ડીટૉક્સ ટી તરીકે માર્કેટમાં જાતજાતની હર્બલ ટી આજકાલ વેચાઈ રહી છે અને એમાંથી એક એટલે સિંહપર્ણી ચા. સવારમાં ચા-કૉફીને બદલે આ હર્બલ ટી પીવામાં આવે તો એ શરીરને અનેક રીતે ફાયદા પહોંચાડવાનું કામ કરે છે. ખાસ કરીને કિડની-લિવરને ડીટૉક્સ કરવામાં મદદ કરે છે
પ્રતીકાત્મક તસવીર
પ્રકૃતિમાં અનેક એવા છોડ મળી આવે છે જેમનો ઉપયોગ વિવિધ રોગોની સારવારમાં કરવામાં આવે છે. આવો જ એક ઔષધીય છોડ છે ડન્ડેલિયન જેને ભારતમાં સિંહપર્ણી નામથી પણ ઓળખવામાં આવે છે. આ છોડનાં મૂળ, પાંદડાં, ફૂલ બધું જ ઉપયોગમાં લેવામાં આવે છે. ડન્ડેલિયન મૂળ તો યુરોપનો છોડ છે, પણ એ ભારતના હિમાલય ક્ષેત્રમાં પણ જોવા મળે છે. આયુર્વેદ અને હર્બલ મેડિસિનમાં વર્ષોથી એનો ઉપયોગ થાય છે. ભારતમાં પણ તમને ઑનલાઇન ડન્ડેલિયન રૂટ હર્બલ ટી મળી જશે જેને ડીટૉક્સ ટી તરીકે વેચવામાં આવે છે.
સિંહપર્ણી ચાને ખાસ કરીને લિવર માટે લાભદાયક માનવામાં આવે છે. એ લિવરમાં જમા થયેલાં ટૉક્સિન્સને બહાર કાઢવાનું કામ કરે છે. સાથે જ ફૅટી લિવર અને લિવરમાં સોજા જેવી સમસ્યામાંથી રાહત આપવાનું કામ કરે છે.
ADVERTISEMENT
સિંહપર્ણી ચા કિડની માટે પણ સારી માનવામાં આવે છે. આ ચા કુદરતી ડાયયુરેટિક એટલે કે મૂત્રવર્ધક તરીકે કામ કરીને શરીરમાં જમા ટૉક્સિન્સ, યુરિક ઍસિડ અને ઍક્સેસ સોડિયમ બહાર કાઢે છે. વારંવાર યુરિન પાસ થવાથી પથરી બનાવનારાં તત્ત્વો જેમ કે કૅલ્શિયમ, ઓક્ઝલેટ જમા થતાં નથી.
સિંહપર્ણી કડવી ઔષધિ હોવાને કારણે એ જઠરાગ્નિને તીવ્ર બનાવે છે અને ખોરાકને સારી રીતે પચાવવામાં મદદ કરે છે. એવી જ રીતે એ આંતરડાંની સફાઈ કરે છે. પરિણામે કબજિયાત દૂર થાય છે અને પાચન સુધરે છે. સિંહપર્ણીમાં પ્રી-બાયોટિક ફાઇબર હોય છે જે આપણા પેટના ગુડ બૅક્ટેરિયાને વધારવાનું કામ કરીને ગટ-હેલ્થ સારી રાખે છે.
સિંહપર્ણી ચા ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશરના દરદીઓ માટે પણ ફાયદાકારક છે. ખાસ કરીને સિંહપર્ણીના મૂળમાં એવા ગુણો હોય છે જે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારવાનું કામ કરે છે. એનાથી શરીરમાં ગ્લુકોઝનો ઉપયોગ સારી રીતે થાય છે અને બ્લડ-શુગર નિયંત્રણમાં રહે છે. સિંહપર્ણીમાં મૂત્રવર્ધક ગુણ હોવાથી એ શરીરમાંથી વધારાનું સોડિયમ અને પાણી કાઢવામાં મદદ કરે છે અને એને કારણે બ્લડપ્રેશરને પણ નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
સિંહપર્ણીમાં બીટા કૅરોટિન, પૉલિફીનૉલ્સ જેવાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સનું સારુંએવું પ્રમાણ હોય છે. બીટા કૅરોટિન શરીરમાં વિટામિન A તરીકે કાર્ય કરીને ત્વચા અને આંખોની હેલ્થ સુધારે છે. પૉલિફીનૉલ્સ હૃદયરોગ અને કૅન્સર જેવી બીમારીઓથી બચાવવામાં મદદ કરી શકે છે. સિંહપર્ણીમાં ઍન્ટિ-ઇન્ફ્લમેટરી ગુણો હોય છે જે શરીરના અંદરની સૂજનને ઓછી કરવાનું કામ કરે છે.
સાવધાન
ગંભીર ડિપ્રેશન કે જેને બાયપોલર ડિસઑર્ડર કહેવાય છે એના માટે લિથિયમવાળી દવા ચાલતી હોય કે હૅવી ઍન્ટિબાયોટિક દવા ચાલતી હોય તો ડૉક્ટરને કન્સલ્ટ કર્યા પછી જ આ ચા પીવી જોઈએ.

