તે આ વર્ષે જૂનમાં કાર્યકારી મુખ્ય કોચ તરીકે નિયુક્ત થયો હતો અને કાર્યકાળ માર્ચ ૨૦૨૬ સુધી ચાલવાનો હતો
અઝહર મહમૂદ
પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર અઝહર મહમૂદનો ટેસ્ટ ટીમ સાથેનો કોચિંગ કાર્યકાળ અધવચ્ચેથી સમાપ્ત થયો છે. તે આ વર્ષે જૂનમાં કાર્યકારી મુખ્ય કોચ તરીકે નિયુક્ત થયો હતો અને કાર્યકાળ માર્ચ ૨૦૨૬ સુધી ચાલવાનો હતો. પાકિસ્તાન હવે આવતા વર્ષે માર્ચ-એપ્રિલમાં ટેસ્ટ-મૅચ રમવાનું હોવાથી આ કાર્યકાળ સમાપ્ત કરવાનો પરસ્પર નિર્ણય લેવામાં આવ્યો છે. મહમૂદને એપ્રિલ ૨૦૨૪માં તમામ ફૉર્મેટ માટે સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. ગૅરી કિર્સ્ટન અને જેસન ગિલેસ્પીએ અધવચ્ચેથી કરાર સમાપ્ત કર્યો ત્યાર બાદ સહાયક કોચ અઝહર મહમૂદે કોચિંગ ટીમનું નેતૃત્વ કર્યું હતું. માઇક હેસન પાકિસ્તાનની વાઇટ-બૉલ ટીમનો કોચ છે અને હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સામે નવો ટેસ્ટ કોચ શોધવાનો પડકાર હશે.
WBBLની ફાઇનલની પ્લેયર ઑફ ધ મૅચ લિઝેલ બે દિવસ બાદ અમ્પાયરિંગ કરતી જોવા મળી
ADVERTISEMENT

૧૩ ડિસેમ્બરે ઑસ્ટ્રેલિયાની વિમેન્સ બિગ બૅશ લીગ (WBBL)ની ૧૧મી સીઝનની ફાઇનલમાં હોબાર્ટ હરિકેન્સે પહેલી વખત ટાઇટલ જીત્યું હતું. ફાઇનલમાં રેકૉર્ડ ૭૭ રનની ઇનિંગ્સ રમીને ઓપનર લિઝેલ લી પ્લેયર ઑફ ધ મૅચ બની હતી. ૩૩ વર્ષની આ ભૂતપૂર્વ સાઉથ આફ્રિકન પ્લેયર ઑસ્ટ્રેલિયામાં ૧૫ ડિસેમ્બરે આયોજિત અન્ડર-19 વિમેન્સ નૅશનલ ચૅમ્પિયનશિપમાં અમ્પાયરિંગ કરતી જોવા મળી હતી. ૨૦૨૨માં ઇન્ટરનૅશનલ ક્રિકેટ છોડનાર લિઝેલે કહ્યું હતું કે ‘હું ક્રિકેટ છોડવા નથી ઇચ્છતી, કારણ કે મને હજી પણ લાગે છે કે મારામાં કંઈક બાકી છે. મને શીર્ષ ઇન્ટરનૅશનલ અમ્પાયરોમાંથી એક બનવામાં કોઈ સમસ્યા નહીં થાય.’ માત્ર WBBL જેવી T20 ટુર્નામેન્ટ રમી રહેલી લિઝેલ પ્રોફેશનલ અમ્પાયર બનવા માટેની પણ તૈયારી કરી રહી છે.


