમબાઉન્ડ’ને તેની પાંખો મળી. નીરજ ઘાયવાન સરની સંવેદનશીલતા, પ્રામાણિકતા અને સ્પષ્ટ વિચારસરણીએ મને ભાવનાત્મક ઊંડાણોને સ્પર્શવાની મંજૂરી આપી, જેને મેં પહેલાં ક્યારેય સ્પર્શ કર્યો ન હતો. તેમની સાથે કામ કરવું મારા માટે પરિવર્તનશીલ અનુભવ રહ્યો છે. હું ઇશાન ખટ્ટરનો પણ આભાર માનું છું, જેમના જુસ્સા અને મહેનતે દરેક દ્રશ્યને વધાર્યું. આ દરમિયાન અમે એકબીજા પાસેથી ઘણું શીખ્યા. આ સન્માન આખી ટીમનું છે, જેમણે ફિલ્મમાં પોતાનો જીવ રેડી દીધો છે.’
વિશાલ જેઠવાએ આગળ કહ્યું કે, ‘ઓસ્કાર શોર્ટલિસ્ટમાં ‘હોમબાઉન્ડ’નો સમાવેશ તેની વધતી જતી આંતરરાષ્ટ્રીય માન્યતાને વધુ મજબૂત બનાવે છે. તે મજબૂત વાર્તા અને ટીમવર્કનો પુરાવો છે, વૈશ્વિક મંચ પર ભારતીય સિનેમા માટે આ એક મોટી અને મહત્વપૂર્ણ સિદ્ધિ છે.’
શું છે ‘હોમબાઉન્ડ’ની વાર્તા?
‘હોમબાઉન્ડ’ ફિલ્મ સત્ય ઘટનાથી પ્રેરિત છે. આ ફિલ્મમાં વિશાલ જેઠવા ચંદનનો રોલ કરે છે. ફિલ્મની વાર્તાની વાત કરીએ તો, બાળપણના મિત્રો શોએબ (ઈશાન ખટ્ટર) અને ચંદન (વિશાલ જેઠવા) ની આસપાસ ફરે છે. તેમનું બંધન મજબૂત છે. બંને પોલીસ દળમાં જોડાઈને વધુ સારા જીવનનું સ્વપ્ન જુએ છે, પરંતુ જેમ જેમ તેઓ નજીક આવતા જાય છે તેમ તેમ તેમનો માર્ગ મુશ્કેલીઓથી ભરેલો થતો જાય છે. ફિલ્મ ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અત્યારે તે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ (Netflix) પર ઉપલબ્ધ છે.


