બેઠાડુ જીવન, વધુપડતું સ્ટ્રેસ, જન્ક ફૂડનો માર, વધુ કૅલરીયુક્ત ખોરાક જેવાં બીજાં ઘણાં કારણો છે જેને લીધે ઓબેસિટીની સમસ્યા ઉદ્ભવતી હોય છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બાળકને ફાંદ હોય તો લોકો એ તરફ ખાસ ધ્યાન આપતા નથી પરંતુ ધ્યાન આપવું જરૂરી છે. જે બાળક નાનપણમાં ફાંદ ધરાવે છે એ જ તરુણાવસ્થામાં પહોંચશે ત્યારે તેની ફાંદ તેના ગ્રોથ પર અસર કરશે અને તે જ જ્યારે યુવાન અવસ્થામાં પહોંચશે ત્યારે એ જ ફાંદ તેના મેટાબોલિક પ્રૉબ્લેમ્સ પાછળ જવાબદાર બનશે એટલું જ નહીં, જે બાળકને નાનપણથી ફાંદ છે એ બાળક ઍક્ટિવ બને અને જો એ ફાંદ જતી રહે તો પણ પુખ્ત બન્યા પછી ધ્યાન ન રાખે તો એ ફાંદ ફરી આવવાનું રિસ્ક ઘણું વધારે છે.
આજનાં બાળકો મોટા ભાગે પોતાનો સમય મોબાઇલ અને લૅપટૉપ લઈને બેઠા હોય છે. એ ન હોય તો દિવસના ૩-૪ કલાક તો ટીવી જુએ છે. મેદાનો ઘટી ગયાં છે અને જો હોય તો પણ રમવા જવાનો સમય હોતો નથી. આ પરિસ્થિતિમાં બાળક વધુ ને વધુ બેઠાડુ જીવન જીવે છે. બેઠાડુ જીવન, વધુપડતું સ્ટ્રેસ, જન્ક ફૂડનો માર, વધુ કૅલરીયુક્ત ખોરાક જેવાં બીજાં ઘણાં કારણો છે જેને લીધે ઓબેસિટીની સમસ્યા ઉદ્ભવતી હોય છે. આ સિવાય ઘણી વાર એવું બને છે કે બાળકમાં કોઈ હૉર્મોનલ પ્રૉબ્લેમ હોય તો પણ તેને ફાંદ આવી જતી હોય છે. જેમ કે ડાઉન્સ સિન્ડ્રૉમ, ટર્નર સિન્ડ્રૉમ, પ્રેડરવિલી સિન્ડ્રૉમ કે કુશિંગ્સ સિન્ડ્રૉમ જેવા રોગોમાં પણ બાળકની ફાંદ વધી જતી હોય છે. જોકે આવા કેસ અમુક જ હોય છે. જો પોષણયુક્ત ખોરાક અને ઍક્ટિવિટી વધાર્યા પછી પણ તમારા બાળકની ફાંદ ન જાય તો ચોક્કસ ડૉક્ટરને મળીને તપાસ કરાવો. શા માટે તેને આ પ્રૉબ્લેમ છે એ જાણો અને ઇલાજ દ્વારા દૂર કરવાની કોશિશ કરો.
ADVERTISEMENT
શાકાહારી ભોજનમાં પ્રોટીનનું પમાણ વધારવા માટે ફણગાવેલાં કઠોળ, દાળ, પનીર જેવા હાઈ ક્વૉલિટી પ્રોટીનનો તેના દૈનિક આહારમાં સમાવેશ કરો. જન્ક અને વધુ કૅલરીયુક્ત ખોરાક બાળકો માટે પણ હાનિકારક જ છે. એવું નથી કે એ લોકો એ પચાવી જાણે છે. એટલે ખોરાક હેલ્ધી જ રાખો. ૫ વર્ષ કે તેથી નાના બાળકને મોબાઇલ અને કમ્પ્યુટરથી દૂર જ રાખો. ટીવી પર કાર્ટૂન જોવાનો પણ એક નિયત સમય ફિક્સ રાખો. ૧ કલાકથી વધુ સમય ટીવી તેને ન જોવા દો. બેઠાં-બેઠાં રમવાની રમતોને બદલે દોડવાની રમતો પર ફોકસ કરો. સાઇક્લિંગ, સ્વિમિંગ, સ્કેટિંગ કે ડાન્સિંગ જેવી ઍક્ટિવિટી પણ કરાવી શકો જેમાં તેને રસ પણ પડશે અને શરીર કસાશે પણ ખરું. પોષણયુક્ત આહાર અને ફિઝિકલ ઍક્ટિવિટી બન્ને હોવા છતાં પણ ફાંદ હોય જ તો એક વખત ડૉક્ટરની સલાહ લો.
