આ ડાયલૉગ સાથે લાંબા વાળ અને કસાયેલા શરીરના લુકમાં રણવીર સિંહની ધુરંધરનો ફર્સ્ટ લુક જાહેર
‘ધુરંધર’ના પ્રોડ્યુસરે ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે
રવિવારે રણવીર સિંહની ચાલીસમી વર્ષગાંઠ હતી અને આ દિવસે તેની આગામી ફિલ્મ ‘ધુરંધર’ના પ્રોડ્યુસરે ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરીને એની રિલીઝ-ડેટની જાહેરાત કરી છે. થોડા દિવસો પહેલાં ‘ધુરંધર’ના સેટ પરથી રણવીર સિંહનો લુક વાઇરલ થયો હતો, જેમાં તે લાંબા વાળ, દાઢી અને કસાયેલા શરીર સાથે જોવા મળ્યો હતો અને ફિલ્મના ફર્સ્ટ લુકમાં રણવીરનો આ પાવરફુલ લુક જોવા મળે છે. આ ફર્સ્ટ લુકના વિડિયોમાં જબરદસ્ત ઍક્શન છે અને રણવીરનું પાત્ર ધમાકેદાર અંદાજમાં દેખાય છે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના, અર્જુન રામપાલ અને સંજય દત્ત પણ શાનદાર રોલમાં જોવા મળશે. આ ફર્સ્ટ લુકમાં આ ફિલ્મ ૨૦૨૫ની પાંચ ડિસેમ્બરે રિલીઝ થવાની છે એવી જાહેરાત કરવામાં આવી છે.
‘ધુરંધર’ એક ઍક્શન-થ્રિલર છે જે આદિત્ય ધર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ ઉપરાંત સંજય દત્ત, અક્ષય ખન્ના, આર. માધવન અને અર્જુન રામપાલ મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મ વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત હોવાનું કહેવાય છે, જેમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના યુવાનીના દિવસોની વાર્તાનો સમાવેશ થઈ શકે છે. જોકે નિર્માતાઓએ આ વાતને સમર્થન નથી આપ્યું. રિપોર્ટ પ્રમાણે ‘ધુરંધર’માં રણવીર સિંહ ભારતના એક જાસૂસની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે અર્જુન રામપાલ અને અક્ષય ખન્નાએ ખલનાયકનાં પાત્રો ભજવ્યાં છે. અજિત ડોભાલનું પાત્ર આર. માધવન ભજવશે, જ્યારે સંજય દત્ત પાકિસ્તાની પોલીસ-અધિકારીના રોલમાં જોવા મળશે.
ADVERTISEMENT
પ્રભાસ અને શાહિદની ફિલ્મો સાથે થશે ધુરંધરની ટક્કર
હાલમાં જાહેરાત કરવામાં આવી છે કે ‘ધુરંધર’ ૨૦૨૫ની પાંચ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ જાહેરાતને પગલે હવે આ તારીખે રણવીર સિંહ, શાહિદ કપૂર અને પ્રભાસ વચ્ચે ટક્કર થશે. આ તારીખે ‘ધુરંધર’ની સાથે જ પ્રભાસની ‘ધ રાજાસાબ’ અને શાહિદ કપૂરની વિશાલ ભારદ્વાજ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી ‘અર્જુન ઉસ્તરા’ પણ રિલીઝ થવાની છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ડિસેમ્બરનો પહેલો શુક્રવાર ફિલ્મ-રિલીઝ માટે નિર્માતાઓની પ્રથમ પસંદગી બની ગયો છે. આનું કારણ એ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં રિલીઝ થયેલી ફિલ્મો સુપરહિટ રહી છે અને એણે બૉક્સ-ઑફિસ પર બમ્પર કમાણી કરી છે. રણબીરની ‘ઍનિમલ’પણ ડિસેમ્બર ૨૦૨૩ના પહેલા અઠવાડિયામાં રિલીઝ થઈ હતી. મળતી માહિતી પ્રમાણે ‘ધુરંધર’ એક જાસૂસી ઍક્શન-થ્રિલર છે, ‘ધ રાજાસાબ’ એક રોમૅન્ટિક હોરર-કૉમેડી છે અને ‘અર્જુન ઉસ્તરા’ એક ગૅન્ગસ્ટર ઍક્શન-થ્રિલર છે.

